માધાપર, તા. 8 : રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી
તરણ સ્પર્ધામાં અહીંની હિમધી ચૌહાણે એક અને બે કિલોમીટરની બંને સ્પર્ધામાં સિલ્વર મેડલ
મેળવી કચ્છનું નામ રોશન કર્યું હતું. તેમને અગાઉ બે વખત સુવર્ણ ચંદ્રક મળ્યા છે. પોરબંદરના
સમુદ્રમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં
16 રાજ્યના 1500થી પણ વધારે સાહસિક તરવૈયાઓએ
અને નેશનલ વિજેતાઓએ ભાગ લીધો હતો. માધાપરના શિક્ષક દંપતી ભાવનાબેન અને ગિરીશભાઈ ચૌહાણની
16 વર્ષની પુત્રી હિમધી ચૌહાણે
14થી 30 વર્ષની કેટેગરીમાં બે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને બંને સ્પર્ધામાં
વિજેતા થઈ હતી. એક કિલોમીટરની સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બીજો નંબર અને વહેલી સવારે
6.30 વાગ્યે કડકડતી ઠંડી અને ઊછળતાં
મોજાં વચ્ચે બે કિલોમીટરની સ્પર્ધામાં પણ રાષ્ટ્રીય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો
હતો. બંને સ્પર્ધામાં સિલ્વર મેડલ આસામ રાઈફલના મેજર પ્રશાંત પટનાયકના હાથે અપાયા હતા.