ભુજ, તા. 3 : કચ્છભરના ક્રિકેટરસિકો જેની
આતૂરતાથી રાહ જોતા હોય છે, એ હિમ્સ-કેપીએલની
ચોથી સિઝનનો આરંભ થઈ ચૂક્યો છે. લીગ મેચોનો તબક્કો હવે અંતિમ દોરમાં પહોંચ્યો છે,
ત્યારે અત્યાર સુધી સંપન્ન થયેલી મેચોના આંકડાકીય વિશ્લેષણ તરફથી એ વાત
ઊભરીને સ્પષ્ટપણે સામે આવે છે કે, હિમ્સ-કેપીએલે કચ્છને અનેક
ઊભરતી ક્રિકેટ પ્રતિભાઓની ભેટ આપી છે. પોતાની પહેલી કે બીજી કેપીએલ રમતાં પ્રતિભાશાળી
ખેલાડીઓએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ક્રિકેટરસિકોનું ધ્યાન ખેંચ્યું છે. ફ્રેન્ચાઈઝી
દ્વારા જેમને આઈકોન પ્લેયર બનાવાયા છે, આ નવા પ્રતિભાવાન ખેલાડીઓનું
પ્રદર્શન ઊડીને આંખે વળગે તેવું છે. અહીં આપણે એવા ચાર ખેલાડીની વાત કરવી છે કે,
જેમણે પોતાનાં પ્રદર્શન દ્વારા સૌનું ધ્યાન ખેચ્યું છે. મસ્કા માસ્ટર્સ તરફથી રમતા હુશેન કારાણી (સચિન)એ
પોતાની કેપીએલની પ્રથમ સિઝનમાં બેટિંગમાં કૌવત
દેખાડયું છે. સચિને બે મેચમાં 118 રન બનાવ્યા, જેમાં એક મેચમાં 7પ રનની તોફાની
ઈનિંગનો સમાવેશ થાય છે. રાજવી ચેમ્પિયન્સ તરફથી રમતા શોકતઅલી ભજીરે પણ બેટિંગમાં પોતાનો
કમાલ દેખાડયો છે. બે મેચમાં 109 રન બનાવી
શોકતઅલીએ પોતાની ટીમને વિજય અપાવવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું હતું. શોકત પોતાની
કેપીએલની બીજી સિઝન રમી રહ્યો છે. શ્રીરામ સુપર કિંગ્સ તરફથી રમતા રામજી સંઘારે બોલિંગમાં
ઉત્કૃષ્ટ દેખાવ કરી બેટધરોને હંફાવ્યા છે. રામજીએ બે મેચમાં છ વિકેટ ઝડપી બોલિંગ મોરચે
પોતાની કાબેલિયત દેખાડી છે. રામજી સંઘારે પોતાની બીજી સિઝનમાં બોલિંગમાં બળૂકા પૂરવાર
થયા છે. મુબારક સોઢા આ વખતે પ્રથમવાર કેપીએલમાં
એગ્રોસેલ ટાઈટન્સ તરફથી રમી રહ્યા છે. આ વખતે તેમણે બોલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી
સૌને ધ્યાનાકર્ષિત કર્યા છે. મુબારકે બે મેચમાં છ વિકેટ ખેરવી તેમની ટીમના બોલિંગ આક્રમણને
મજબૂત બનાવ્યું છે.