નવી દિલ્હી, તા. 10 : પ્રતિભાશાળી
23 વર્ષીય ડાબોડી પ્રારંભિક બેટધર
યશસ્વી જયસ્વાલના અણનમ 173 રનની મદદથી
બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના સંગીન શરૂઆત સાથે 90 ઓવરમાં બે વિકેટે 318 રન થયા હતા. મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડિઝના બોલરો વિકેટ માટે
તરસતા રહી ગયા હતા. બંને વિકેટ જોમેલ વારકિંનને મળી હતી. જયસ્વાલે ટેસ્ટ કારકિર્દીની
સાતમી સદી કરી હતી. જ્યારે વનડાઉન બેટર સાઇ સુદર્શન કેરિયરની પહેલી સદી ચૂકી ગયો હતો
અને 87 રને આઉટ થયો હતો. કપ્તાન ગિલ
20 રને દાવમાં રહ્યો હતો. મેચના
આવતીકાલે બીજા દિવસે જયસ્વાલની નજર બેવડી સદી પર અને ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય 600 આસપાસનો સ્કોર ખડકી દાવ ડિકલેર
કરવા પર હશે. યશસ્વી અને કેએલ રાહુલ વચ્ચે પહેલી વિકેટમાં પ8 રનની ભાગીદારી થઇ હતી. રાહુલ પ4 દડામાં પાંચ ચોગ્ગા, એક છગ્ગાથી 38 રન કરી આઉટ થયો હતો. આ પછી
યશસ્વી જયસ્વાલ અને સાઇ સુદર્શને કેરેબિયન બોલરોનો પરસેવો પાડીને બીજી વિકેટમાં 306 દડામાં 193 રનની સંગીન ભાગીદારી કરી હતી.
સાઇ સુદર્શન 16પ દડામાં 12 ચોગ્ગાથી 87 રને આઉટ થયો હતો અને પહેલી
ટેસ્ટ સદી ચૂકી ગયો હતો. પહેલા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 2પ3 દડામાં 22 ચોગ્ગાથી
173 રને અને કપ્તાન શુભમન ગિલ 20 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતની
ઇલેવનમાં કોઇ ફેરફાર થયા ન હતા.