આસો નોરતાંનો બુધવારથી મંગળ
પ્રારંભ થઇ રહ્યો છે. જગતજનની જગદંબાની ભક્તિના દિવસોમાં ચોમેર આનંદ-ઉત્સાહનો માહોલ
હોય. લોકો પોતાનાં કષ્ટ દૂર કરવા શક્તિની આરાધનામાં લીન બને છે. કચ્છમાં નવરાત્રિ આવતાં
જ દેશદેવી આઇ આશાપુરાનાં દર્શનાર્થે પદયાત્રીઓનો પ્રવાહ ઉમટે છે. આ વખતે શ્રાદ્ધના
દિવસોથી જ હજારો પદયાત્રીથી રસ્તા ઊભરાઇ રહ્યા છે, માતાજીના જયઘોષથી ગાજી રહ્યા છે.
માતાના મઢમાં રવિવારે અડધો લાખ દર્શનાર્થી નોંધાયા. પદયાત્રા કરવી, તેમની સેવા કરવી
એ આસ્થાનો વિષય છે. એની સાથે સતર્કતા, શિસ્ત અને સ્વચ્છતા ભૂલાય નહીં એની સૌએ દરકાર
લેવી જરૂરી છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ દર વખતની જેમ પદયાત્રીઓ અને સેવા કેમ્પ
સંચાલકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. પોલીસે પણ ભાવિકોની સુરક્ષાને ધ્યાને લઇને
ટ્રાફિક પર નિયંત્રણો લાદ્યાં છે, જેથી ગંભીર અકસ્માત નિવારી શકાય. આનું ચુસ્ત પાલન
થાય એ જોવાની આપણી અને સૌની ફરજ છે. રોડની પડખે સેવાકેમ્પ લાગ્યા પછી સેવાભાવી સેવકો
પદયાત્રીઓને નિમંત્રિત કરવા રસ્તાની અંદર સુધી ઊભા રહી જાય છે, ડિવાઇડર વગરના રોડ પર ટુ-વે વાહનોની અવરજવર થતી હોય,
બાઇકની લાઇન લાગી હોય ને પદયાત્રીઓની આ ભીડભાડમાં અકસ્માત થવાનું જોખમ વધી જાય છે.
સેવા કરવી એ પરમ ધર્મ છે, તેમાં પોતાની અને બીજાની સલામતી ન ભૂલાય એ જોવા સૌને અનુરોધ
છે. ભરચક માર્ગો પર ટ્રક-ટેન્કર જેવાં હેવી વાહનોની રાત્રિના અમુક કલાક હેરફેર નિયંત્રિત
કરવાનીએ જરૂર છે. રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજીએ બે દિવસ પહેલાં આ સૂચન કર્યું
હતું, તેના પર અમલની દિશામાં વિચાર થાય એ જરૂરી છે. એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે,
રાત્રે ચાલતા પદયાત્રીઓનાં વત્ર કે થેલા પર રિફ્લેક્ટર્સ લગાડવાં જોઇએ, જેથી અંધકારમાં
વાહન સાથે અકસ્માતથી બચી શકાય. આ વખતે રિફ્લેક્ટર્સ દેખાય છે, પરંતુ તે ફરજિયાત કરવાં
જોઇએ. કેમ કે, ભૂતકાળમાં જીવલેણ માર્ગ અકસ્માતો વખતે રિફ્લેક્ટર્સ ન હોવાનો મુદ્દો કારણભૂત બન્યો હતો
અને આ તકેદારીના અભાવે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્વચ્છતાની દરકાર રાખવામાં
સેવાકેમ્પોથી માંડીને પદયાત્રીઓએ જાગૃત રહેવું પડશે. અહીં એ ઉલ્લેખનીય છે કે, ઘણા કેમ્પોમાં
ડસ્ટબિનથી લઇને કચરો નિયત સ્થળે એકત્ર કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે, પણ આવી દરકાર બધા લોકો રાખતા
નથી. યાત્રિકોને અપાતાં પાણીનાં પાઉચ, ઠંડાંપીણાંની નાની પ્લાસ્ટિક બોટલો, ગ્લાસ એમને
એમ રસ્તે ફેંકી દેવામાં આવે છે. પરિણામે ગંદકી અને પ્રદૂષણ ફેલાય છે. મિત્રો કે પરિવાર
સાથે વ્યક્તિગત રીતે સેવા માટે નીકળતા સેવાભાવીઓ રસ્તામાં ગમે ત્યાં ઊભીને ગ્લાસમાં
ઠંડાંપીણાં આપે છે. તેમના પાસે કચરો એકત્ર કરવાની કોઇ વ્યવસ્થા હોતી નથી. યાત્રિકો હાથમાં
ગ્લાસ કે થેલીને લઇને ચાલવા માંડે છે અને રસ્તે ફેંકી દે છે. એકંદરે આ શ્રદ્ધા કે ભક્તિની
વાત હોવા છતાં પર્યાવરણ પ્રત્યેની બેદરકારી અસ્વીકાર્ય છે. લોકોએ સમજવું રહ્યું કે,
પોતાના વિસ્તારની સ્વચ્છતા નહીં રાખીએ તો એકંદરે તે આદ્યશક્તિની આરાધનામાં અધૂરપ લેખાશે.
આ વખતે માતાના મઢના પદયાત્રીઓનો પ્રવાહ બહુ વહેલો શરૂ થઇ ગયો છે. આશ્વિન નોરતાંના પ્રારંભ
પહેલાં હજારો શ્રદ્ધાળુ દેશદેવીના દરબારમાં પહોંચે છે. છેક મુંબઇ, સુરત, કાઠિયાવાડ,
અમદાવાદ તરફથી સંઘોએ પ્રયાણ શરૂ કર્યું છે. કોઇ ગ્રુપમાં આવે છે તો કોઇ એકલ-દોકલ કે પરિવાર સાથે. પદયાત્રીઓ
સાથે સાઇકલ અને મોટરબાઇકથી આવનારાઓની સંખ્યાએ ખાસ્સી મોટી છે. દરવર્ષે ચારથી છ લાખ ભાવિક નોરતાં દરમ્યાન મા આશાપુરાનાં
દર્શન કરે છે, પ્રસાદ ગ્રહણ કરે છે, રાત-દિવસ રસોડાં ધમધમે છે. શ્રદ્ધાળુઓના પ્રવાહમાં
મહિલાઓ અને આબાલવૃદ્ધોની સંખ્યાએ ખાસ્સી હોય છે. દર્શનાર્થીઓને માતાજી પ્રત્યેની ભક્તિ
કે શ્રદ્ધાનું બળ ખેંચતું હોય છે, પણ તેમની આ કઠિન યાત્રા સફળ બનાવવામાં સેવાકેમ્પ
સંચાલકોની ઉપયોગી ભૂમિકાનો સ્વીકાર કરવો રહ્યો. સમગ્ર પદયાત્રા કચ્છનો ઉત્સવ બની રહે
છે અને તે હેમખેમ પાર પડે એ મોટો પડકાર હોય છે. દરવર્ષે માર્ગ અકસ્માત ઉપરાંત સ્વચ્છતા,
પર્યાવરણનું જતન, મહિલા સુરક્ષા, પદયાત્રીઓનાં મોબાઇલ-પાકીટની તફડંચી જેવા મુદ્દા ધ્યાન
માગી લેતા હોય છે. પદયાત્રીઓ અને તેમની કિંમતી ચીજવસ્તુઓની સલામતી માટે સેવાકેમ્પના
પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાડવા જોઇએ, કેમ્પ રસ્તાથી પાંચ ફૂટ અંદર હોય, બિનજરૂરી
ગતિઅવરોધક ન બનાવાય જેવી બાબતોનો અમલ થવો જોઈએ. એકંદરે આ પગલાં જરૂરી અને ઉપયોગી છે.
આતંકવાદ ફુલ્યો ફાલ્યો છે અને તોફાની તત્ત્વો ઉધામા કરવાની તક છોડતાં નથી, ત્યારે બને
તેટલી સાવચેતી રખાય એ સૌનાં હિતમાં છે. પદયાત્રા હજુ થોડા દિવસો ચાલશે. ઉત્સવ હેમખેમ
પાર પડે એની પદયાત્રીઓથી લઇને કેમ્પ સંચાલકો, માતાના મઢ જાગીરના સૂત્રધારો સહિત સૌએ
ચિંતા રાખવી પડશે. પદયાત્રીએ ચાલવામાં શિસ્ત જાળવવું જોઇએ. પદયાત્રીઓ મોટા સમૂહમાં
કે છૂટક ચાલતા હોય ત્યારે અડધો રસ્તો રોકાઇ જતો હોય છે. રસ્તાની વચ્ચોવચ આવી જતા હોય
છે અને રાત્રિના અંધકારમાં વાહનચાલક સભાન બને એ પહેલાં દુર્ઘટના સર્જાઇ જતી હોય છે.
પદયાત્રીઓએ સફેદ અથવા તો અંધારાંમાં તરી આવે એવાં આછાં રંગનાં કપડાં પહેરીને, સમૂહ
વચ્ચે ટોર્ચ, પેટ્રોમેક્સ રાખીને તેમજ હાથનાં કાંડાંમાં અથવા તો હાથમાં પકડેલી લાકડીમાં
રિફ્લેક્ટર્સ રાખીને આવું બનતું નિવારવું રહ્યું. નવરાત્રિ માતાજીની ભક્તિનું પર્વ
છે. સુખ, શાંતિ અને ઉમંગભેર ઊજવાય એવી સૌને શુભેચ્છા અને કચ્છનાં કુળદેવીનાં ચરણોમાં
પ્રાર્થના.