બંધારણનો 75મો દિવસ દેશ માટે મહત્ત્વનો બની રહે એ સ્વાભાવિક
છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના મંચસ્થ ખંડમાં આયોજિત કાર્યક્રમમાં બંધારણને
જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ લેખાવતાં નાગરિકોને તેમનાં વર્તનમાં બંધારણના આદર્શોને
આત્મસાત કરવા, મૂળભૂત ફરજો પૂર્ણ કરવા આહ્વાન આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ
બંધારણને દેશનું પથસર્શક લેખાવ્યું. બંધારણની ગરિમા જાળવવી દરેક ભારતવાસીનું કર્તવ્ય
છે. પ્રત્યેક નાગરિકને બંધારણનું ગૌરવ હોવું જોઇએ. 26મી જાન્યુઆરી 1950ના બંધારણ લાગુ
થયું એ દિવસે ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે, પણ તેનું નિર્માણ તો 26મી નવેમ્બર
1949ના સંપન્ન થયું હતું. રાષ્ટ્રપતિનું એ વિધાન સર્વથા યોગ્ય છે કે બંધારણમાં બહુજન
હિતાય, બહુજન સુખાયની ભાવના સમાવિષ્ટ છે. આ માત્ર નિયમ-કાયદાનો દસ્તાવેજ નથી, એવો પવિત્ર
ગ્રંથ છે જેના આધારે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રનું સંચાલન થાય છે. આપણા
જનનાયક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર બંધારણના ઘડવૈયા તરીકે સુખ્યાત છે. ભારતીય બંધારણ
સભાનું ગઠન છઠ્ઠી ડિસેમ્બર 1946ના થયું, જેમાં શરૂઆતમાં 389 સભ્ય હતા. વિભાજન પછી
299 સભ્ય રહ્યા એ પૈકી 284 સભ્યે 26મી નવેમ્બર, 1949ના બંધારણના અંતિમ મુસદ્દા પર હસ્તાક્ષર
કર્યા હતા, જેમાં 15 મહિલા હતી. કચ્છ-માંડવીની ધરતીના સપૂત પ્રા. કે.ટી. શાહે બંધારણસભાના
સભ્ય તરીકે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. બંધારણના અમૃતકાળ નિમિત્તે આખું વર્ષ સ્મરણોત્સવનું
આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ દેશના નાગરિકોમાં બંધારણ પ્રત્યે જાગૃતિ પેદા કરવાનો
છે. સ્મરણોત્સવનો વિષયવસ્તુ `આપણું બંધારણ, આપણું સ્વાભિમાન' રાખવામાં આવ્યું છે. ભારતનાં
બંધારણની રચનામાં અનેક દેશોનાં બંધારણનો અર્ક સમાવવામાં આવ્યો છે, પરંતુ તેની પ્રસ્તાવનાને
સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બંધારણનાં કેન્દ્રમાં માનવીય મૂલ્યોની સુગંધ છે. તેના
પ્રારંભના શબ્દો છે `આપણે ભારતના
લોકો' આજે રાજકીય લડાઇમાં વિરોધ પક્ષ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર બંધારણના ભંગનો આરોપ
લગાવે છે, પરંતુ આ પવિત્ર દસ્તાવેજના ઉલ્લંઘનનું દુ:સાહસ તો ઠીક, તેનો વિચાર સુદ્ધાં
કોઇ રાષ્ટ્રવાદી પક્ષ કરે એ શક્ય નથી. ભારતનું બંધારણ લોકોનો મૌલિક અધિકાર પ્રદાન કરે
છે, પરંતુ આપણે મૌલિક અધિકારોની સાથે મૌલિક કર્તવ્ય-ફરજનું પાલન કરતાં ભૂલી જઇએ છીએ.આપણો
ભારત દેશ આઝાદીના અમૃતકાળ પછી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર છે. અર્થતંત્રનો ધબકાર
બળૂકો છે. ભારત કદાચ આર્થિક શક્તિ હાંસલ કરી લેશે, પરંતુ દેશના નાગરિક તરીકે પોતાનું
યોગદાન આપીએ, રાષ્ટ્રીય સંપત્તિનું જતન કરીએ અને કરાવીએ, પર્યાવરણની રક્ષા માટે પ્રતિબદ્ધ
બનીએ, ખોટો વ્યય ટાળીએ, નિયમિત કર ભરીએ, ભ્રષ્ટાચાર-ગેરરીતિને ઉત્તેજન ન આપીએ... આટલું
કરીએ તો પણ બંધારણ અને દેશ પ્રત્યેની વફાદારી સુનિશ્ચિત થશે. આપણે જવાબદાર નાગરિક બનીને
ભારતને વિશ્વગુરુ બનાવી શકીશું.