• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

મોદીની માફી, વિપક્ષોની કિન્નાખોરી

વડાપ્રધાન મોદી સંકટમાં અવસર જોઈને બાજી પલટી નાખી શકે છે એનો તાજો અનુભવ છત્રપતિ શિવાજીની પ્રતિમા બાબત થયો છે. કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સેના શિંદે સરકાર સામે આક્રમક હતી ત્યારે મહારાષ્ટ્રની ધરતી ઉપરથી મોદીએ શિવાજી મહારાજની માફી માગીને વિપક્ષને આંચકો અને રાજ્ય સરકારને મોટી રાહત આપી છે. એટલું જ નહીં વીર સાવરકરનું વારંવાર અપમાન કરનારા કોંગ્રેસી નેતાને જનતાની અદાલતમાં પાંજરામાં ઊભા કરી દીધા છે ! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મહાયુતિ સરકાર સમક્ષ એક પછી એક અનેક અવરોધ આવી રહ્યા છે. `લાડકી બહિણ' યોજનાથી સકારાત્મક વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં બદલાપુર પ્રકરણ બન્યું, પછી રાજકોટ કિલ્લા પર પ્રતિમાની દુર્ઘટના બની, તેને લઈ જનતાનો રોષ વધતો ગયો. બીજી બાજુ અજિત પવાર જૂથે આંદોલન શરૂ કરવાથી મહાયુતિમાંનો વિસંવાદ ખુલ્લો પડયો. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાષ્ટ્રની અસ્મિતાનું અપમાન થયું હોવા છતાં માફી માગવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ચાર દિવસની રાહ જોઈ તેને લઈ સંતાપ વધ્યો હતો. આ પછી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે માફી માગી હતી, પછી બીજા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ માફી માગી, પરંતુ આ બધું `અવસર ચૂક્યા' જેવું હતું. શિવાજી મહારાજના પૂતળાની દુર્ઘટનાનો મોટો ફટકો વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. શક્ય છે કે, મોદીની માફી પાછળ શિવપ્રેમીઓનો રોષ ઓછો કરવા સાથે રાજ્ય સરકાર આવા સંજોગોમાં જરૂરી, તાત્કાલિક વલણ નથી લઈ રહી તે સામે અંગુલિનિર્દેશ કરવાનો અને ડેમેજ કન્ટ્રોલનો ઉદ્દેશ હોઈ શકે છે. વડાપ્રધાન મોદીએ માફી માગી ખેલદિલીનાં દર્શન કરાવ્યાં છે અને એક માફી દ્વારા મહારાષ્ટ્રની શિંદે સરકારની લાજ રાખી છે. આમ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય વીર સાવરકરનો અપમાનનો જૂનો મુદ્દો ઉપસ્થિત કરી કોંગ્રેસને ટાર્ગેટ કરી છે અને કહ્યું છે કે, અમારા સંસ્કાર જુદા છે. અમે સાવરકરનું અપમાન કરનારાઓ જેવા નથી. કેટલાક લોકો સાવરકરને ગાળો આપવા છતાં માફી નથી માગતા.સાવરકરના મુદ્દા બદલ `મૌન પાળવા' ઉદ્ધવ ઠાકરેની પણ ટીકા કરી છે. આ મુદ્દાને ફરી સપાટી પર લાવી ઉદ્ધવ સેનાના બચેલા હિન્દુત્વવાદી મતો પોતાના ભણી ખેંચી લાવવાનો મોદીનો દાવ પણ હોઈ શકે છે. જો કે, મોદીની માફી પછી તે અમને મંજૂર નથી એવી બુમરાણ અનેક વિપક્ષી નેતાઓએ મચાવી છે, પણ શિવાજીનાં નામે રાજકારણ કરવાની તેમની નેમ પર પાણી ફેરવી દીધું છે. મોદીની માફી પછી વિપક્ષી નેતાઓ જે નિવેદનો કરી રહ્યાં છે તેની પાછળનો શિવાજી મહારાજનો મુદ્દો તેઓ વિધાનસભા સુધી ગાજતો રાખવાનો વ્યૂહ જણાય છે. કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર પછી હત્યા પ્રકરણ અંગે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ માફી નથી માગી એ દેખાતું નથી. એટલે કે મોદીની માફીનો વિરોધ રાજકીય હોવાનું સ્પષ્ટ થાય છે. નોંધનીય છે કે, આ ઘટનાને લઈ મહારાષ્ટ્રના લોકો શેરીમાં ઊતર્યા નથી, ઊતર્યા છે તે પોતાની રાજકીય રોટલી શેકનારા રાજકારણીઓ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang