પશ્ચિમ એશિયાની
સ્ફોટક સ્થિતિમાં વધુને વધુ ચિંતાજનક સમીકરણો ઉમેરાઇ રહ્યાં છે, ત્યારે વિશ્વ સમુદાયની
સમક્ષ તંગદિલી ઘટાડાનો પડકાર સતત મુશ્કેલ બની રહ્યો છે. ઇઝરાયલે એક તરફ ગાઝાના મોરચે
હમાસ સામે છેડેલા જંગની આગ શમતી નથી, ત્યાં લેબેનોનમાં હમાસનાં મિત્ર આંતકી સંગઠન હિઝબુલ્લાની
વિરુદ્ધ મોરચો ખોલી નાખતાં પશ્ચિમ એશિયાની સાથે દુનિયામાં ભારે ઉચાટ સર્જાયો છે. આગળ જતાં ઇરાન આ જંગમાં ઝંપલાવે એવી ચર્ચા પણ ચાલી
રહી છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઇઝરાયલે સચોટ હુમલા કરીને હિઝબુલ્લાના ટોચના દસ કમાન્ડરને
એક પછી એક નિશાન બનાવીને પોતાનાં આક્રમક વલણનો પરચો આપી દીધો છે. હિઝબુલ્લાના સર્વોચ્ચ
વડા હસન નસરુલ્લાહની ઉપર સફળ હુમલો કરીને ઇઝરાયલે આ આતંકી સંગઠન સાથેની પોતાની જૂની
દુશ્મનાવટનો બદલો લીધો છે. હવાઇ હુમલા બાદ ઇઝરાયલી દળોએ મર્યાદિત લક્ષ્યો સામે લેબેનોનમાં
જમીની હુમલો પણ શરૂ કરી દીધો છે. આમ, ઇઝરાયલ હવે હિઝબુલ્લાના સફાયા માટે આક્રમક બન્યું
છે. થોડા દિવસ અગાઉ હિઝબુલ્લાના સભ્યોનાં પેજર અને વોકીટોકીમાં વિસ્ફોટ કરીને ભારે
આશ્ચર્ય ફેલાવનાર ઇઝરાયલે જોતજોતામાં લેબેનોનમાં આ સંગઠનનાં વડામથક પર હવાઇ હુમલા કર્યા
હતા. આ હુમલામાં હિઝબુલ્લાના ટોચના કમાન્ડરોનાં મોત થયાં છે, પણ હિઝબુલ્લાએ ઇઝરાયલ
પર વળતો હુમલો કરીને બદલો લેવાની ધમકી પણ આપી છે. તેણે કહ્યંy છે કે, તે મૌન
નહીં રહે. આમ, આવનારા દિવસો પશ્ચિમ એશિયા માટે લોહિયાળ બની રહેશે એવો ભય આખાં વિશ્વને
સતાવી રહ્યો છે. એક તરફ ઇઝરાયલ બીજા મોરચા ખોલી રહ્યંy છે, તેની સાથે
અમેરિકાએ સીરિયામાં આતંકીઓ પર હવાઇ હુમલા કરીને 35 આતંકીનો સફાયો કર્યાનો દાવો કર્યો
છે. આમ તો પશ્ચિમ એશિયામાં હમાસ અને હિઝબુલ્લા,
ઉપરાંત હુથી, આઇએસ અને અલશબાબ જેવાં સંગઠનો સક્રિય છે. આવામાં ત્યાંની સરકારો પણ તેમને સહયોગ આપીને આડકતરી
રીતે આતંકને પોષી રહી છે, પણ અત્યાર સુધી ઇરાને સીધી રીતે આ જંગથી અળગા રહેવાનું વલણ
જાળવી રાખ્યું છે. હિઝબુલ્લા પરના ઇઝરાયલી હુમલા બાદ સ્વાભાવિક રીતે ધૂંઆપૂંઆ ઇરાન
જો લડાઇમાં ઝંપલાવે તો અત્યાર સુધી આતંકી સંગઠનો સામેના હુમલા બે રાષ્ટ્ર વચ્ચેના જંગનું
ગંભીર સ્વરૂપ લઇ શકે તેમ છે. હાલનાં વૈશ્વિક સમીકરણોને જોતાં ઇરાન આ જંગમાં ઊતરે એવી
શક્યતા બહુ પાતળી છે, પણ ઇરાનની અમેરિકા સાથેની કડવાશને જોતાં તેનાં વલણ અંગે કોઇ નક્કર
અભિપ્રાય બાંધી શકાય તેમ નથી. ભારતને સંબંધ છે ત્યાં સુધી તેના ઇઝરાયલ અને ઇરાન બન્નેની
સાથે સારા સંબંધ છે. ઇરાન જો જંગમાં ઝંપલાવે તો ભારત માટે રાજદ્વારી સંતુલન જાળવવાનો
પડકાર ઊભો થઇ શકે છે. ભારતે વૈશ્વિક રીતે પોતાની વગનો ઉપયોગ કરીને શાંતિ માટેના પ્રયાસોને
વધુ તેજ કરવાની સાથોસાથ ઘરઆંગણે મુસ્લિમ વસ્તીને હમાસ કે હિઝબુલ્લાના સાચા ચહેરાની
જાણ કરીને તેમના માટે વિરોધ વ્યક્ત કરવાના દેખાવોથી અળગા રહેવાની સમજ ઊભી કરવા પર પણ
ધ્યાન આપવાની જરૂરત છે.