• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

બુમરાહને ખસેડી રબાડા નંબર વન બોલર બન્યો

દુબઈ, તા.30 : આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય પેસર જસપ્રિત બુમરાહનો નંબર વન બોલરોનો તાજ દ. આફ્રિકાના ફાસ્ટર કાગિસો રબાડાએ છીનવી લીધો છે. રાબાડા ત્રણ ક્રમના ફાયદાથી પહેલા સ્થાને આવી ગયો છે. રબાડાએ બાંગલાદેશ સામેના પહેલા ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી. જેનો તેને ફાયદો મળ્યો છે. તેના હવે કુલ 860 રેટિંગ પોઇન્ટ થયા છે અને ટેસ્ટનો નવો નંબર વન બોલર બન્યો છે. જ્યારે બુમરાહ પહેલા પરથી ત્રીજા સ્થાને ખસી ગયો છે. તેના ખાતામાં 846 રેટિંગ પોઇન્ટ છે. ન્યુઝીલેન્ડ સામેના બીજા ટેસ્ટમાં તેને એક પણ વિકેટ મળી ન હતી. જેનું નુકસાન બુમરાહને સહન કરવું પડયું છે. બીજી તરફ પાકિસ્તાની સ્પિનર નોમાન અલીએ ટોપ ટેન બોલરમાં એન્ટ્રી કરી છે. તેણે ઇંગ્લેન્ડ સામેના આખરી ટેસ્ટમાં 9 વિકેટ લીધી હતી. તે આઠ સ્થાનનો કુદકો લગાવી નવમા ક્રમે પહોંચ્યો છે. જ્યારે પાક.નો બીજો સ્પિનર સાજિદ ખાન 12 ક્રમની છલાંગ લગાવીને 38મા નંબરે પહોંચ્યો છે. ભારત સામે પૂણે ટેસ્ટમાં કુલ 13 વિકેટ લેનાર કિવિ સ્પિનર મિચેલ સેંટનર 30 ક્રમની છલાંગ સાથે 44મા નંબરે પહોંચ્યો છે.  ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં વિરાટ કોહલી સાત ક્રમ નીચે આવીને 14મા ક્રમે સરકી ગયો છે. રોહિત શર્માને નવ સ્થાનનું નુકસાન થયું છે. તે 24મા ક્રમે ફેંકાયો છે. ઋષભ પંત પણ ટોપ ટેનની બહાર થયો છે અને 11મા ક્રમે છે. ટોપ ટેન બેટસમેનમાં ભારતનો એકમાત્ર ખેલાડી યશસ્વી જયસ્વાલ છે. તે 790 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. ઇજાગ્રસ્ત કેન વિલિયમ્સન બીજા સ્થાને ટકી રહ્યો છે. જો રૂટ ટોચ પર યથાવત છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang