• બુધવાર, 12 નવેમ્બર, 2025

ફોલોઓન થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની વળતી લડત

નવી દિલ્હી, તા.12 : ઓપનર જોન કેમ્પબેલના અણનમ 87 અને શાઈ હોપના અણનમ 66 રનની મદદથી ફોલોઓન થયા બાદ વેસ્ટ ઇન્ડિઝે વળતી લડત આપીને બીજા દાવમાં 2 વિકેટે 173 રન કર્યાં છે. જો કે બીજા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમથી પ્રવાસી વિન્ડિઝ ટીમ હજુ 97 રન પાછળ છે. આથી તેને પર વધુ એક હાર ઝળુંબી રહી છે. આ પહેલા કુલદીપ યાદવ (82 રનમાં પાંચ વિ.)ના તરખાટ સામે આજે વેસ્ટ ઇન્ડિઝના પહેલા દાવનો વાવટો 248 રને સંકેલાયો હતો. આથી ભારતને 270 રનની મોટી સરસાઇ મળી હતી. ભારતીય કપ્તાન શુભમન ગિલે વેસ્ટ ઈન્ડિઝનો ફોલોઓન કરવાનો નિર્ણય લીધો હતો.  મેચના હજુ બે દિવસ બાકી છે. ભારત વધુ એક જીત તરફ આગેકૂચ કરી રહ્યં છે. આજના ત્રીજા દિવસની રમતના અંતે ઓપનિંગ બેટર જોન કેમ્પબેલ 14પ દડાનો સામનો કરીને 9 ચોગ્ગા અને 2 છગ્ગાથી 87 રને અણનમ રહ્યો હતો. તેના સાથમાં વિન્ડિઝનો વન ડે સુકાની શે હોપ 103 દડામાં 8 ચોગ્ગા-2 છગ્ગાથી 66 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 208 દડામાં 138 રનની અતૂટ ભાગીદારી થઇ ચૂકી છે. બીજા દાવમાં વિન્ડિઝના 2 વિકેટે 173 રન થયા હતા. સિરાજ અને સુંદરને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા આજે વિન્ડિઝને તેનો પહેલો દાવ 4 વિકેટે 140 રનથી આગળ વધાર્યો હતો અને 81.પ ઓવરમાં 248 રને ઓલઆઉટ થઇ હતી. એલેક એથનેજ 41, હોપ 36, ટેવિમ ઇમલાક 21, ખારી પિઅર 23 અને 10મા ક્રમના એન્ડરસન ફિલિપે અણનમ 24 રન કર્યાં હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 82 રનમાં પ અને રવીન્દ્ર જાડેજાએ 46 રનમાં 3 વિકેટ લીધી હતી. 

Panchang

dd