• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

મહિલા નિશાનેબાજોનું સ્વર્ણિમ લક્ષ્યવેધ

હાંગઝોઉ, તા.27: ચીનમાં રમાઇ રહેલ 19મા એશિયન ગેમ્સના આજે ચોથા દિવસે ભારતીય નિશાનેબાજોએ શાનદાર દેખાવ કરીને ભારતની જોળી ચંદ્રકોથી છલકાવી દીધી હતી. ભારતને આજે શૂટિંગમાં બે ગોલ્ડ સહિત 7 મેડલ મળ્યા હતા. એશિયન ગેમ્સમાં ભારતના અત્યાર સુધી કુલ 22 મેડલ થયા છે. જેમાં પાંચ ગોલ્ડ મેડલ છે. આજે સવારે 2પ મીટર રેપિડ ફાયર શૂટિંગ સ્પર્ધામાં ભારતની મનૂ ભાકર, ઇશા સિંહ અને રિદમ સાંગવાનની ત્રિપુટીએ ફાઇનલમાં 17પ9 પોઇન્ટનો સ્કોર કરીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ સ્પર્ધામાં ચીનની નિશાનેબાજી ટીમ 17પ6ના સ્કોર સાથે રજત ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. જયારે દ. કોરિયાએ 1742ના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો જ્યારે 2પ મીટર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધામાં ભારતની ઇશા સિંહે રજત ચંદ્રક જીત્યો હતો. આ પછી પ0 મીટર રાયફલ થ્રી પોઝિશનમાં ભારતની સિફ્ટ કૌર સામરાએ ઇતિહાસ સર્જીને વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પર નિશાન લગાવ્યું હતું. સિફ્ટ કૌરે ફાઇનલમાં 469.6નો સ્કોર કરીને નવો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઇંગ્લેન્ડની નિશાનેબાજ સિયોનેડ મેકિનટોસના નામે હતો. તેણીએ 467.0નો સ્કોર બનાવ્યો હતો. એશિયન ગેમ્સમાં ચીનની ઝાંગ ક્યૂનગ્યૂ 462.3 અંક સાથે રજત ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. આ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક પણ ભારતીય નિશાનેબાજ આશી ચોકસેએ જીત્યો હતો. તેણીનો સ્કોર 2પ1.9 પોઇન્ટ રહ્યો હતો. જયારે પ0 મીટર એર રાયફલ થ્રી પોઝિશનમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. સિફ્ટ કૌર, મિની કૌશિક અને આશી ચોકસેની ત્રિપુટીએ 1764 પોઇન્ટનો સ્કોર બનાવ્યો હતો. આ સ્પર્ધામાં ચીનની ટીમે 1773ના સ્કોર સાથે ગોલ્ડ અને દ. કોરિયાની ટીમે 17પ6ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત શોટગન સ્કીટની નિશાનેબાજી સ્પર્ધામાં ભારતના અંનતજીત સિંહે સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના ઇતિહાસમાં આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે. નિશાનેબાજીની શોટગન સ્કિટમાં ભારતના અંગદવીરસિંહ બાજવા, અંનત જીતસિંહ અને ગુરજોત સિંઘની ટીમે 3પપના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. આ સ્પર્ધામાં ચીને  362ના સ્કોર સાથે ગોલ્ડ અને કતારની ટીમે 3પ9ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યા હતા. આ પહેલા 2પ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ઇશા સિંહે 34ના સ્કોર સાથે સિલ્વર મેડલ પર નિશાન લગાવ્યું હતું. જયારે શૂટીંગ શોટગન સ્કિટની વ્યક્તિગત સ્પર્ધામાં અંનતસિંહે પ8 પોઇન્ટના સ્કોર સાથે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. જ્યારે સેલિંગમાં ભારતના વિષ્ણુસિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 

Janmadin Vishesh Purti

Panchang