ભુજ, તા. 4 : છેલ્લા છ દિવસથી શહેરના રમત જગતના કેન્દ્ર સમાન જ્યુબિલી
ગ્રાઉન્ડ પર રાત પડે ને દિવસ ઊગે છે. કચ્છના ક્રિકેટ રસિક સમુદાયમાં જબરું આકર્ષણ જમાવી
રહેલી હિમ્સ-કેપીએલની ચોથી સિઝનની સ્પર્ધા અંતિમ ચરણમાં પહોંચી છે ત્યારે આવતીકાલે
ગુરુવારે મસ્કા માસ્ટર્સ, એગ્રોસેલ ટાઈટન્સ
અને રાજવી ચેમ્પિયન્સ ટીમો સેમિફાઈનલમાં રમશે. આજે સિઝનની છેલ્લી લીગ મેચ જીતનાર ચોથી
ટીમ સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. કચ્છમિત્ર પ્રીમિયર લિગની ચોથી સિઝનમાં કુલ આઠ ટીમ
વચ્ચે રોમાંચક મુકાબલા જામ્યા છે. પૂર્વી લીજેન્ડ્સ અને શ્રીરામ સુપરાકિંગ્સ વચ્ચે
સિઝનની છેલ્લી લીગ મેચ રમાઈ રહી છે. આ બંનેમાંથી બાજી મારનાર ટીમ કાલના સેમિફાઈનલ મુકાબલામાં
મેદાન પર ઊતરશે. સિઝનના પ્રારંભ પૂર્વે કુલ 243 ખેલાડીને ખરીદવા માટે આઠ ફ્રેન્ચાઈઝી વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ત્રણ કેટેગરીમાં ઓકશનની કવાયત
કરાઈ હતી. દરમ્યાન હિમ્સ-કેપીએલની પાંચમા દિવસની
બીજી લીગ મેચમાં બારસાના બ્લાસ્ટર્સે એસવીસીટી સ્ટ્રાઇકર્સને 19 રને હાર આપી વિજય મેળવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં બરસાના સ્ટ્રાઇકર્સે માઇઝ બ્રેરના 49, આશીફ મોખાના 22 અને રસીદ ગોયલના 20 રનની મદદથી 9 વિકેટે 164 રન બનાવ્યા હતા. એસવીસીટી સ્ટ્રાઇકર્સ તરફથી સુરેન્દ્રસિંહ રાઠોડે
3, જય સોની અને જીતુ ગોસ્વામીએ
બે-બે વિકેટ ઝડપી હતી. જવાબમાં એસવીસીટી સ્ટ્રાઇકર્સની ટીમ 9 વિકેટે 145 રન બનાવી શકી હતી. જય સોની, પ્રશાંત વાઘજિયાણી અને જીત ગોસ્વામીએ 26-26 રનનું યોગદાન આપ્યું હતું.
બરસાના બ્લાસ્ટર્સ તરફથી સાહિલ સમાએ ચાર, તો દીપક મહેશ્વરીએ બે વિકેટ ઝડપી હતી.