• બુધવાર, 30 એપ્રિલ, 2025

આજથી જામશે આઇપીએલ ક્રિકેટ કાર્નિવલ

કોલકતા, તા.21 : વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે શનિવારે અહીંના ઐતિહાસિક ઇડન ગાર્ડન મેદાન પર રમાનારી મેચ સાથે આઇપીએલની 18મી સિઝનનું બ્યૂગલ ફૂંકાશે. આ સાથે જ દેશ-દુનિયામાં ફટાફટ ક્રિકેટનો જવર ફરી વળશે. લગભગ બે મહિના સુધી દેશના 13 શહેરમાં 10 ટીમ વચ્ચે 74 મેચની ટક્કર થશે. દુનિયાની સૌથી લોકપ્રિય અને ધનિક ટી-20 લીગનો ફાઇનલ મુકાબલો 2પ મેના કોલકાતા ખાતે જ રમાશે. 10 ટીમને પાંચ-પાંચના ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ટીમ તેમના ગ્રુપમાં ચાર ટીમ વિરુદ્ધ એક-એક મેચ રમશે અને પાંચમી ટીમ સામે બે મેચ રમશે. ગ્રુપ-એમાં ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ છે, જ્યારે ગ્રુપ-બીમાં મુંબઇ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટસ ટીમ છે. આઇપીએલ-202પ દરમ્યાન નવા નિયમો અને નવા કેપ્ટનો પર નજર રહેશે. નવા નિયમમાં સૌથી મહત્ત્વપૂર્ણ દડા પર થૂંક લગાવવાની છૂટ છે. કોરાનાકાળમાં આના પર પ્રતિબંધ હતો. બીસીસીઆઇએ તમામ કપ્તાનની સહમતિ બાદ બોલરોના હિતમાં આ પ્રતિબંધ હટાવ્યો છે. આઇપીએલની આ સિઝન ભારતના પૂર્વ ચમત્કારિક કપ્તાન 43 વર્ષીય મહેન્દ્રસિંહ ધોનીની આખરી માનવામાં આવે છે. ધોનીથી લગભગ 30 વર્ષ નાનો ખેલાડી વૈભવ સૂર્યવંશી આ વખતે આઇપીએલનો હિસ્સો છે. તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમવાનો છે. જ્યારે ભારતનો સૌથી લોકપ્રિય ગણાતો ક્રિકેટર વિરાટ કોહલી તેની કારકિર્દીના આખરી પડાવ પર આ વખતે આઇપીએલ ટ્રોફી ચૂમવા માગશે. તે હવે આરસીબીનો કપ્તાન રહ્યો નથી. ભારતીય કપ્તાન રોહિત શર્મા પણ પાંચ વખતની પૂર્વ વિજેતા ટીમ મુંબઇ ઇન્ડિયન્સનું સુકાન હવે સંભાળતો નથી, તેની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ઇતિહાસ રચી ચૂકી છે. રોહિત હવે મુંબઇને વધુ એક ખિતાબ જીતાડવા માગશે. આ માટે તેણે બેટ્સમેનના રૂપમાં જોરદાર દેખાવ કરવો પડશે. વિરાટ અને રોહિત ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે. તેમની પાસેથી ચાહકોને હવે આઇપીએલમાં બેફીકર અંદાજમાં બેટિંગ નજારો જોવા મળી શકે છે. આવતીકાલ શનિવારે રમાનારી કોલકાતા નાઇટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચેના પ્રારંભિક મેચમાં જ કાંટે કી ટક્કર થશે. આ મેચ દરમ્યાન કેકેઆરના રહસ્યમય સ્પિનર વરુણ ચક્રવર્તીના દેખાવ પર નજર રહેશે. આઇપીએલમાં બંને ટીમ વચ્ચે 34 મેચમાં ટક્કર થઇ છે, જેમાં 20 જીત સાથે કેકેઆરનો હાથ ઉપર રહ્યો છે. આરસીબીને 14 જીત મળી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd