ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસક તોફાનોને પગલે તણાવભરી પરિસ્થિતિ
સર્જાઇ?છે. દિવસોના પ્રયાસો પછી પણ સ્થિતિમાં ફેર નથી પડયો. દરમ્યાન, મસ્જિદ સમિતિએ
સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી અને તેનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરતાં મામલો અદાલતનાં
દ્વારે પહોંચ્યો છે. આ કોમી તનાવ પાછળ મસ્જિદનો મામલો જવાબદાર છે. બરોબર આ જ અરસામાં
અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પણ મંદિરની જગ્યા પર નિર્માણ પામી હોવાનો
દાવો કરવામાં આવ્યો છે. જનમાનસ ઉશ્કેરવામાં આવી બાબતો નિમિત્ત બનતી હોય છે. સંભલનો
બનાવ જુદો છે. અહીં કોર્ટના આદેશનો અમલ રોકવાની પેરવી થઇ છે. પોલીસને નિશાન બનાવીને
હિંસા આચરવામાં આવી છે. સંભલમાં જામા મસ્જિદ પર બીજીવાર સર્વે કરવાના મુદ્દે ઊભા થયેલા
વિવાદે રવિવારે હિંસક રૂપ લીધું હતું. સર્વે દરમ્યાન બેકાબૂ ભીડે પોલીસ પર પથ્થરમારો
કરીને પોલીસ વાહનોને આગ ચાંપી હતી. જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ દ્વારા
પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં 20થી વધારે પોલીસ જવાન અને બે
ડઝનથી વધુ લોકો ઘવાયા છે. આ ઘમસાણમાં ત્રણનાં મોત થયાં છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા
પોલીસને 100 રાઉન્ડ ગોળીઓ છોડવી પડી હતી. આ બનાવ પછી જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ
મૌલાના મહમૂદ મદનીએ સંભલમાં થયેલી હિંસા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી દુ:ખ વ્યક્ત
કર્યું છે. તેમણે કહ્યું કે, જમિયત ઉલેમા-એ-હિન્દ કોઈપણ પક્ષ અને ઉપદ્રવી હિંસાનું
સમર્થન નથી કરતી, પરંતુ પોલીસની આ બર્બર કાર્યવાહી અન્યાયપૂર્ણ, સાથે ભેદભાવપૂર્ણ છે,
જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ ઘટનામાં હિંસાની શરૂઆત ક્યાંથી થઈ એ જોવું જાણવું જોઇએ. વાસ્તવમાં કોર્ટના આદેશ પર
સર્વેક્ષણ થઈ રહ્યું હોય, તો તેનો હિંસક વિરોધ કેવી રીતે થઈ શકે? જો હિંસા ભીડ દ્વારા
શરૂ થઈ ન હોત અને તે ભીડે આક્રમક રૂપ ધારણ ન કર્યું હોત અને પોલીસને બળ વાપરવાની કોઈ
જરૂર જ ન પડી હોત, છતાં જે બન્યું એ ટળી જવું જોઇતું હતું. સંભલની સ્થાનિક કોર્ટે એક
અરજી પર જામા મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે,
મોગલ બાદશાહ બાબરે આ મસ્જિદનું નિર્માણ એક મંદિરનાં સ્થળે કર્યું હતું. સ્થાનિક કોર્ટના
આદેશ પર મંગળવારે પણ જ્યારે પ્રારંભિક સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે પણ આ વિસ્તારમાં
તંગદિલી ફેલાઈ હતી, પરંતુ તે નિયંત્રિત કરવામાં આવી હતી. આને લઈ રવિવારે બનેલી ઘટના
પૂર્વ નિયોજિત હોવાની પૂરેપૂરી શંકા છે. એ કમનસીબી છે કે, મંદિર-મસ્જિદના એક વધુ કેસમાં
તાણભરી સ્થિતિ ઊભી થઈ. જો મસ્જિદ પક્ષનું એમ માનવું હોય કે, જામા મસ્જિદના સર્વેનો
આદેશ યોગ્ય નથી, તો તેઓ ઉપલી કોર્ટમાં જઈ શક્યા હોત, જ્યારે કોર્ટમાં જવાનો માર્ગ મોકળો
હોય ત્યારે નીચલી કોર્ટના કોઈપણ આદેશની અવહેલના અને હિંસાનો સહારો લેવાનું કોઈ ઔચિત્ય
નથી. આ પહેલાં પણ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરનું સર્વેક્ષણ થયું છે અને ધારમાં ભોજનશાળાના
પરિસરનું, મથુરામાં ઈદગાહ પરિસરના સર્વેક્ષણનું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન
છે. મંદિર-મસ્જિદના વિવાદ કંઈ નવા નથી. આવા વિવાદોના ઉકેલ માટે જ્યારે કોર્ટનો સહારો
લેવામાં આવે તેમાં પણ કશું ખોટું નથી. ખોટું છે આ સંદર્ભમાં આવેલા આદેશની ખુલ્લેઆમ
અવહેલના-તિરસ્કાર કરવો. આવાં તત્ત્વો વિરુદ્ધ કાયદો તો કાયદાનું કામ કરશે, પણ સરકારે
પણ આકરામાં આકરાં પગલાં લેવાં રહ્યાં. એક મત એવો પણ છે કે, આવા વિવાદ નિવારવા જોઇએ.
કોમી અશાંતિ-હિંસાથી સમાજનું ભલું નથી થવાનું. વિકાસ અવરોધાય છે અને સામાન્ય લોકોએ
જ સહન કરવું પડે છે. સંભલની પરિસ્થિતિ વહેલીતકે શાંત પડવી જોઇએ... કોમી તનાવના આગના
તણખા બીજે વધુ ફેલાતા હોય છે એ રખે ભૂલાતું. દરમ્યાન, સર્વોચ્ચ અદાલતે આ પ્રકરણમાં
વડી અદાલતમાં અપીલ કરવા અરજદારને કહ્યું છે.