ગયા જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચેના દસ મહિનામાં ભારત અને માલદીવ
વચ્ચેના સંબંધોનાં મોજાં ઉપર-નીચે થયાં પછી અંતે વમળ સ્થિર થઇ ગયા છે. હિન્દ મહાસાગરમાં
અંતે બંને દેશના કાંઠે મૈત્રીપૂર્ણ મોજાં લહેરાઇ રહ્યાં છે. હાલમાં જ માલદીવના રાષ્ટ્રપતિ
મોહમ્મદ મુઇજ્જુ બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવી ગયા. નરેન્દ્ર મોદી સાથે શિખર
મંત્રણા કરી, આગ્રા જઇને તાજમહાલ નિહાળ્યો. બંને દેશ વચ્ચે 40 કરોડ ડોલરની સમજૂતી થઇ.
બંને રાષ્ટ્ર વચ્ચે `રૂપે' કાર્ડથી
લેવડ-દેવડની સિસ્ટમ પ્રસ્થાપિત થઇ છે. મુઇજ્જુએ ભારતને ગાઢ મિત્ર લેખાવ્યું. એટલું
જ નહીં, શ્રી મોદીને વહેલી તકે માલદીવની મુલાકાતે આવવા નિમંત્રણ આપ્યું. વર્ષના પ્રારંભે
માલદીવે ભારત સાથેના સંબંધો ખૂબ બગાડી નાખ્યા હતા. વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત
લીધા બાદ ત્યાં પ્રવાસન વિકસાવવાની ટિપ્પણી કરતાં માલદીવના પેટમાં તેલ રેડાયું હતું.
માલદીવનું અર્થતંત્ર પ્રવાસન આધારિત છે અને ભારતીય પ્રવાસીઓ સૌથી મોટી સંખ્યામાં ત્યાં
જાય છે. બોલીવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મો માટે પણ એ પસંદગીનું લોકેશન છે. પ્રવાસનની
અઢળક આવક છીનવાઇ જવાના ભયે આજે ઘણે અંશે ચીનની ચડામણીથી માલદીવે નવી દિલ્હી સામે તલવાર
તાણી લીધી હતી. તેના ત્રણ મંત્રીઓએ મોદી વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરતાં ભારતના દબાણ હેઠળ
મુઇજ્જુએ ત્રણેને સરકારમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. એ સમયે સોશિયલ મીડિયા પર `બોયકોટ માલદીવ' ટ્રેન્ટ ચાલ્યો હતો અને
આપણી ટ્રાવેલ એજન્સીઓએ તો ત્યાંનું બુકિંગ લેવાનું બંધ કરી દેતાં માલદીવ સરકાર બેબાકડી
બની ગઇ હતી. ભાતરદ્વેષી પડોશી દેશોએ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની કોશિશ ઘણી કરી, પરંતુ
ભારતની ક્ષમતા, પ્રભુત્વ અને દૃઢ નિર્ણયશક્તિનો માલદીવને પરિચય થતાં તેણે વલણમાં નાટકીય
બદલાવ આણ્યો. ભારતને પણ આ ટાપુ રાષ્ટ્ર સાથે સંબંધો વણસેલા રાખવા વ્યૂહાત્મક રીતે પોષાય
તેવી વાત નથી. માલદીવ હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. અરબી સમુદ્ર અને
તે પછીનાં ક્ષેત્રનું માલદીવ પ્રવેશદ્વાર છે. દક્ષિણ-પશ્ચિમ કાંઠા નજીક હિન્દ મહાસાગરમાં
સ્થિત ટાપુ રાષ્ટ્ર માલદીવ સાથે ભારતના સંબંધો હંમેશાં સારા રહ્યા છે. જેમાં ખટાશ આવ્યા
પછી ફરી બે દેશોનું અંતર ઓછું કરીને દોસ્તીની ગાંઠ મજબૂત કરવાના મુઇજ્જુના પ્રયત્નો
સફળ થતા દેખાઇ રહ્યા છે. ભારત અને માલદીવે દ્વિપક્ષીય સહયોગને સમગ્ર આર્થિક તથા સમુદ્રી
સુરક્ષા ભાગીદારીના રૂપમાં આગળ લઇ જવાનું નક્કી કર્યું છે. કડવી વાતો ભૂલીને ભારત સાથે
સંબંધ મજબૂત બનાવવા એ માલદીવના રાષ્ટ્રપતિની રાજદ્વારી નીતિમાં યૂ-ટર્ન જ કહી શકાય.
ભારતની `પડોશી પ્રથમ'
નીતિ અને `સાગર' વિઝનમાં
માલદીવનું સ્થાન મહત્ત્વનું છે. એ ટાપુ રાષ્ટ્ર ક્ષેત્રમાં પીવાનાં પાણીની તંગી, સુનામી,
વાવાઝોડાં જેવી કુદરતી આફતો વખતે ભારત હંમેશાં માલદીવની વહારે દોડી ગયું છે. માલદીવ
એક અરસાથી ભારત અને ચીન વચ્ચેની પ્રતિસ્પર્ધાનું કેન્દ્ર બનતું રહ્યું છે. માલદીવે
ભારતીય સૈનિકોને પોતાના દેશમાંથી બહાર થઇ જવાનું ફરમાન કર્યું હતું. મોહમ્મદ મુઇજ્જુએ
`ઇન્ડિયા આઉટ' ભારત વિરોધને તેમના ચૂંટણી
પ્રચારનો મુખ્ય એજન્ડા બનાવ્યો હતો, તેમ છતાં ભારતે દ્વિપક્ષીય સંબંધોની ગાડી પાટે
ચડાવવાના પ્રયત્નો જારી રાખ્યા હતા. મોદીએ તેમની વિદેશયાત્રા દરમ્યાન મુઇજ્જુ સાથે
બેઠક કરી હતી અને જટિલ મુદ્દાઓ પર વાતચીત માટે એક ઉચ્ચસ્તરીય કોર ગ્રુપની રચના કરી
હતી. મોહમ્મદ મુઇજ્જુનું એ વિધાન મહત્ત્વપૂર્ણ છે કે તેમનો દેશ ભારતની સલામતી જોખમાય
એવું કામ નહીં કરે. હકીકતમાં કરજના બોજમાં દબાયેલા માલદીવને ભારત ઉપર ઘણી આશા છે. રાષ્ટ્રપતિ
મુઇજ્જુને ખ્યાલ આવી ગયો છે વાદ-વિવાદને બદલે બંને દેશ શાંતિ અને પરસ્પર લાભની નીતિ
ઉપર ધ્યાન આપે એ વધુ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે મુઇજ્જુની ભારતયાત્રાથી
દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. માલદીવની જનતાની પ્રગતિ અને સમૃદ્ધિ માટે
ભારત પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતું રહેશે.