• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બુલડોઝરની સજા સામે સુપ્રીમ કોર્ટનો સવાલ

ઉત્તર પ્રદેશમાં ખૂંખાર ગુનેગારો અને ગેંગસ્ટર આરોપીઓનાં ગેરકાયદે મકાન અને મિલકત પર બુલડોઝર ફેરવવાની વહીવટી તંત્રની કાર્યવાહી સામાન્ય લોકોમાં ભારે લોકપ્રિય બની ચૂકી છે. આવી કડક કાર્યવાહી હવે અન્ય રાજ્યો પણ અનુસરતાં થયાં છે, પણ બુલડોઝર ફેરવવાનાં પગલાંની કાયદેસરતા અંગે જાગી રહેલા સવાલોનો પડઘો હવે સર્વોચ્ચ અદાલતમાં પડયો છે. અદાલતે આ કાર્યવાહીની સામે નારાજગી વ્યક્ત કરીને સ્પષ્ટ કર્યું છે કે, કોઇ વ્યક્તિ સામે માત્ર આરોપ હોવાને લીધે તેનાં મકાનને તોડી પાડી શકાય નહીં. અદાલતે એમ પણ કહ્યંy છે કે, જો કોઇ વ્યક્તિ દોષી હોય તો પણ કાયદા હેઠળની પ્રક્રિયાનાં પાલન વગર આવી કોઇ કાર્યવાહી કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, જે લોકોની સામે કાર્યવાહી થઇ છે, તે મિલકતો દબાણ કે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, ગુનેગારો અને ગેંગસ્ટરોનાં મહેલ જેવાં મકાનો વહીવટી તંત્રે તોડી પાડવાં શરૂ કર્યાં ત્યારથી સામાન્ય લોકોમાં તેને આવકાર સાંપડી રહ્યો છે, પણ આ કાર્યવાહીની કાયદેસરતા અંગેના સવાલો હવે ગંભીર સ્વરૂપ લઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે શરૂ કરેલી આવી સખત કાર્યવાહી હવે અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવાઇ રહી છે, તેવા સમયે સર્વોચ્ચ અદાલતે તેની સમક્ષ દાખલ કરાયેલી એક અરજી પર સુનાવણી હાથ ધરી છે. આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલો મત ભારે મહત્ત્વ ધરાવે છે. માત્ર આરોપ નહીં, પણ દોષી ઠરે તેવા સંજોગોમાં મકાન તોડી પાડવાનું યોગ્ય નથી. અદાલતે એમ પણ કહ્યંy છે કે, જો કોઇ ગુનેગાર હોય, પણ તેના પરિવારના અન્ય સભ્ય, જેમને આ ગુના કે આરોપ સાથે લેવાદેવા ન હોય એમ પણ બને છે. બીજું, કોઇ આરોપી સામે અદાલતી કાર્યવાહી બાદ તેને જો નિર્દોષ ઠેરવવામાં આવે, તો તેનાં મકાનને તોડી પાડવાની કાર્યવાહીને કઇ રીતે જોઇ શકાય ?  જો કે, આવું કોઇ બાંધકામ નિયમનાં ઉલ્લંઘનથી કરાયું હોય તો તેને પણ યોગ્ય ઠેરવી શકાય નહીં. અદાલતે આ સંવેદનશીલ મામલે સુનાવણી હાથ ધરીને પોતાનો પ્રાથમિક મત વ્યક્ત કર્યો છે. આ અંગે એક વાત તો નક્કી છે કે, કોઇ ગુનેગાર કે આરોપીનાં ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કોઇપણ જાતની કાર્યવાહી આવાં દબાણને દૂર કરવા માટેની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા બાદ કરવા સામે અદાલતને કોઇ વાંધો જણાતો નથી, પણ આમ થશે એટલે બીજાં ગેરકાયદે બાંધકામો અને દબાણોની સામે કાર્યવાહી પણ કરવી જોઇએ એવો સવાલ ઊભો થશે એમાં કોઇ શંકા જણાતી નથી. જો કે, જાણકારો એમ પણ કહે છે કે, કોઇ ગુનેગારનાં ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવાની શરૂ થાય, એટલે કોઇને કોઇ રીતે અદાલતી મનાઇહુકમ મેળવવાની તજવીજ થઇ જાય છે, જેને લીધે બુલડોઝર ચાલી શકતાં નથી. આ બધા સવાલની જટિલતા અને ગૂંચવણને ધ્યાને લઇને સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે તમામ સંબંધિત પક્ષોનાં મંતવ્યો માગ્યાં છે. આ મંતવ્યોના આધારે મિલકતોને તોડી પાડવાના મામલે આખા દેશમાં એક સમાન નક્કર સૂચનાઓ ઘડી કાઢવાનો અદાલતનો ઇરાદો છે, પણ હાલે ચાલતાં બુલડોઝર સામે અદાલતે મત આપ્યો છે, પણ કોઇ મનાઇહુકમ આપ્યો નથી. આમ જોતાં અદાલત આ મામલે આગળ જતાં કેવો આદેશ આપે છે, તેના પર દેશ આખાની નજર મંડાયેલી રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang