આર્થિક વિકાસના મામલે વિશ્વમાં
માનભર્યું સ્થાન ધરાવતા ભારતના વિકાસદરની ગતિ લગભગ બે વર્ષ સુધી એકધારી અને નક્કર રહ્યા
બાદ હાંફી રહી હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યંy છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા
ત્રિમાસિક સમયગાળા દરમ્યાન જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે વિકાસદર માત્ર 5.4 ટકા નોંધાયો
હતો. છેલ્લા લગભગ સાત ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એટલે કે, બે વર્ષ દરમ્યાનનો આ સૌથી
નીચો વિકાસદર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે આ સમયગાળા દરમ્યાન વિકાસ દર
8.1 ટકા જેટલો ઊંચો નોંધાયો હતો, તો ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં
વિકાસ દર 6.7 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં છ ટકા રહ્યો હતો. આમ 5.4 ટકાનો વિકાસદર
અર્થતંત્ર માટે ચિંતાની બાબત ગણી શકાય તેમ છે. દેશનાં અર્થતંત્ર માટે વિકાસદર ધીમો
પડયો હોવાની બાબત એક માત્ર ચિંતાની બાબત નથી. વિકાસદર સુસ્ત બન્યાની સાથોસાથ ચાવીરૂપ
ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વિકાસની ગતિ ધીમી પડી છે. કોલસા, ક્રુડ તેલ, કુદરતી ગેસ, રિફાઇનરી
ઉત્પાદનો, વીજળી, ખાતર, સિમેન્ટ અને સ્ટીલ સહિતના આઠ પાયાના ઉદ્યોગમાં ઓક્ટોબર મહિનાનું
ઉત્પાદન ઘટીને 3.1 ટકાએ પહોંચી ગયું છે. ગયાં વર્ષે ઓક્ટોબરમાં આ ટકાવારી 12.7ની નોંધાઇ
હતી. આમ આ ઘટાડો ઉદ્યોગ ક્ષેત્રની સાથોસાથ અર્થશાસ્ત્રીઓ માટે ચિંતા જગાવે તેવો છે.
ઉલ્લેખનીય છે કે, આ પાયાના આઠ ઉદ્યોગો દેશના ઔદ્યોગિક વિકાસના આંક (આઇઆઇપી)માં
40.27 ટકાનો ફાળો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વર્ષ 2047 સુધી વિકસિત રાષ્ટ્ર
બનાવવાની નેમ વ્યક્ત કરી છે, પણ તેને ફળીભૂત કરવા માટે બે આંકડાનો વિકાસદર જાળવી રાખવો અનિવાર્ય બની રહે તેમ છે. વિકાસદરમાં નરમાશ
આવી છે, તેના પડકારની સાથોસાથ ખાદ્ય સામગ્રીની
મોંઘવારી પણ ઊંચાં સ્તરે છે. મોદી સરકાર માટે
આર્થિક મોરચે અત્યાર સુધીનો આ સૌથી મુશ્કેલ સમય જણાઇ રહ્યો છે. ખરેખર તો વિકાસની ઘટતા
દરથી ઊભા થઇ રહેલા પડકારને પહોંચી વળવા માટે
નાણાં, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયોએ સંબંધિત આર્થિક સંસ્થોની સાથે મળીને પરિસ્થિતિ
પર ચાંપતી નજર રાખવાની ખાસ જરૂરત છે, પરંતુ હજી હમણા મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિતની
ચૂંટણીઓની પ્રક્રિયા પૂરી થઇ છે. આગામી સમયમાં
બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. સ્વાભાવિક રીતે આવી મહત્ત્વની ચૂંટણીઓમાં
ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન પ્રચાર પર વધુ રહેતું
હોય છે, જેને લીધે વહીવટી કામગીરી પર અસર પડતી હોય છે. હાલે ચાલી રહેલા સંસદના શિયાળુ
સત્ર દરમ્યાન વિપક્ષ દ્વારા રોજબરોજ કાર્યવાહીને ખોરવી નાખવા ધમાલ થતી રહે છે. આવામાં
સંસદમાં મહત્ત્વની કામગીરી હાથ ધરી શકાતી નથી. આવા સંજોગોમાં સરકાર અને સંબંધિત મંત્રાલયો
માટે અર્થતંત્રને મજબૂત કરવાના પગલાં લેવામાં ભારે મુશ્કલી ઊભી થતી હોવાનું સૌ કોઇ
જાણે છે. ખેરખર તો વિકાસદરમાં ઘટાડો અને ઔદ્યોગિક
ઉત્પાદનના આંકમાં કાપના આંકડા સરકાર અને રાજકીય પક્ષો માટે આંખ ઊઘાડનારા બની રહે તે
જરૂરી છે. સરકાર અને વિપક્ષે રાજકીય ગમા-અણગમાને કોરણે મૂકીને દેશના હિતમાં આર્થિક
વિકાસના અંતરાયોને દૂર કરવા સાથે મળીને મંથન કરવા પર ધ્યાન આપવું રહ્યંy.