વિશ્વમાં સૌથી લાંબા સમય માટે મહિલા વડાપ્રધાન રહેલા બાંગલાદેશના
શેખ હસીનાને રાજીનામું આપીને તાબડતોબ દેશ છોડવાની ફરજ પડતાં ભારતના આ પડોશી દેશમાં
વધુ એક વખત લશ્કરે પોતાનું પ્રભુત્વ સાબિત કરી આપ્યું છે. છેલ્લા થોડા સમયથી ચાલતા
લોહિયાળ વિદ્યાર્થી આંદોલનમાં લગભગ 300 જણનો ભોગ લેવાયા બાદ લશ્કરે ચિત્રમાં આવીને
સ્થિતિ સંભાળવાની પહેલ કરી છે. પોતાના પડોશમાં મિત્ર વડાપ્રધાનની સામે આવી અણધારી કાર્યવાહીથી
ભારતમાં તેની અસર અંગે ચિંતા સાથે ગંભીર મંથન શરૂ કરાયું છે. આમ તો બાંગલાદેશમાં વિદ્યાર્થી
આંદોલનને લીધે લાંબા સમયથી ભારે સ્ફોટક સ્થિતિ ઊભી થઇ હતી. ત્યારથી એવી દહેશત સર્જાઇ
હતી કે, ત્યાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. પોલીસ અને સલામતી દળોની આંદોલનકારીઓની
સામેની કાર્યવાહીથી દેશભરમાં ભારે રોષ હતો. લોકોનાં ટોળાંએ વડાપ્રધાનના નિવાસ પર કબજો
જમાવ્યા બાદ લશ્કરે સ્થિતિ સંભાળવા સક્રિય
થવું પડયું છે. કોઇ પણ લોકશાહીમાં હિંસા અને અરાજક્તા કોઇ સમસ્યાનો ઉકેલ હોઇ શકે નહીં.
ખેરખર તો લોકોના વધતા અસંતોષને શાંત કરવા શેખ હસીનાએ જો દુરંદેશીભર્યું વલણ લીધું હોત
તો ત્યાં આવી સ્ફોટક સ્થિતિ સર્જાઇ હોત નહીં. તેમના નિર્ણયો અને આંદોલનને ડામવાનાં
કડક પગલાંથી એવી છાપ ઊભી થઇ હતી કે, તેઓ સરમુખત્યાર બની રહ્યા છે. આમ તો હાલની કટોકટી
માટે પ્રાથમિક રીતે અનામત સામેનો વિરોધ કારણરૂપ ગણાવાઇ રહ્યો છે, પણ લોકોના રોષની પાછળ
સંખ્યાબંધ કારણો જવાબદાર હતા. જે રીતે 2009થી સતત ચૂંટાતા આવતા શેખ હસીનાએ ગઇ ચૂંટણી
વિપક્ષના બહિષ્કાર વચ્ચે જીતી હતી. ત્યારથી લોકોમાં નારાજગી વધવા લાગી હતી. બાંગલાદેશના
ઘટનાક્રમે ફરી એક વખત દુનિયાને પ્રતીતિ કરાવી આપી છે કે, ભીડ તંત્રની સામે લોકતંત્ર
નબળું પડવા લાગ્યું છે. વિકાસનો માર્ગ લેનારા શેખ હસીનાના પિતા શેખ મુજીબુરે ભારતની
મદદથી 1971માં પાકિસ્તાન પાસેથી આઝાદી અપાવી તે બાંગલાદેશ ઝડપભેર વિસરી ગયું હોવાનું
વધુ એક વખત સાબિત થયું છે. 1975માં મુજીબુરના પરિવારની હત્યા અને હવે તેમના પુત્રીને
રાજીનામું આપીને દેશ છોડવા મજબૂર કરવાની ઘટના આ બાંગલાદેશીઓ તેમની સ્વતંત્રતાનું મૂલ્ય
સમજતા ન હોવાનું બતાવે છે. જો શેખ મુજીબુર અને શેખ હસીનાની સામે બાંગલાદેશીઓ જો હિંસક
વલણ લેવામાં ખચકાતા ન હોય તો આઝાદી મેળવી આપવામાં ચાવીરૂપ લશ્કરી સહાયતા કરનારા ભારતનાં
યોગદાનને યાદ રાખવાની અપેક્ષા તેમના તરફથી રાખી શકયા નહીં. ભારતના મિત્ર બની રહેલા
શેખ હસીનાનાં રાજીનામા બાદ ઊભી થઇ રહેલી કટોકટી અંગે નવી દિલ્હીમાં સ્વાભાવિક રીતે
ચિંતા જાગી છે. શેખ હસીનાએ બાંગલાદેશ છોડીને પ્રથમ મુકામ દિલ્હી કર્યો છે. તેઓ લંડન
જાય એવા અહેવાલ છે, પણ ભારત સરકારે આ નવા પડકાર સંદર્ભે તાકીદની બેઠકોનો દોર શરૂ કર્યો
છે. સલામતી અંગે કેન્દ્રીયમંત્રી મંડળની તાકીદની બેઠક વડાપ્રધાનના અધ્યક્ષપદે સોમવારે
જ મળી હતી, તો મંગળવારે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી, જેમાં બાંગલાદેશની સ્થિતિ અંગે
તમામ પક્ષના નેતાઓને માહિતગાર કરાયા હતા, ત્યાં રાષ્ટ્રપતિએ શેખ હસીનાના કટ્ટર હરીફ
ખાલિદા ઝિયાને મુક્ત કરી દીધાં છે અને સંસદ ભંગ કરી દેવાઇ છે, ત્યાંના ગુપ્તચર વડાને
પણ પાણીચું આપી દેવાયું હોવાના હેવાલ છે. શેખ હસીનાની જગ્યાએ બાંગલાદેશી લશ્કર ખાલિદા
ઝિયાને વડાપ્રધાનપદે આરૂઢ કરે એવી શક્યતા છે. તેઓ કટ્ટરવાદી સંગઠનોની સાથે મળીને સરકાર
રચે તો ભારત સાથેના મિત્રતાના સંબંધો હોડમાં મુકાઇ શકે છે. વળી આ સત્તાપલટા બાદ બાંગલાદેશમાં
ફરી પાકિસ્તાનની આઇએસઆઇ અને ચીન સક્રિય બને એવી પણ પ્રબળ શક્યતા જણાઇ રહી છે. આમ થાય
તો ભારત માટે વધુ એક સરહદે પડકાર ઊભો થઇ શકે છે. આવનારો સમય બાંગલાદેશની સાથોસાથ ભારતની
વ્યૂહાત્મક તૈયારી માટે પણ ચાવીરૂપ બની રહેશે.