કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભારે પ્રમાણમાં થયેલા ભૂસ્ખલનમાં
ચાર ગામ નક્શા પરથી સાવ ભૂંસાઈ ગયાં છે. આ પ્રાકૃતિક સંકટમાં 185થી વધુ લોકોનાં મોત
થયાં છે તો અઢીસોથી વધુ લોકોની ભાળ હજી મળી નથી. સેના અને બચાવ ટુકડી યુદ્ધ સ્તર પર
રાહત અને બચાવ કાર્યમાં રત છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ પહાડી ક્ષેત્રમાં હવે ચોમેર
ફક્ત વિનાશની સ્થિતિ છે. આ વિસ્તારમાં 24 કલાકમાં પ્રચંડ વરસાદને પગલે આ ઘટના બની છે.
કુદરત પર બધો દોષ ઢોળી દઈ ખુદ ચોખ્ખાચણક રહેવાની માનવની આ ખોડ ક્યારે ભુલાશે, ભગવાન
જાણે! પહાડી વિસ્તારોમાં વિકાસના નામે મૂળ ભૂગોળનો ખો વાળી નાખવાના પ્રપંચમાંથી આપણે
બહાર આવવું જરૂરી છે. આવી દુર્ઘટનાનો ભોગ બનેલાઓને ભરપાઈ આપવાની જાહેરાત થતી હોય છે
પણ સાવ સાફ થઈ ગયેલાં ગામોનાં પુનર્વસન કરવાની વાત થતી નથી. પર્યાવરણની દૃષ્ટિએ અતિશય
સંવેદનશીલ તરીકે ઓળખાતા પશ્ચિમ ઘાટ પરિસરમાં માનવી હસ્તક્ષેપ નહીં જોઈએ એવી નક્કર ભૂમિકા
આપણે ક્યારે લઈશું? આ ઘાટ હોય કે આવી કુદરતી સમૃદ્ધિ ધરાવતો બીજો પરિસર ત્યાંના ડુંગરાઓ,
ભેખડોને વિકાસનાં નામ હેઠળ હાથ લગાવવો, તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરવો આ માનવીની
મોટી ભૂલ છે. જે આપણે નિર્માણ નથી જ કર્યું, તેનો વિધ્વંસ કરવાનો અધિકાર આપણને કોણે
આપ્યો છે? આપણે કુદરતને માત કરી શકીએ છીએ એવા અહંકારમાં માણસ આ બધું કરતો હોય છે. તેનાં
માઠાં પરિણામ એટલે આવી દુર્ઘટના. માત્ર ઉત્તરમાં જ નહીં દક્ષિણમાં પણ આ દોડ અને ભૂખનું
આ વરવું ચિત્ર દેખાડે છે કે, કુદરત પ્રત્યે આપણને કોઈ માન નથી. ઉત્તરાખંડ, હિમાચલ રાજ્યોમાં
હાલમાં જ અનુભવેલા આવા જ કુદરતના પ્રકોપમાં અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે.
કેરળમાં વાયનાડ, ઈડૂકી, કુન્નૂર, મલ્લાપુરમ પરિસરમાં થતા અનધિકૃત ખનન વિરુદ્ધ નેશનલ
ગ્રીન ટ્રિબ્યુનલે અનેક વેળા ટિપ્પણો કરી છે. કેટલાક પ્રમાણમાં પ્રતિબંધ મૂક્યો છે
પણ આ બાબત સામે સરેઆમ દુર્લક્ષ સેવી પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કામ ચાલુ જ છે.
ડુંગર ખોદી, દરિયો પૂરી અને નદીના પાત્ર વાળી જાણે કે વિકાસ સાધવાની આંધળી દોટ લાગી
છે. તેમાં રાજ્યકર્તાઓ અગ્રેસર હોવાથી લોકો પણ પાછળ શા માટે રહે. બહુ ઓછા સમયમાં વધુ
વરસાદ પડવાને પગલે આ કરુણાંતિકા સર્જાઈ છે, એમ કહી જવાબદારી ખંખેરી નાખવાની રમત અટકે
તો સારું.