• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અનામતની અંદર અનામતનો સુપ્રીમનો ચુકાદો

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યોને અનામત વ્યવસ્થામાં ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે, રાજ્ય સરકારો હવે અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગમાં પણ અનામત માટે અલગ અલગ શ્રેણીઓ બનાવી શકે છે. આ ચુકાદા પછી આ વર્ગોમાં હાંસિયામાં પડેલી જાતિઓને અનામતનો ફાયદો મળવાની આશા છે. કારણ કે, એ પ્રશ્ન વારંવાર કરવામાં આવી રહ્યો છે કે, નહીં મળવાનાં કારણે અનામત વર્ગમાં પણ એવી કેટલીક જાતિઓ છે, જે સામાજિક અને આર્થિક રીતે પછાતપણામાંથી બહાર આવવા માટે આજે પણ સંઘર્ષ કરી રહી છે. સમાજના ચોક્કસ વર્ગને અનામત આપવાનો નિર્ણય લેવાયો ત્યારે પણ એ બાબતની આવશ્યકતા જણાતી હતી કે, અનામત વ્યવસ્થામાં સમાજના વંચિત અને ઉપેક્ષિત વર્ગ સમુદાયોને મુખ્ય ધારામાં લાવવાની તક મળશે. કેટલીક હદે આ આશય પરિપૂર્ણ થયો છે, પણ એવી ફરિયાદો સતત થતી રહી છે કે, એસસી-એસટી વર્ગના કેટલાક નાગરિકોને વધુ લાભ મળી રહ્યો છે. આને લઈને આ અનામત વર્ગોમાં વિદ્રોહના ભાવ સમયાંતરે જોવા મળતા રહે છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપેલા ચુકાદાથી 2004ના પોતાના જૂના ચુકાદાને પલટી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારો અનામત માટે અનુસૂચિત જાતિઓ અને જનજાતિની સબકેટેગરી બનાવી ન શકે. સુપ્રીમ કોર્ટે હવે કહ્યંy છે કે, રાજ્યોને બધી કેટેગરી આપવા પહેલાં એસસી અને એસટી શ્રેણીઓમાંની ક્રિમી લેયરની ઓળખ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટે પહેલાં જ કહી દીધું છે કે, સબકેટેગરીનો આધાર ઉચિત હોવો જોઈએ. રાજ્ય પોતાની મરજીથી કે રાજનીતિક આધાર પર સબકેટેગરી નક્કી નહીં કરી શકે. એ માટે સુપ્રીમ કોર્ટે ન્યાયિક સુરક્ષાનો અધિકાર પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે. અનામતની સબકેટેગરી નક્કી કરવા માટે સરકારો પાસે સંબંધિત જાતિ અને વર્ગનો સમગ્ર ડેટા ઉપલબ્ધ થવો સરળ નહીં હોય. હાલ, કોઈ રાજ્ય આ પ્રકારે ડેટાની નોંધ કરતું નથી. આવામાં સૌથી પહેલાં સર્વેક્ષણ હાથ ધરવાની જરૂર પડશે. ત્યાર પછી જ કોર્ટોમાં ક્વોટાની વ્યવસ્થાનું ન્યાયસંગત પાલન થઈ શકશે, અન્યથા વિવાદ થવો સ્વાભાવિક છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડનાં નેતૃત્વવાળી જજોની બેન્ચમાંથી એકમાત્ર જસ્ટિસ બેલા ત્રિવેદીએ અસહમતી વ્યક્ત કરી છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ ચુકાદો આપતી વેળા નોંધ કરી છે કે, રાજ્ય બંધારણની કલમ 341 અંતર્ગત જણાવેલી અનુસૂચિત જાતિઓની યાદી સાથે ચેડાં કરી શકે નહીં. રાજ્યોની સકારાત્મક કાર્યવાહી બંધારણ અંતર્ગત હોવી જોઈએ. અનામત આપવાનાં રાજ્ય સરકારે સારા ઈરાદાઓથી લીધેલાં પગલાંને કલમ 142 અંતર્ગતની શક્તિઓનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા ઉચિત ઠેરવી શકાય નહીં. હું બહુમતી જજોના નિર્ણયથી આદરપૂર્વક અસહમત છું. આ કેસમાં સાત જજોની બંધારણીય બેન્ચના જસ્ટિસ પંકજ મિથલની ટિપ્પણીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જસ્ટિસ પંકજે ચુકાદો આપતી વેળા નોંધ્યું છે કે, અનામત વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ, જેથી ખબર પડે લાભ મેળવનારા વર્ગની બીજી પેઢી સામાન્ય વર્ગ સાથે ખભેખભો મિલાવી ચાલી રહી છે. અનામત કોઈ પણ વર્ગમાં ફક્ત એક પેઢી માટે જ હોવી જોઈએ. બીજી પેઢીને અનામતનો લાભ આપવો નહીં જોઈએ. આ ટિપ્પણી મહત્ત્વની એ માટે છે કે, અનામત વ્યવસ્થાનો લાભ ચોક્કસ વર્ગ કે પરિવારો જ લઈ રહ્યા છે અને અતિ પછાત વર્ગ આજે પણ અનામત વ્યવસ્થા અંતર્ગત શિક્ષણ, નોકરી કે સરકારી યોજનાના લાભથી વંચિત જ રહ્યો છે. ન્યાયમૂર્તિઓના વ્યક્તિગત ચુકાદામાં વ્યક્ત થયેલાં સૂચનો આગળ જતાં ચર્ચાની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે એમાં શંકા નથી. એકંદરે, ચુકાદો નીતિનાં સ્તર પર મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપ હોવાની સાથે અનામત જેવાં પ્રકરણ પર ભવિષ્ય માટે દિશાસૂચકનું પણ કામ કરી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang