• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

તારીખ પે તારીખ

નવી દિલ્હીમાં જિલ્લા કોર્ટોનાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનના સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે, ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવા માટે કોર્ટોમાં તારીખ પર તારીખ સંસ્કૃતિને બદલવાના પ્રયાસ થવા આવશ્યક છે. કોર્ટોની કાર્યવાહીમાં વિલંબનાં કારણે આરોપીઓ સમાજમાં છૂટથી ફરતા હોય છે, જ્યારે પીડિતોને ભયમાં જીવવું પડતું હોય છે. વાસ્તવમાં પેન્ડિંગ કેસો ભારતીય કોર્ટોની નબળી કડી છે. સૌથી ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યસંસ્કૃતિ જિલ્લા કોર્ટોમાં જ છે. કેસ ચલાવનારા વકીલોની કારકિર્દી સૌથી વધુ અસુરક્ષિત છે, જેમાં સરકારનું લઘુતમ રોકાણ પણ નથી. જિલ્લા કોર્ટોથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી સરકારી વકીલ ઘણા ઓછા પ્રમાણમાં છે, કેસની સુનાવણી માટે વકીલોની ફીનું કોઈ સુનિશ્ચિત તંત્ર નથી, બધા મનફાવે એવી ફી વસૂલી રહ્યા છે. કેસની તપાસ માટે કોર્ટ પોલીસ તંત્ર પર નિર્ભર છે, આ બધાની અસર ન્યાય વ્યવસ્થા પર પડે છે અને ત્યાં તારીખ પર તારીખની સંસ્કૃતિ જન્મ લે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા છતાં ઈન્સાફમાં ગતિ નથી આવી રહી. ભારતમાં સોંઘા, સુલભ અને ત્વરિત ન્યાય અંગે સ્વતંત્રતાના 77 વર્ષ પછી પણ પ્રશ્ન છે. ભારત વિશાળ લોકતંત્ર છે, તેટલું જ વિશાળ બંધારણીય રાષ્ટ્ર છે. ભારતમાં વસતીનાં પ્રમાણમાં દેશમાં ન્યાયિક માળખું નથી. આજે ભારતની કોર્ટમાં પાંચ કરોડથી અધિક પેન્ડિંગ કેસો છે. ઘણા કેસ ત્રણ વર્ષથી વીસ વર્ષ સુધી સુનાવણીની પ્રતીક્ષામાં છે. ગરીબો માટે ઈન્સાફ તો દિવાસ્વપ્ન છે. દેશમાં પોલીસ તંત્ર અને તપાસ પ્રણાલી એટલી બધી પેચીદી છે કે, કરોડો લોકો કેસની સુનાવણીનાં પ્રાથમિક સ્તર સુધી પણ પહોંચી શકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લા કોર્ટોનાં રાષ્ટ્રીય સંમેલનનાં ઉદ્ઘાટનમાં કહ્યું છે કે, દસ વર્ષમાં તેમની એનડીએ સરકારે ન્યાયક્ષેત્રમાં મૂળભૂત માળખાંના વિકાસમાં આઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. છેલ્લાં 25 વર્ષમાં જેટલી રકમ જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવી, તેના 75 ટકા છેલ્લાં 10 વર્ષમાં જ ખર્ચ થયા છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ન્યાયમાં વિલંબને ખતમ કરવા માટે વીતેલા દશકામાં અનેક સ્તર પર કામ થયાં છે. આમ છતાં ભારતીય જિલ્લા કોર્ટોથી લઈ ઉચ્ચ કોર્ટો સુધી વકીલો, સરકારી વકીલો, સહાયકો, જજો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે ઊણપ છે. પોલીસ તપાસથી લઈ કોર્ટોમાં ન્યાયની પ્રક્રિયા સુધી ભારી વિસંગતીઓ છે, ખર્ચીલી છે. રાષ્ટ્રીય સંમેલન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં થયું હતું, જેમાં સેંકડો પ્રબુદ્ધ કાયદા નિષ્ણાતોએ ન્યાય પ્રણાલીમાં સુધાર અને વિકાસ પર ચર્ચા-વિચારણા કરી છે. આવામાં સંમેલનોની સાર્થતા ત્યારે ઠરશે જ્યારે બંધારણની આકાંક્ષા અનુરૂપ દેશની અંતિમ પંક્તિમાં ઊભેલા લોકોને ત્વરિત ન્યાય સુનિશ્ચિત થઈ શકે. ફક્ત મોટી વાતો અને ઘોષણાઓથી ન્યાય વ્યવસ્થાની હાલત નહીં બદલાય. ઝડપથી ચુકાદા ત્યારે આવશે, જ્યારે ન્યાયતંત્રનું આખું માળખું દુરસ્ત હશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang