• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ડિજિટલ એરેસ્ટ ઠગાઇ સામે ખુદ વડાપ્રધાનની લાલબત્તી

આધુનિક વિશ્વમાં ઇન્ટરનેટ આધારિત વ્યવહારો માનવજીવનના અભિન્ન અંગ બની ગયા છે. ભારત પણ આ ચલણથી બાકાત નથી. દેશના મોટાભાગના વિસ્તારોમાં ઇન્ટરનેટનો વ્યાપ પહોંચી ગયો છે. સરકારી વહીવટથી માંડીને વ્યક્તિ વ્યવહારો અને સંપર્કોમાં ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશનની સરળ ઉપલબ્ધી ખરાઅર્થમાં ક્રાંતિ સર્જી રહી છે, પણ આ ક્રાંતિની સાથેસાથે સાયબર ગુનાખોરીના વધતાં જતાં દૂષણ અને તેમાં પણ ડિજિટલ એરેસ્ટ જેવા કારસાથી લોકોને છેતરવાના વધતા જતા બનાવો ખરાઅર્થમાં ચોંકાવનારા છે. વાત એટલી વધી ગઇ છે કે, ખુદ વડાપ્રધાન નરેદ્ર મોદીએ તેમની મનકી બાતમાં આ મામલે ચિંતા વ્યક્ત કરવી પડી છે અને તેમણે લોકોને ડિજિટલ એરેસ્ટના મામલમાં સાવચેત રહેવા કહ્યં છે. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે, કોઇ પણ સરકારી એજન્સી ધમકી આપતી નથી કે વીડિયો કોલ દ્વારા પૂછપરછ પણ કરતી નથી.  મોદીએ દેશના લોકોને આવા કારસા સામે સતર્ક રહેવા અનુરોધ કરવાની સાથોસાથ એમ પણ કહ્યું કે, આ એજન્સીઓ ઓનલાઇન દંડ કે નાણાં ઉઘરાવતી નથી, પરંતુ મુશ્કેલી એ છે કે, દેશના લગભગ તમામ સ્તર અને વર્ગના લોકો આવી સાયબર છેતરપિંડીનો ભોગ બનતા રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં આ મુદ્દો ઉઠાવ્યો તે પછી બીજા જ દિવસે રાજધાની દિલ્હીમાં આવા 600 જેટલા કિસ્સા બન્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ભારતમાં રોજ સરેરાશ સાત હજાર જેટલા સાયબર છેતરપિંડીના કેસ નોંધાતા હોય છે. 2023માં 1.12 કરોડ જેટલી ફરિયાદો સામે આવી હતી, પણ કડવી વાસ્તવિક્તા એ છે કે, ભારતના પોલીસ સહિતની જવાબદાર એજન્સીઓ આવી ફરિયાદોના ઉકેલ માટે જોઇએ એટલી સજ્જ નથી. આ ઉપરાંત કેસની તપાસ અને ધરપકડને લગતા કાયદા સતત અધૂરા હોવાની પ્રતીતિ થતી રહી છે. આમ તો હાલની વ્યવસ્થા મુજબ આવી સાયબર છેતરપિંડી સામે 1930 નંબર પર હેલ્પલાઇન શરૂ કરી છે. ભોગ બનનારે આ હેલ્પલાઇન અને સાયબર ક્રાઇમ જીઓવી.ઇન પર પોતાની ફરિયાદની પ્રાથમિક જાણકારી નોંધાવવાની હોય છે. તે પછી પોલીસનો સંપર્ક કરીને કાયદેસરની એફઆઇઆર દાખલ કરવાની રહે છે. આ બધી વ્યવસ્થા ઉપરાંત સંખ્યાબંધ કાયદા અને એજન્સીઓના માધ્યમથી સાયબર સલામતીને સુદૃઢ બનાવવા સરકાર મથી રહી છે.  સામાન્ય લોકોને આવી છેતરપિંડી સામે સાવચેત કરવા સમયાંતરે ઝુંબેશ પણ ચાલે છે. તેમ છતાં લોકો ડરના માર્યા કે પછી ભોળપણમાં છેતરતા રહે છે. અત્યાર સુધી ઇન્ટરનેટનાં માધ્યમથી બેંકનાં ખાતાં ખાલી કરી નાખવાના કારસામાં હવે ડિજિટલ એરેસ્ટનો નવો માર્ગ સાયબર ઠગો દ્વારા વપરાશમાં લેવાઇ રહ્યો છે. હવે ખુદ વડાપ્રધાને જ્યારે આ જોખમી અને ચિંતાજનક છેતરપિંડીની સામે દેશના લોકોને સાવચેત કર્યા છે, ત્યારે આવા ગુનાનો ભોગ બનનારા વધુ સતર્ક બને અને ઠગબાજો સફળ થાય નહીં તે જોવાનું રહેશે. સલામતી એજન્સીઓએ પણ હવે તેમની જવાબદારી વધુ ગંભીરતા સાથે અદા કરવાની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang