અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા અને
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ
ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી. જેમાં દેશ રમત ક્ષેત્રે વિશ્વસ્તરે ચમકવા સજ્જ હોવાનું
જણાવાયું હતું. કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ મુજબ હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
એ નગર આયોજનનો જ એક અભિન્ન ભાગ બની ગયું છે. સરકારનું મુખ્ય લક્ષ્ય 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને
એવા આંતરરાષ્ટ્રીય સ્તરના માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનું છે, જે ભવિષ્યની મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ માટે પાયાનું
કામ કરે. વર્ષ 2014 પછી દેશમાં
`ખેલો ઇન્ડિયા' અને `િફટ ઇન્ડિયા' જેવા અભિયાનો દ્વારા જે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે, તે હવે `ખેલો ભારત' નીતિ અને 2036 ઓલિમ્પિક્સના મક્કમ સંકલ્પ
તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં આવેલી રમતગમતની ક્રાંતિનો
ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભને
કારણે રાજ્યના ખેલાડીઓની માનસિકતા બદલાઈ છે અને આ વર્ષે 73 લાખ ખેલાડીઓની વિક્રમી સહભાગીદારી
નોંધાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં માત્ર 20 મહિનામાં તૈયાર થયેલું વીર
સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેની ઝડપી કામગીરી અને આધુનિક સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ
છે. આ કાર્યક્રમમાં ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પી.ટી. ઉષા, વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ સેક્રેટરી રવિ રંજન, ગુજરાતના સ્પોર્ટ્સ સેક્રેટરી
રાહુલ ગુપ્તા સહિત વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત
રહ્યા હતા.