• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

જાતિ આધારિત વસ્તી ગણતરી સંઘને સ્વીકાર્ય

ભારત જેવા વિશાળ દેશમાં વિવિધ ધર્મો અને જાતિઓ અસ્તિત્વમાં છે. અત્યાર સુધી સીધી અને સરળ રહેતી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં હવે જાતિ આધારિત ગણતરી કરાવવાની માંગ દિવસો દિવસ ગંભીર સ્વરૂપ લઇ રહી છે. આરંભમાં જાતિ આધારિત રાજકારણ કરવા માટે સતત ટાંપીને બેસતા રાજકીય પક્ષોએ દેશમાં આ પ્રકારની વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી હતી. હવે આ માંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા  સૂર પુરાવાતાં હવે કેન્દ્ર સરકાર આ મામલે હકારાત્મક રીતે વિચાર કરી શકે એવા સંકેત મળી રહ્યા છે. આમ તો સંઘે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ પછાત સમુદાયો અને જાતિઓનાં કલ્યાણ માટે કરવાની હિમાયત કરી છે, તો વિરોધપક્ષોએ આ મામલે સંઘ અને ભાજપ બન્ને બોધપાઠની વાતો કરવાને બદલે પોતાનું વલણ સ્પષ્ટ કરે એવો આકરો મત વ્યક્ત કર્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના મામલે  સંઘ અને ભાજપ બન્ને કોઇ સીધો મત વ્યક્ત કરવાનું ટાળતા રહ્યા હતા, પણ કેરળના પલ્લકડમાં યોજાયેલી અખિલ ભારતીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની બેઠકના છેલ્લા દિવસે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક પત્રકાર પરિષદમાં કહ્યંy કે, જાતિ આધારિત વસ્તી ગણતરીનો રાજકીય ઉપયોગ થવો જોઇએ નહીં, પણ તે પછાત સમુદાયો અને જાતિઓનાં કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી વિરોધપક્ષો જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરતા થયા છે. બિહારમાં આ માંગ ઊઠી તે પછી કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસે આ માંગને વધુ જોરશોરથી ઉઠાવવી શરૂ કરી છે.  રાહુલ ગાંધી તેમનાં મોટાભાગનાં ભાષણોમાં જીત આધારિત વસ્તી ગણતરીની વાત કરતા રહ્યા છે. ચોમેરથી આ મુદ્દો ઊઠવા લાગ્યો હોવાને લીધે હવે ભાજપ અને આરએસએસને એમ લાગ્યું હોય કે, હવે મૌન સાધી રાખવા જેવું નથી એમ અમુક જાણકારો માની રહ્યા છે.  આ જ કારણ હોઇ શકે કે, તેઓ આ મુદ્દાને યોગ્ય ગણાવી રહ્યા છે. જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાના આધારે આવા વર્ગને પોતાની તરફ ખેંચવા માટે રાજકીય પક્ષો નવેસરથી વ્યૂહરચના ઘડી શકે છે. ખરેખર તો જાતિ આધારિત વસ્તી ગણતરીનો સીધો કોઇ લાભ જણાતો નથી. શક્યતા એવી છે કે, જે વર્ગ સૌથી ઓછો વિકસિત છે તેમને સરકારી યોજનાઓનો વધુ લાભ મળે એ માટે કોઇ વ્યવસ્થા ઊભી કરવામાં આ ગણતરી કામ લાગે, પણ રાજકીય પક્ષો આ ગણતરીનો રાજકીય લાભ કઇ રીતે લેશે એ તો ગણતરી બાદ જ સ્પષ્ટ થશે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે સંપન્ન વર્ગને અનામતની વ્યવસ્થાથી બહાર રાખવાની વ્યવસ્થાની હિમાયત કરી હતી. અમુક રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. હવે જાતિ આધારિત વસ્તી ગણતરીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ તેના આધારે લોકકલ્યાણની યોજનાઓમાં વિસ્તાર અને જાતિવાર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો તખતો તો સરકાર પાસે ઉપલબ્ધ બનશે એમાં કોઇ શંકા નથી. આરએસએસ અને ભાજપ બન્ને આ ઉદ્દેશ માટે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે નરમ વલણ લેતા થયા છે, પણ અન્ય રાજકીય પક્ષો તેનો રાજકીય લાભ ઉઠાવવા ટાંપીને બેઠા હોવાની વાત સતત ધ્યાનમાં રાખવા જેવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang