• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

વીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુરુકૃપા ઇલેવન વિજેતા

રતનાલ, તા. 1 : અંજાર ખાતે કચ્છ રસિક યુવા ગ્રુપ દ્વારા આયોજિત સંત શ્રી વલ્લભદાસજી પ્રીમિયમ લીગ સિઝન-3 બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટૂર્નામેન્ટમાં આઠ ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં ગુરુકૃપા અને નિજાનંદ ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. ટોસ ત્રિકમદાસજી મહારાજે ઉછાળ્યો હતો. ગુરુકૃપા ટીમ ફાઇનલમાં વિજેતા થઈ હતી. મેન ઓફ ધ સિરીઝ કેવલ આહીર, બેસ્ટ બેટ્સમેન દીપેન ઠક્કર, બેસ્ટ બોલર એ.કે. ડાંગર, બેસ્ટ ફિલ્ડર નંદલાલ જગાણી સહિતના રહ્યા હતા. વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજના હસ્તે ઇનામો અપાયાં હતાં. ત્રિકમદાસજીએ જણાવ્યું કે, ક્રિકેટ જેવી રમતના માધ્યમો થકી કચ્છ અને મુંબઈના યુવા રસિકો વચ્ચે ખેલદિલીની ભાવના વિકાસ પામે છે. સંપ્રદાયના ઉપમહંત ભગવાનદાસજી મહારાજે કહ્યું હતું કે, રમત એ જીવનનું અભિન્ન અંગ છે. આ પ્રસંગે મુંબઈ રસિક સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, પ્રીમિયમ લીગની સિઝન-4નું ફેબ્રુઆરી-2025માં મુંબઈ ખાતે આયોજન કરવામાં આવશે. અમ્પાયર તરીકે ક્રિષ્ના, કોમેન્ટરીમાં વાલજી આહીર, પ્રવીણ માતા, ધર્મેશભાઈ, સ્કોરબોર્ડમાં રસિક વેપારી, રમેશ છાંગા, રમણિક માતા રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ રસિક સમાજના સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ ટીમોના સ્પોન્સર અને આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજનને સફળ બનાવવા રસિક યુવા ગ્રુપ અને સચ્ચિદાનંદ યુવક મંડળ સહયોગી બન્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang