• બુધવાર, 31 મે, 2023

મણિપુરમાં હિંસા બેકાબૂ

મણિપુરમાં થયેલી હિંસક અથડામણોએ 73 જેટલા નાગરિકોનો ભોગ લીધો તે તો કરુણ અને કમનસીબ ઘટના છે,પરંતુ હવે આખી વાત ધાર્મિક રંગ પકડી રહી છે. અનામતની માંગને લીધે પણ હિંસા આટલા મોટા પ્રમાણમાં થાય તે યોગ્ય નથી જ, પરંતુ તેમાં પણ જો ધાર્મિક લાગણીઓ ભળશે તો સ્થિતિ વધારે વણસે એવી સ્થિતિ છે. મે માસની શરૂઆતથી જ મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ-સુરક્ષા એજન્સીઓના નિયંત્રણની બહાર સ્થિતિ હતી અને જોતજોતાંમાં તો 54 લોકોનાં મોત થયાં હતાં. આ સંખ્યા હવે 73 સુધી પહોંચી છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થવાની શક્યતા છે. હિંસાની આગ રોકાતી નથી. સીમાવર્તી જિલ્લા વિષ્ણુપુર અને ચુરાચાંદપુરમાં શરણાર્થી શિબિર પર ઉગ્રવાદીઓએ હુમલો કરીને એકનું મોત નીપજાવ્યું. એ પૂર્વે મંત્રી કોંથોજન ગોવિંદદાસના ઘર પર હુમલો કરીને તોડફોડ મચાવી. સવાલ એ છે કે આવા લોહિયાળ હુમલા કરવા માટે ઉગ્રવાદીઓ પાસે એકે-47 જેવાં હથિયાર કયાંથી આવ્યાં ? ઉલ્લેખનીય છે કે, મૈઇતી સમુદાયના લોકોએ પોતાને અનુસૂચિત જનજાતિમાં સમાવવાની કરેલી માંગ, હાઈકોર્ટે આ અંગે સરકારને આપેલા આદેશને અનુલક્ષીને મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. મૈઇતીને અનામતનો લાભ મળતાં વુકી સમુદાય દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વુકીના ઉગ્રવાદી નાગાલેન્ડમાં પણ સક્રિય હતા. કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી બંને સમુદાય વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ એ પછી રાજ્યની એન. બિરેન સરકારે વુકી ઉગ્રવાદીઓનું નિ:શત્રીકરણ કરવામાં કોઇ ધ્યાન જ નથી આપ્યું. કેન્દ્ર સરકાર પણ બેપરવાહ રહી હોય એમ જણાય છે. તેને પરિણામે આ સરહદી રાજ્યની સ્થિતિ વણસી રહી છે. કોઈપણ વર્ગની અનામત કે કોઈ જાતિમાં સમાવેશ કરવાની માંગ આટલી ઉગ્ર બને કે તેમાં એકસાથે આટલા બધા લોકોનાં મોત થઈ જાય તે ઘટના યોગ્ય નથી. ભારતે અનેક અનામત આંદોલનો વિવિધ રાજ્યોમાં અને રાષ્ટ્રીયસ્તરે જોયાં છે. આત્મવિલોપન કરતા યુવાનોના ફોટોગ્રાફવાળાં વર્તમાનપત્રો હજીય ક્યાંક હશે. આ સમસ્યા કંઈ આજની નથી. જાતિવાદી રાજકારણ,  અનામતનો રાજનીતિ માટે ઉપયોગ જેવી વાતો વર્ષોથી આપણે ત્યાં છે. હિંસા અનામત માટે ન જ થવી જોઈએ, પરંતુ હવે તેનો આ ધાર્મિક વળાંક પણ ન આવવો જોઈએ. જો મંદિરોને નુકસાન થયું હોય તો તે હુમલા કરનાર સામે પણ સખત કાર્યવાહી પ્રશાસને તાત્કાલિક કરવી જ રહી, કારણ કે અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવાની માંગને મંદિર સાથે શું સંબંધ ? મણિપુરની હિંસા કાબૂમાં લેવી જોઈએ તેના બદલે આ આખો પ્રવાહ બદલાઈ રહ્યો હોવાના સંકેત શુભ નથી. આ હિંસક અથડામણમાં 10 પહાડી જિલ્લાઓમાં 231 લોકો ઘાયલ થયા છે અને 1700 જેટલા ઘર સળગાવાયા છે.