એથેંસ, તા. 9 : સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી
નોવાક જોકોવિચે ઇટાલીના લોરેંજો મુસેટીને ત્રણ કલાકના રોમાંચક ફાઇનલ મુકાબલમાં 4-6, 6-3 અને 7-પને હાર આપીને હેલૈનિક ચેમ્પિયનશિપનો ખિતાબ
પોતાનાં નામે કર્યો હતો. જોકોવિચની કારકિર્દીનો
આ 101મો ખિતાબ છે. તેણે હાર્ડ કોર્ટ
પર 72મું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ જોકોવિચે
મહાન રોઝર ફેડરરને પાછળ રાખી દીધો છે. જો કે, આ વિક્રમી જીત બાદ જોકોવિચે જાહેર કર્યું હતું
કે ઇજાને લીધે તે આગામી એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટનો હિસ્સો બની શકશે નહીં. જોકોવિચ
2024માં પણ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ
ઇજાને લીધે ગુમાવી ચૂક્યો છે. હેલૈનિક ઓપનમાં ચેમ્પિયન બની 38 વર્ષીય નોવાક જોકોવિચે ફરી
એકવાર સાબિત કર્યું છે કે ઉંમર તેના માટે ફક્ત એક આંકડો છે.