• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

જેફરી-અસલંકાની બોલિંગ સામે ભારતીય ટીમ ઢેર

કોલંબો, તા. 4 : રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે ત્રણ મેચની વન-ડે શ્રેણીની બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો છે. આ મુકાબલો કોલંબોના કેઆર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો, જેમાં શ્રીલંકાએ 32 રને જીત મેળવી છે. પહેલી મેચ ટાઈ થઈ હતી. તેવામાં યજમાન ટીમ 1-0થી શ્રેણીમાં આગળ છે. બીજી મેચમાં શ્રીલંકાના 241 રનનાં લક્ષ્ય સામે ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રને ઓલઆઉટ થઈ હતી. રોહિત શર્માએ સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી. જો કે, જેફરી વેંડરસે અને ચરિથ અસલંકાની બોલિંગ સામે   ભારતીય ટીમ નબળી પડી હતી. જેફરીએ છ વિકેટ લીધી હતી, જ્યારે ચરિથ અસલંકાએ ત્રણ વિકેટ લીધી હતી.  મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બાટિંગ પસંદ કરી હતી. જો કે, સિરાજે પહેલાં જ બોલે પનુમ નિસંકાને પેવેલિયન મોકલી દીધો હતો. બાદમાં અવિશકા ફર્નાન્ડો અને કુસલ મેન્ડીસે બાજી સંભાળી હતી. ફર્નાન્ડો 40 અને મેન્ડીસ 30 રને આઉટ થયા હતા. આ ઉપરાંત ડુનિથ વેલ્લેલાગેએ 39 અને કમિન્દુ મેન્ડીસે 40 રનનું યોગદાન આપ્યું હતું, જેની મદદથી શ્રીલંકાએ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 240 રન કર્યા હતા. જીત માટે 241 રનનો પીછો કરતાં ભારતની શરૂઆત  સારી રહી હતી. રોહિત શર્માએ 44 બોલમાં 64 રન કર્યા હતા, જ્યારે ગિલે 44 બોલમાં 35 રનની ઈનિંગ્સ રમી હતી. 97ના કુલ સ્કોરે ભારતની પહેલી વિકેટ પડી હતી. આ સમયે જીત  નિશ્ચિત લાગી રહી હતી. જો કે, જેફરીએ ત્રાટકવાનું શરૂ કર્યું હતું અને જોતજોતામાં જેફરીએ છ વિકેટ લઈ લીધી હતી. રોહિત અને ગિલ સિવાય અક્ષર પટેલ 44 રનની ઈનિંગ્સ રમી શક્યો હતો. બાકીના તમામ ખેલાડી નિષ્ફળ સાબિત થયા હતા. આ ઉપરાંત અસલંકાએ ત્રણ વિકેટ લઈને બાકીની કમી પૂરી કરી દીધી હતી, જેના પરિણામે ટીમ 42.2 ઓવરમાં 208 રને ઓલઆઉટ થઈ હતી અને શ્રીલંકા 32 રને જીત્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang