• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

પેરાલિમ્પિકમાં ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ

પેરિસ, તા.4 : પેરાલિમ્પિક ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતીય દિવ્યાંગ ખેલાડીઓએ જોરદાર દેખાવ કર્યો છે. ટોક્યો પેરાલિમ્પિકના 19 ચંદ્રકને પાછળ રાખીને ભારતે આ વખતે પેરિસમાં 21 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સંખ્યામાં હજુ પ-7થી મેડલનો વધારો થવાની પૂરી સંભાવના છે. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનથી તિરંગો લેહરાવીને અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 10 બ્રોન્ઝ મળી કુલ 21 મેડલ કબજે કર્યા છે. મેડલ ટેલીમાં ભારત હાલ 19મા ક્રમે છે. ચંદ્રક વિજેતા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ વીડિયો કોલથી શુભેચ્છા આપી હતી અને દેશનું ગૌરવ વધારવા માટે શાબાશી આપી હતી. પેરિસ પેરાલિમ્પિકના આજે સાતમા દિવસે ભારત માટે ચંદ્રકનું ખાતું સચિન સરજેરાવે ખોલાવ્યું હતું. પુરુષોની ગોળા ફેંક એફ-46 સ્પર્ધામાં સચિને 16.32 મીટરનો થ્રો કરીને રજત ચંદ્રક કબજે કર્યો હતો. તે ફક્ત 0.06 મીટરથી સુવર્ણ ચંદ્રક ચૂકી ગયો હતો. સચિન સરજેરાવે બીજા પ્રયાસમાં તેનો શ્રેષ્ઠ 16.32 મીટર દૂર ગોળો ફેંક્યો હતો. આ સ્પર્ધામાં ભારતનો મોહમ્મદ યાસેર આઠમા અને રોહિતકુમાર નવમા સ્થાને રહ્યા હતા. કેનેડા અને ક્રોએશિયાના ખેલાડીઓ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલના હકદાર બન્યા હતા. 43 વર્ષીય સચિન મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો છે. નાનપણમાં એક દુર્ઘટનામાં તેની કોણીમાં ગંભીર ઇજા થઈ હતી. આ પછી તેનો ડાબો હાથ કામ કરતો બંધ થઇ ગયો હતો.  ભાલા ફેંકની એફ-46 સ્પર્ધામાં ભારતે એક સાથે બે ચંદ્રક જીતીને જ્વેલિયન થ્રોમાં દબદબો બનાવ્યો હતો. અજીત સિંહે આ સ્પર્ધામાં સિલ્વર અને સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અજીત સિંહે 6પ.62 મીટર દૂર ભાલો ફેંકી બીજું સ્થાન મેળ્વયું હતું જ્યારે સુંદર સિંહે 64.96 મીટર દૂર થ્રો કરી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સુંદર સિંહના નામે 68.60 મીટરનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. ઊંચી કૂદમાં પણ ભારતે એક સાથે બે ચંદ્રક કબજે કર્યા હતા. ઊંચા કૂદકાની ટી-63 સ્પર્ધામાં શરદકુમારે 1.88 મીટર અને મરિયપ્પન થંગાવેલુએ 1.8પ મીટર ઊંચી કૂદ લગાવીને રજત અને કાંસ્ય ચંદ્રક કબજે કર્યા હતા. મરિયપ્પન સતત ત્રીજા પેરાલિમ્પિકમાં ચંદ્રક જીતનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે 2016માં ગોલ્ડ, 2020માં સિલ્વર અને હવે 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમેરિકાના ખેલાડી એજ્રા ફ્રેંચે પેરાલિમ્પિક રેકોર્ડ સાથે 1.94 મીટરનો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 400 મીટર ટી-20 સ્પર્ધામાં ભારતની દીપ્તિ જીવનજી કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. તે 400 મીટરની દૂરી પપ.82 સેકન્ડમાં પૂરી કરી ત્રીજા સ્થાને રહી હતી. યુક્રેનની યુલિયા શુલિયાર પપ.16 સેકન્ડ સાથે પહેલા અને તૂર્કિની આયસેલ ઓંડર પપ.23 સેકન્ડ સાથે બીજાં સ્થાને રહી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang