રાયપુર, તા. 2 : ડ્રેસિંગ
રૂમના ગરમ માહોલની અફવાઓ વચ્ચે દ. આફ્રિકા વિરુદ્ધ બુધવારે રમાનારી બીજી વન ડેમાં જીત
સાથે શ્રેણી કબજે કરવાના લક્ષ્ય સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની જીતમાં
વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ અને રોહિત શર્માની આક્રમક બેટિંગ મહત્ત્વની બની રહેશે.
બીજી તરફ ટેસ્ટ શ્રેણીમાં ભારતનો સફાયો કરનાર આફ્રિકી ટીમ રાયપુરમાં જીત સાથે શ્રેણી
જીવંત રાખવાનો ભરચક પ્રયાસ કરશે. આફ્રિકી ટીમમાં નિયમિત કપ્તાન તેંબા બાવૂમા અને સ્પિનર
કેશવ મહારાજની લગભગ વાપસી થશે. મેચ બુધવારે બપોરે 1-30થી
શરૂ થશે. રાંચીમાં કોહલીએ કેરિયરની પ2મી
સદી અને રોહિતે અર્ધસદી ફટકારી હતી. આથી રસાકસી બાદ ભારતનો 17 રને વિજય થયો હતો. 2027ના
વર્લ્ડ કપને હજુ બે વર્ષનો સમય છે પણ રોહિત-વિરાટ માટે દરેક વન ડે મેચ ફોર્મ અને ફિટનેસ
સાબિત કરવા માટે મહત્ત્વની છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથેના મતભેદ પણ ચર્ચિત બન્યા
છે. જેનો ઉકેલ ટીમનાં હિતમાં જરૂરી છે. કોચ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અગરકર વિશ્વ
કપમાં કોહલી-રોહિતની ભાગીદારી પર ચૂપ છે. આથી તેમની સાથે બન્નેના સંબંધ સારા ન હોવાની
અફવાને હવા મળી રહી છે. બીજા વન ડેની ભારતીય ઇલેવનમાં બે ફેરફારની સંભાવના છે. ઋતુરાજ
ગાયકવાડ અને વોશિંગ્ટન સુંદરનાં સ્થાને રિષભ પંત અને નીતીશ રેડ્ડીને તક મળી શકે છે.
ભારતની ચિંતા આફ્રિકાની રન ગતિ પર નિયંત્રણ મૂકવામાં બોલરોની નિષ્ફળતા છે. 11 રનમાં 3 વિકેટ
ગુમાવવા છતાં આફ્રિકાએ મજબૂત વાપસી કરી મેચ રસપ્રદ બનાવ્યો હતો. રાયપુરના નારાયણ સિંહ
સ્ટેડિયમ પર એકમાત્ર વન ડે મેચ જાન્યુઆરી 2023માં
રમાઈ હતી.