નવી મુંબઇ, તા. 4 : ટી-20 વર્લ્ડ કપ અગાઉની વોર્મઅપ મેચમાં
દ. આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાએ 30 રને ધમાકેદાર
જીત મેળવી હતી. કપ્તાન સૂર્યકુમારની ટીમે પહેલા બેટથી વિસ્ફોટક અને પછી બોલથી ઘાતક
દેખાવ કરીને વર્લ્ડ કપની તમામ ટોચની ટીમોને હાર માટે તૈયાર રહો તેવી ચેતવણી આપી દીધી
છે. ભારતના પ વિકેટે 240 રનના જવાબમાં
આફ્રિકા ટીમના 7 વિકેટે 210 રન થયા હતા. આફ્રિકા તરફથી રિકલટને 44 અને સ્ટબ્સે 44 રન કર્યાં હતા. અભિષેકને 2 વિકેટ મળી હતી. અગાઉ ભારતની વિસ્ફોટક બેટિંગ
હરોળે આફ્રિકી બોલર્સની ધોલાઇ કરીને ડીવાઇ પાટિલ સ્ટેડિયમ પર રનનો ધોધ વહાવ્યો હતો.
દ. આફ્રિકા સામેની વોર્મઅપ મેચમાં ભારતે 20 ઓવરમાં પ વિકેટે 240 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઇશાન કિશને પ્રારંભથી જ પાવર હિટિંગ
કરીને 20 દડામાં 2 ચોગ્ગા અને 7 છગ્ગાથી પ3 રન કરી રિટાયર્ડ આઉટ થયો હતો. અભિષેક શર્મા
પણ ઝડપી 24 રન કરી રિટાયર્ડ આઉટ થઇ પેવેલિયનમાં
પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આફ્રિકી બોલર પર હલ્લાબોલ
શરૂ કર્યું હતું. તિલક 19 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 4પ રને અને
સૂર્યકુમાર 16 દડામાં 2ચોગ્ગા-2 છગ્ગાથી 30 રને આઉટ થયા
હતા. અક્ષર પટેલે 23 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી અણનમ 3પ રન કર્યાં હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 10 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 30 રનની કેમિયો
ઇનિંગ્સ રમી હતી. રિંકુ સિંહે 16 રને આઉટ થયો
હતો. આફ્રિકા તરફથી યાનસન, બોશ,
નોત્ઝે અને મફાકાએ 1-1 વિકેટ લીધી હતી. આજની અન્ય વોર્મ અપ મેચમાં સ્કોટલેન્ડ સામે
નામીબિયાનો 6 રને વિજય થયો હતો. નામીબિયાના 4 વિકેટે 226 રન સામે સ્કોટલેન્ડના પ વિકેટે 220 રન થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ સામે
અફઘાનિસ્તાનનો 23 રને વિજય થયો હતો. અફઘાનિસ્તાનના
6 વિકેટે 182 રનના જવાબમાં વિન્ડિઝના 7 વિકેટે 1પ9 રન થયા હતા. કોલંબોમાં પાકિસ્તાન-આયરલેન્ડની
વોર્મઅપ મેચ વરસાદમાં ધોવાઇ ગઇ હતી.