• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વિકસિત અર્થતંત્ર બનવા માટે ભારતમાં સુધારા અનિવાર્ય

એમાં કોઇ શંકા નથી કે, ભારતનું અર્થતંત્ર એકદમ મજબૂત છે. દુનિયાના આર્થિક પડકારોને પહોંચી વળવા સક્ષમ ભારતના ભવિષ્યનાં લક્ષ્ય માટે આ તાકાતમાં વધુ બળ પૂરવાની જરૂરત વર્તાતી રહી છે. ખાસ તો ભારતે આગલાં 23 વર્ષમાં વિકસિત દેશ બનવા કમર કસી છે, ત્યારે આ લક્ષ્યને હાંસલ કરવા આર્થિક મોરચે સતત મોટી હરણફાળ અનિવાર્ય બની રહેશે. ખાસ તો આ માટે ભારતે વિકાસ દર બે આંકડામાં પહોંચાડવો પડશે. આમ તો સરેરાશ વિકાસ દર વૃદ્ધિ આઠ ટકાની આસપાસ રહેતી આવી હોવાથી ભારત વિકસિત દેશ બનવાના ઇરાદાને સર કરવાની નજીક તો પહોંચી જશે, એ નક્કી છે. જો કે, છેલ્લાં થોડાં વર્ષોથી દુનિયામાં સૌથી વધુ વિકાસ સાધતો દેશ બનવા છતાં ભારતનો જીડીપી દર સાડા સાત ટકાની આસપાસ રહ્યો છે. અમુક ત્રિમાસિક સમયગાળામાં વિકાસદર સાત ટકાની નીચે પહોંચી જાય છે, તો ક્યારેક આઠ ટકાને આંબી જાય છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળા એપ્રિલથી જૂન વચ્ચે જીડીપીનો દર ઘટીને 6.7 ટકા નોંધાયો છે. ગયાં વર્ષે આ સમયગાળા દરમ્યાન જીડીપી 8.2 ટકા રહ્યો હતો. સામે આવી રહેલાં ચિત્ર મુજબ આ વખતે કૃષિ ક્ષેત્રમાં નબળા દેખાવને લીધે વિકાસ દર પર અસર પડી રહી  છે.  સ્પષ્ટ છે કે, સરકારે બીજા ચાવીરૂપ ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્રને વિકાસના માર્ગે લાવવા ખાસ ધ્યાન આપવાની જરૂરત લાંબા સમયથી વર્તાઇ રહી છે. આ અનિવાર્યતા સરકાર સમજી શકે છે, પણ રાજકીય સમીકરણો અને મર્યાદાઓને લીધે આ ક્ષેત્રમાં સુધારાનો વ્યાપ વધી શક્તો નથી. આ બધાં વચ્ચે ભારત માટે આનંદની બાબત એ છે કે, દુનિયામાં વિકાસ દર સૌથી વધુ રહે છે. એપ્રિલથી જૂન મહિના દરમ્યાન ચીનનો વિકાસ દર માત્ર 4.7 ટકા રહ્યો હતો, તો યુરોપના અન્ય વિકસિત દશોનો જીડીપી પણ ભારત કરતાં ઓછો રહ્યો હતો. આમ વૈશ્વિક સ્થિતિમાં ભારતનો આ દેખાવ ખરા અર્થમાં નોંધપાત્ર બની રહ્યો હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ બ્યૂરોના આંકડા મુજબ ભારત માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ ભારે અનિવાર્ય બની રહેતો હોય છે. આ વખતે પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો માત્ર બે ટકા રહ્યો છે, જે ગયાં વર્ષે એપ્રિલથી જૂન મહિનાના ગાળામાં 3.7 ટકા હતો. વિશ્વમાં ભારતનો આર્થિક વિકાસ મોખારાનાં સ્થાને હોવા છતાં આ વખતના આંકડા બતાવે છે કે, જીડીપી 30 મહિનાનાં તળીયે પહોંચ્યો છે. એમાં કોઇ શંકા નથી કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવના રહેલી છે, પણ કમભાગ્યે આ ક્ષેત્રમાં સમસ્યાઓ પણ અપાર રહેલી છે. ખાસ તો નીતિલક્ષી વિસંગતતાઓ બહુ છે, તો કૃષિ માટે સરકાર પાસે અગ્રતાનું વલણ જણાતું નથી. એક તરફ ખેડૂતો કૃષિથી ઉદાસીન બની રહ્યા છે, તો બીજી તરફ સિંચાઇની પૂરતી સુવિધાના અભાવ અને ઓછી આવકને લીધે આ ક્ષેત્રમાં વિકાસની તકો ધૂંધળી બની રહી છે. આ નકારાત્મકતાની અસર દેશના આર્થિક વિકાસની  ટકાવારી પર પડી રહી છે. અન્ય ક્ષેત્રોમાં પણ પડકારો વધુ રહ્યા છે. આ વખતે કુદરતી ગેસ અને ક્રુડ તેલના ઉત્પાદનમાં ઘટાડાને લીધે અર્થતંત્ર માટે ચાવીરૂપ આઠ ક્ષેત્રનો દેખાવ અસર પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાયાના આ ચાવીરૂપ ઉદ્યોગોમાં વિકાસ દર 6.1 ટકા રહ્યો હતો. આ વિકાસ દર ગયાં વર્ષે આ સમયગાળા દરમ્યાન 6.7 ટકા નોંધાયો હતો. પાયાના ઉદ્યોગોના ઉત્પાદનની પારાશીશી સમાન આઇઆઇપી આંક 40.27 ટકા છે. આ આંકના આધારે આઇઆઇપીમાં વધારા કે ઘટાડાની ગણતરી સામે આવતી હોય છે. ખરખેર તો દેશને વિકસિત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા ભારતે સેવા, ઉદ્યોગ અને કૃષિ એમ ત્રણે ક્ષેત્રમાં નીતિલક્ષી, નાણાંકીય અને વ્યવસ્થાલક્ષી સુધારા તાકીદે અમલમાં મૂકવા શરૂ કરવા જોઇશે.  સરકારે આર્થિક વિકાસના તમામ પાસા પર ધ્યાન આપીને જીડીપીમાં જરા પણ સુસ્તી આવે નહીં તે માટે સતત સતર્ક રહેવાનો સમય પાકી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang