• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ઐતિહાસિક દિવસ

સંપાદકીય.. -  કુંદન વ્યાસ 

ભારતની સંસદીય લોકશાહી માટે આજનો દિવસ ઐતિહાસિક છે. નૂતન સંસદ ભવનનું ઉદ્ઘાટન, લોકાર્પણ થઈ રહ્યું છે. આ સુવર્ણ અવસર- એક રાષ્ટ્રીય મહોત્સવની જેમ ઊજવવાને બદલે વિવાદથી ઘેરાયો છે. વિપક્ષોના એક વર્ગે ઉત્સવનો બહિષ્કાર કર્યો છે જે સંસદીય ઈતિહાસમાં સ-ખેદ કાળા અક્ષરે નોંધાશે. સંસદમાં વિરોધ અવરોધ, વોક આઉટ-સભાત્યાગ અને ધાંધલ-ધમાલ લોકશાહીના ધબકારની જેમ સ્વીકાર્ય હોય છે, પણ સંસદ ભવનનો ઉત્સવ તો રાષ્ટ્રીય મહોત્સવ છે. તમામ રાજકીય મતભેદ બાજુએ-ભવિષ્ય માટે અનામત રાખીને વિપક્ષો જોડાયા હોત તો સંસદની ગરિમા સાથે આપણી સંસદીય લોકશાહીની શ્રદ્ધેયતામાં એમના સહયોગની નોંધ પણ સહર્ષ સામેલ હોત. સંસદમાં રાજકારણ હોય પણ રાજકારણમાં સંસદને `મુદ્દો' બનાવાય તે સ્વીકાર્ય નથી. વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસના હાથમાં છે અને તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ છે - સંસદ ભવન તો માત્ર બહાનું છે. પ્રથમ દિવસથી જ નવાં સંસદ ભવનની યોજનાનો વિરોધ થઈ રહ્યો હતો, પણ વસ્તી વધારા સાથે સંસદમાં લોકપ્રતિનિધિઓની સંખ્યા પણ વધવી જોઈએ. 75 વર્ષ પછી નવાં ભવનની અનિવાર્યતા હતી- હવે આગામી 75 વર્ષ સુધી સંસદ ભવન અને સંસદીય લોકશાહી અમર રહે એવી પ્રાર્થના કરવી જોઈએ. નૂતન સંસદ ભવનનું નિર્માણ પૂર્ણ થયા પછી તેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી શા માટે કરે ? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેમ નહીં ? આ એમનું અપમાન છે, આદિવાસી અને મહિલાનું અપમાન છે, એવા પ્રચારાત્મક આક્ષેપ થયા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રસ અને મિત્ર પક્ષોએ સાફ ઈનકાર કર્યો. એટલું જ નહીં, ચૂંટાયા પછી કોંગ્રેસી નેતાઓએ શ્યામવર્ણ અને પછાત જાતિનાં નામે અભદ્ર ટીકા કરી- તમામ મર્યાદાનો ભંગ કર્યો અને હવે `અપમાન'ની ફરિયાદ થાય છે ! સંસદનાં બન્ને ગૃહોની કાર્યવાહી પછી રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય હોય છે - અને બન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનાં મંગળ પ્રવચન પછી બજેટસત્ર શરૂ થાય છે, પણ સંસદ ભવનનાં નિર્માણમાં લોકસભાના સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિની કોઈ જવાબદારી નથી. આ કામ અને જવાબદારી સરકારની છે. ભવન નિર્માણ પછી સંસદ ભવન- સ્પીકર અને રાષ્ટ્રપતિને આધીન હોય છે. ભૂતકાળમાં સંસદ ભવનની `એનેક્સી'- લાઇબ્રેરી વગેરે વિસ્તાર થયો ત્યારે ઈન્દિરાજી-રાજીવ ગાંધીને `યશ' મળ્યો હતો. કેટલાંક રાજ્યોમાં વિધાન ભવનોનાં શિલારોપણ કે ઉદ્ઘાટન સોનિયા ગાંધીના શુભહસ્તે થયાં છે - ત્યારે રાજ્યપાલ કેમ યાદ આવ્યા નહીં ? કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વાએ આપ્યો છે : `નૂતન સંસદ ભવન જો યુપીએનાં શાસનમાં થાય તો ઉદ્ઘાટન સોનિયાજીના શુભહસ્તે જ થાય ! પણ ભારત કોઈ પરિવારની જાગીર નથી.' રાષ્ટ્રપતિનાં માન-અપમાનનો મુદ્દો આવ્યો ત્યારે કોંગ્રેસ શાસનનો ઈતિહાસ તાજો થયો ! રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીમાં કોંગ્રેસમાં કટોકટી જાગી અને સત્તાવાર ઉમેદવારને હરાવવામાં આવ્યા. વીવીગીરી ચૂંટાયા પછી `રબર સ્ટેમ્પ' રાષ્ટ્રપતિની શરૂઆત થઈ ! અને ફખરૂદ્દીન અલી અહમદને મધરાતે ઉઠાડીને ઈમર્જન્સીના ફતવા ઉપર સહી લેવામાં આવી ત્યાંથી છેક ઝૈલ સિંઘ અને ડો. અબ્દુલ કલામ સુધીના ઈતિહાસનાં પાનાં ફરીથી ખુલ્યાં. ઝૈલ સિંઘના રાષ્ટ્રપતિ ભવનમાં રાજીવ ગાંધી સરકાર દ્વારા જાસૂસી થતી હતી. વાતચીત કરવા રાષ્ટ્રપતિ મિત્રોને મોગલ ગાર્ડનમાં બોલાવતા હતા ! આવા `જવાબ' મળ્યા પછી કોંગ્રેસે નવો મુદ્દો ઉઠાવ્યો - રાષ્ટ્રપતિને આમંત્રણ કેમ નહીં ? પણ રાષ્ટ્રપતિને માત્ર મહેમાન બનાવાય નહીં- તેથી એમનો સંદેશો વાંચી સંભળાવાશે. સ્પીકર અને અધ્યક્ષ હાજર રહી શકે છે. આ પછી ત્રીજો વિવાદ `રાજદંડ' સેંગોલનો ઉઠાવાયો આની શી જરૂર છે ? 1947માં લોર્ડ માઉન્ટબેટને નેહરુને પૂછ્યું કે, સત્તાનું હસ્તાંતરણ કેવી રીતે થાય ? ત્યારે ભારતના ગવર્નર જનરલ- સી. રાજગોપાલાચારીએ નવા રાજાના રાજ્યાભિષેક વખતે રાજગુરુ `રાજદંડ' - જે રાજશક્તિનું પ્રતીક છે તે આપે. પ્રતીકાત્મક પદ્ધતિ હતી. આ પછી તેનું અનુસરણ 1947માં થયું. આ પ્રસંગના ફોટા છપાયા તો કોંગ્રેસ કહે છે - આ બધું બોગસ છે ! પુરાવા નથી !  હવે આ સેંગોલ-રાજદંડ (ચાણક્ય સિરિયલમાં પણ બતાવાયો હતો) લોકસભામાં સ્પીકરનાં આસનની બાજુમાં રાખવામાં આવશે. `સત્યમેવ જ્યતે; અશોકચક્ર અને સારનાથની સિંહ ત્રિમૂર્તિનો સ્વીકાર થયો છે તો આ સેંગોલનો વિરોધ શા માટે ? આ `છડી' ઉપર `નંદી' સ્થાપિત છે - મહાદેવ શંકરનું વાહન. તેથી `સેક્યુલરવાદ' અભડાઈ જાય છે ! પણ આ માત્ર પ્રતીક છે - સત્તા હસ્તાંતરણ નથી- સંસદીય લોકશાહીમાં સત્તા-મતદારના `વોટ' ઉપર આધાર રાખે છે, તો આટલો બધો વિરોધ શા માટે ? અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી કે નીતીશકુમાર `વલોપાત' કરે, બળાપા કાઢે અને કાગારોળ મચાવે તે સમજી શકાય, પણ કર્ણાટકના વિજય પછી કોંગ્રેસની જવાબદારી રાષ્ટ્રીય પક્ષ તરીકે વધી છે ત્યારે જયરામ રમેશ જેવા નેતાઓ કોંગ્રેસના પ્રવક્તા પક્ષની જે પ્રતિષ્ઠા છે તેના મૂળમાં ઘા મારી રહ્યા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ યશ `ખાટવા' માગે છે- એવા આક્ષેપ થાય છે, પણ અયોધ્યાનાં રામમંદિરથી નવી દિલ્હીના લોકશાહી મંદિર નિર્માણ કોને આભારી છે એ વાસ્તવિક્તા જનતા જાણે છે. ઈન્દિરાજીએ દિલ્હીના લાલ કિલ્લાનાં પરિસરમાં ભારતીય ઈતિહાસની ઘટનાઓ લખાવીને `ટાઈમ કેપ્સ્યુલ'માં ભૂગર્ભમાં દટાવી હતી પછી લોકસભામાં વિવાદ જાગ્યો- ઈતિહાસ એકપક્ષી હશે, કેપ્સ્યુલ ખોદીને બહાર કાઢો- હાસ્યાસ્પદ માગણી હાસ્યમાં ડૂબી ગઈ હતી ! ટાઈમ કેપ્સ્યુલથી સેંગોલ સુધીનો વિવાદ જરૂરી છે ? પણ આ રાજકારણ અને રાષ્ટ્રકારણનો ભેદ છે !

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang