દિલ્હીનાં રોહિણી
સેક્ટર સ્થિત આશાકિરણ મંદબુદ્ધિ વિકાસ ગૃહમાં ફક્ત જુલાઈ મહિનામાં 14 જણનાં મૃત્યુ
થયાં છે, જેમાં આઠ મહિલા, એક કિશોર અને પાંચ પુરુષ છે. મોતનાં કારણ હજી સ્પષ્ટ નથી
થયાં. પ્રકરણ ચર્ચામાં આવતાં જિલ્લા તંત્રએ તપાસ
શરૂ કરી દીધી છે. દિલ્હીના મહેસૂલ પ્રધાન આતિશીએ આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસનો
આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય મહિલાપંચનાં અધ્યક્ષ રેખા શર્માએ પણ આ વિકાસગૃહની મુલાકાત
લીધી છે અને કહ્યું છે કે, દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આશ્રયગૃહ લોકો માટે મોતની જાળ
બની ગયું છે. આશાકિરણની ક્ષમતા 250 લોકોની છે, પરંતુ આમાં અનેકગણા લોકો પૂરતાં ભોજન,
પાણી અને દવાથી વંચિત રહ્યા છે. દિલ્હી સરકાર દ્વારા આ સંચાલિત એકમાત્ર સંસ્થા છે,
જ્યાં માનસિક નબળા લોકોની માવજત કરવામાં આવે છે. આ આશ્રયગૃહમાં ફેબ્રુઆરીથી અત્યાર
સુધી 25થી 27 મોત થઈ ચૂક્યાં છે. આશ્રયગૃહ દ્વારા દિલ્હી સરકારને આપવામાં આવેલી માહિતીમાં
જુલાબ અને બેભાનથી મોત થવાનાં કારણ જણાવાયાં છે. સાથે જ હળવો તાવ અને ઊલટીની વાત પણ
સામેલ છે. સરકાર દ્વારા સંચાલિત આશ્રયગૃહમાં 20 દિવસની અંદર 10 આશ્રિતનાં મોત એક ગંભીર
બાબત છે. જવાબદાર લોકોની લાપરવાહી પ્રતીત થાય છે, તેથી ગંભીરતાથી તપાસ થવી જોઈએ. સરકાર
સંચાલિત આશ્રયગૃહમાં લાપરવાહીનાં કારણે મોત કંઈ નવી વાત નથી. ગયાં વર્ષે બિહારનાં મુઝફ્ફરપુરમાં
એક આશ્રયગૃહની અનેક અનિયમિતતા બહાર આવી હતી. જવાબદાર અધિકારીઓએ જોવું જોઈએ કે, આશ્રયગૃહોમાં
રહેતા આશ્રિતોના જીવની એટલી જ કિંમત છે, જેટલી તેમના પોતાની છે. 1989માં દિલ્હીમાં
બનેલા આ આશ્રયગૃહમાં 500 લોકોની ભરતીની ક્ષમતા છે, પરંતુ અહીં 1000 લોકો છે. તેઓના
ઈલાજ માટે અહીં ફક્ત 6 ડોક્ટર અને 17 નર્સ છે. આશ્રયગૃહમાં મહિલાઓ અને પુરુષો માટે
10-10 ડોરમેટ્રી છે. આશાકિરણ શેલ્ટર હોમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત
આવે છે. આ વિભાગનું પ્રમુખપદ ખાલી છે. તિહાડ જેલવાસ ભોગવતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ
કેજરીવાલે કોઈ પણ પ્રધાનને વિભાગની જવાબદારી નથી સોંપી. આશ્રયગૃહ પર પહેલેથી જ સવાલ
થતા આવ્યા છે. 2015માં `કેગે' પોતાના રિપોર્ટમાં આશ્રયગૃહની કાર્યપદ્ધતિ
પર સવાલ કર્યા હતા. રિપોર્ટ અનુસાર 2009થી 2014 વચ્ચે 148 મોત થયાં છે. દિલ્હી મહિલાપંચના
2017ના રિપોર્ટમાં પણ અહીંની સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દો સંવેદનશીલ
છે, આના પર રાજનીતિ નહીં થવી જોઈએ, પરંતુ દિલ્હી સરકાર આશ્રયગૃહ વ્યવસ્થિત રીતે ચલાવે
અને જવાબદારોને કાયદાના કઠેડા સુધી પહોંચાડે. આ નિમિત્તે દેશભરનાં આશ્રયગૃહોનું સોશિયલ
ઓડિટ કરવાની જે માંગ ઊઠી છે તે સમયોચિત છે. રાજ્ય સરકાર આશ્રયગૃહોમાં સુવિધાઓને લઈ
સજાગ નથી રહેતી, બજેટમાં ફાળવણી પણ જરૂરી હોવા છતાં ઓછી હોય તો સુધારવી જોઈએ, પણ આવાં
આશ્રયગૃહોને ભગવાન ભરોસે રખાય નહીં.