• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

કોણ વિરાટ, કોણ વામન ?

-  કુંદન વ્યાસ (નવી દિલ્હીથી)

`નૂતન સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી છે. આઝાદ ભારતવાસીઓના સ્વપ્ન સાકાર કરવાનું માધ્યમ છે. આ ભવ્ય ઈમારતનો કણ કણ કલ્યાણને સમર્પિત છે. ભવ્ય ભવનને દિવ્ય બનાવીએ. લોકતંત્રની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. 144 કરોડ જનતાની આકાંક્ષાઓ પાર પાડવાના દૃઢ સંકલ્પનો સંદેશ છે. સંકલ્પને સિદ્ધિ સાથે જોડવાની આ કડી છે. પુરાતન અને નૂતનના સહઅસ્તિત્વનો આદર્શ છે. નયે ભારત કા નયા માર્ગ હૈ - સંકલ્પ હૈ - વિશ્વાસ નયા હૈ - સહી સમય હૈ, યહી સમય હૈ - આઝાદી પહેલાં ગાંધીજીએ અસહકારની હાકલ કરી સમસ્ત ભારત જોડાયું અને આઝાદી મળી. આજે ફરીથી દેશની ચેતના જાગી છે. અમૃતકાળનો આરંભ થયો છે. 25 વર્ષ પછી - આઝાદીની શતાબ્દી સાથે ભારત વિકસિત રાષ્ટ્ર હશે.' આ સફળતાના આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકતંત્રનું મંદિર - નવું સંસદ ભવન લોકાર્પણ કર્યું છે. વિપક્ષોના વિરોધ - અવરોધનો જવાબ નિષ્ઠા અને કર્તવ્યની સફળતાથી આપ્યો છે. નિવૃત્ત અને પ્રવૃત્ત રાજકીય લોકપ્રતિનિધિઓ અને એકવીસ રાજકીય વિપક્ષોની હાજરી ઉપરાંત વિદેશી એલચીઓ, મહેમાનોની પ્રત્યક્ષ હાજરી અને લાખ્ખો - કરોડો દેશવાસીઓની પરોક્ષ હાજરી - ભારતીય સંસદીય લોકશાહીના આ ભવ્ય મહોત્સવના સાક્ષી બન્યા.સનાતન ધર્મની પરંપરા મુજબ હોમ-હવન, પૂજા-અર્ચના થઈ. તામિલનાડુથી પધારેલા પંડિતોએ વિધિપૂર્વક સેન્ગોલ - રાજશક્તિ અને ધર્મનું પ્રતીક વડા પ્રધાનને સુપરત કર્યું - જે લોકસભામાં સ્પીકરના આસન નજીક સ્થાપિત કરવામાં આવ્યું. વડા પ્રધાને સાષ્ટાંગ દંડવત્ - પ્રણામ કર્યા અને કહ્યું: `કર્તવ્ય-પથ, સેવાની પ્રેરણા મળશે.' સાઠ હજાર `શ્રમિકો'ના પ્રતિનિધિઓનું સન્માન કર્યું. આ સાથે નવા સંસદ ભવનની ટીકા - અને નવ વર્ષના શાસનમાં શું કર્યું તેનો જવાબ આપ્યો. નવા સંસદ ભવનનું ગૌરવ છે, પણ સાથે ચાર કરોડ ઘર આવાસ બાંધ્યાં. સડક-માર્ગો બાંધ્યા. પચાસ હજાર અમૃત સરોવરો અને 70 હજાર પંચાયત ભવન બાંધ્યાં તેનો સંતોષ પણ વ્યક્ત કર્યો. સંસદ ભવનમાં નૂતન અને પુરાતનનું સહઅસ્તિત્વ છે. તો વિવિધતામાં એકતાના દર્શન પણ છે. ભવન નિર્માણમાં રાજસ્થાનના પથ્થર, કાશ્મીરી કારીગરોના ભાતીગળ ગાલીચા અને મહારાષ્ટ્રનું કાષ્ઠ-લાકડાં ઉપર કોતરણી...એક ભારત શ્રેષ્ઠ ભારત...  ભારતના `િવશ્વગુરુ'ની ટીકા વિરોધીઓ કરે છે, પણ નરેન્દ્ર મોદી કહે છે કે ભારતની આઝાદીથી અનેક દેશોને પ્રેરણા મળી અને આઝાદ થયા. આજે સમસ્ત વિશ્વ ભારતનો આદર કરે છે. ઉમ્મીદની ભાવનાથી જુએ છે. ભારતના વિકાસથી વિશ્વના દેશોને પણ વિકાસનું આહ્વાન મળે છે... અને ભારતની સંસદમાં ગરીબી - નિવારણના લેવાતા નિર્ણય પણ વિશ્વને પ્રેરણા આપશે.  

---   નૂતન સંસદ ભવનના મહોત્સવનું ગૌરવ ભારતવાસીઓને તો હોય જ, હોવું જ જોઈએ પણ કૉંગ્રેસ અને કેટલાક વિપક્ષ હંમેશાં વિરોધ પક્ષની ભૂમિકામાં હોય છે. રાષ્ટ્રપતિના નામે-બહાને, સેન્ગોલના નામે વિવાદ જગાવ્યા. નરેન્દ્ર મોદીએ જવાબ કેવી રીતે આપ્યો - નકલી સેક્યુલરવાદીઓ જોતા રહ્યા. હોમહવન થયા, વીર સાવરકરને શ્રદ્ધાંજાલિ આપી, ગાંધીજીને યાદ કર્યા, સરદાર પટેલ અને આંબેડકરને કદી ભૂલ્યા નથી - સંવિધાન સંકલ્પ છે.સર્વધર્મ પ્રાર્થના થયા પછી કાર્યક્રમ શરૂ થયો. રાષ્ટ્રપતિ અને સ્પીકરની જવાબદારી - કાર્યક્ષેત્ર ભવન નિર્માણનું નથી, આ કામ સરકારનું છે. નિર્માણ થયા પછી રાષ્ટ્રપતિ - સ્પીકરને આધીન છે. હવનમાં વડા પ્રધાને સ્પીકરને સાથે બેસાડવા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ (જે રાજ્યસભાના અધ્યક્ષ છે) એમના સંદેશાનું વાંચન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરીવંશ નારાયણ સિંઘ - જેઓ રાજ્યસભામાં જનતા દળ (યુ)ના નેતા છે એમણે કર્યું. - નીતિશ કુમાર ભલે ભમ્મર ચડાવે કે પેટ ચોળતા રહે. ઉપાધ્યક્ષે ઇનકાર કર્યો નહીં! પૂર્વ વડા પ્રધાન દેવેગૌવડા આગલી હરોળમાં બેઠા - એમના પુત્ર કુમારસ્વામીની વોટબૅન્ક કૉંગ્રેસે લૂંટયા પછી એમણે કહ્યું, અમે કૉંગ્રેસના ગુલામ નથી - મહોત્સવનો બહિષ્કાર નહીં કરીએ (હવે લોકસભાની ચૂંટણીની રાહ જોશે!).તામિલનાડુના મુખ્ય પ્રધાન ડીએમકેના સ્ટાલીન વિદેશ છે. એમના દ્રવિડ પક્ષનો જન્મ જ આર્ય અને બ્રાહ્મણ - વિરોધથી થયો હતો - છતાં સૌના નામ સાથે રામ જોડાયેલા છે અને તામિલનાડુમાં વિશ્વનાં શ્રેષ્ઠ મંદિરો - તાજમહલને શરમાવે તેવા છે - ત્યાંના પંડિતોએ નરેન્દ્ર મોદી અને સંસદ માટે સ્વસ્તિ વચન ઉચ્ચાર્યાં.   આંધ્રના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી પણ હાજર હતા. કૉંગ્રેસ - રાહુલ ગાંધી સાથે જોડાયેલા ડાબેરીઓ અને પ્રાદેશિક પક્ષો - જેઓ સત્તા માટે વલખાં મારે છે - અથવા તો ભાજપથી ભડકી રહ્યા છે - એવા જાનમાં કોઈ જાણે નહીં તો પણ જોડાયેલા તમામ હવે નવી સંસદમાં કાર્યવાહીનો બહિષ્કાર કરશે? બહાર ધ્યાનમુદ્રામાં બેઠેલા ગાંધીજી પાસે ઊભા રહીને ફોટા પડાવશે? કે માત્ર ગાંધી પરિવારના શરણે - ચરણે બેસશે? અપમાન રાષ્ટ્રપતિનું નહીં, સંસદનું, લોકશાહીનું થયું છે - આ વાત કૉંગ્રેસના નેતાઓ નહીં સ્વીકારે. કર્ણાટકના વિજયનો આત્મવિશ્વાસ નહીં, અહંકાર છે. જો કૉંગ્રેસે બહિષ્કારને બદલે સહકાર આપ્યો હોત તો રાજકીય શાણપણ - પરિપક્વતા ગણાત. બહિષ્કારના નિશાન ઉપર નરેન્દ્ર મોદી હતા - પણ મોદી પાસે `સંસદની ઢાલ' છે. કૉંગ્રેસે - મહોત્સવ - મોદીની ટીકા કરવા કાર્ટૂન છપાવ્યાં. વિરાટ નેહરુ અને વામન મોદી... જૂનું સંસદ ભવન કોણે બનાવ્યું હતું? આવા વિરોધથી કૉંગ્રેસી નેતા વામણા નથી લાગતા?   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang