આદિપુર, તા. 17 : જે.ડી. એકેડેમી સુરત ખાતે તા. 9થી 12 દરમ્યાન આયોજિત ગુજરાત સ્ટેટ રાન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટમાં આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડેમીની ખેલાડી ખ્યાતિ ભટ્ટ ગર્લ્સ અન્ડર-16, ગર્લ્સ અન્ડર-14 અને ગર્લ્સ અન્ડર-12 એમ ત્રણ કેટેગરીમાં આ ચેમ્પિયન બની છે. ખ્યાતિએ ગર્લ્સ અન્ડર-16ની ફાઇનલમાં સુરતની શ્રેયલને 6-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો, તો આ પહેલાં સેમિફાઇનલમાં સુરતની જ ટ્વિન્કલને 6-4થી હરાવી હતી. ગર્લ્સ અન્ડર-14ની ફાઇનલમાં સુરતની મિનાક્ષીને હરાવીને 6-1થી ટાઇટલ જીત્યું હતું અને આ પહેલાં સેમિફાઇનલમાં સુરતની જ સંથ્રારાવધનીને 6-2થી હરાવી હતી ગર્લ્સ અંડર-12ની ફાઈનલમાં સુરતની મિનાક્ષીને 6-0થી હરાવી હતી અને આ પહેલાં સેમિફાઇનલમાં સુરતની જ હિડિંબાને 6-1થી હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ ભટ્ટ કેડીટીટીએની ટેનિસ એકેડેમી ખાતે મુખ્ય કોચ જિતેન્દ્ર પરમાર તેમજ આસિ. કોચ નરેન્દ્ર કંથારિયા અને પ્રનેન્દ્ર ભોવડ પાસે તાલીમ લઇ રહી છે. ખ્યાતિને સંસ્થાના બધા પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.