• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

બોપન્ના- સુત્જિયાદી સેમિ ફાઈનલમાં

ન્યૂયોર્ક, તા. 3 : ભારતનો અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેની ઇન્ડોનેશિયન જોડીદાર એલ્ડિલા સુત્જિયાદી યૂએસ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મિકસ્ડ ડબલ્સની સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. આ જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના મેચ્યૂ એબડેન અને ઝેક ગણરાજ્યની ખેલાડી બારબોરા ક્રેજિકોવાને એક કલાક અને 33 મિનિટની રમતના અંતે 7-6, 2-6 અને 10-7થી હાર આપી અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી. 44 વર્ષીય રોહન બોપન્ના અને એડિલ્ડા સુત્જિયાદીનો સેમિ ફાઇનલમાં અમેરિકી જોડી  ટેલર ટાઉનસેંડ અને ડોનાલ્ડ યંગ વિરુદ્ધ મુકાબલો થશે. આ જોડીએ કવાર્ટર ફાઇનલમાં તેમણે ફિનલેન્ડના હેરી હેલિયોવારા અને કઝાકિસ્તાનની અન્ના ડેનિલિનાને 6-7, 6-3 અને 10-8થી પરાજય આપ્યો હતો. પુરુષ વિભાગના નંબર વન ઇટાલીના યાનિક સિનરે ગઇકાલે અમેરિકાના ટોમી પોલને 7-6, 7-6 અને 6-1થી હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તે આ વર્ષે ચારેય ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના ક્વાર્ટર સુધી પહોંચનારો પહેલો ખેલાડી છે. ક્વાર્ટરમાં તેની ટક્કર રૂસી ખેલાડી ડાનિલ મેદવેદવ વિરુદ્ધ થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના એલેકસ ડી મિનોરે હમવતન ખેલાડી જોર્ડન થોમ્પસનને 6-0, 3-6, 6-3 અને 7-પથી હાર આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની ટક્કર જેક ડિપર સામે થશે. મહિલા વિભાગની નંબર વન પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિયાતેક પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણીએ 16મા ક્રમની લુડમિલા સેમસોનોવાને 6-4 અને 6-1થી હાર આપી હતી. ક્વાર્ટરમાં સ્વાયતેકની ટક્કર અમેરિકાની છઠ્ઠા ક્રમની જેસિકા પેગુલા વિરુદ્ધ થશે. પેગુલાએ રૂસની ડાયના સિનાઇડર સામે 6-4 અને 6-2થી વિજય પ્રાપ્ત કર્યો હતો. બ્રાઝિલની હિદાદ મિયા પણ ક્વાર્ટરમાં પહોંચી છે. તેણે અનુભવી ખેલાડી કેરોલિના વોજનિયાકીને ત્રણ સેટની રસાકસી પછી હાર આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang