ભુજ, તા. 20 : આ વખતે અધિક માસ આવવા છતાં છેક દિવાળી સુધી હૂંફાળા હવામાનનો દોર લંબાયા બાદ મોડેથી પણ રણપ્રદેશ કચ્છમાં શિયાળુ ઠંડકનો અહેસાસ થવા માંડયો છે. કચ્છનું પરંપરાગત શીતમથક નલિયા સોમવારે સળંગ નવમા દિવસે 13.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી ઠંડું મથક રહ્યું હતું. રાત અને દિવસના તાપમાનમાં હજુ પણ વર્તાતી વિષમતાની અસરથી જનજીવન અકળાઇ રહ્યું છે. અલબત્ત, વહેલી સવાર અને મોડીરાત ઠરવા માંડયા છે, પરંતુ બપોરના સમયે કારતકમાંયે જેઠ?જેવો બફારો અને તાપ વર્તાય છે. હજુ પણ સમગ્ર રાજ્યની સાથોસાથ આપણાં કચ્છમાં પણ દિવસનું એટલે કે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. બીજીતરફ આજે જિલ્લામથક ભુજ (17.7), કંડલા એરપોર્ટ (18.1), નલિયા (13.4), રાપર (17), ખાવડા (19)માં રાત્રિના ભાગે પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકતાં શિયાળુ શીતલહેરથી જનજીવને બફારામાં રાહત મેળવી હતી. માંડવી અને મુંદરામાં પારો હજુ 20 ડિગ્રીથી ઉપર રહેતાં અન્ય વિસ્તારોની તુલનાએ કાંઠાળપટ્ટમાં હૂંફાળું હવામાન અનુભવાયું હતું. વાગડ પંથક તેમજ રણકાંધીના સીમાવર્તી ગામડાંઓમાં વહેલી સવાર અને રાત્રે લોકો ઉની વત્રો વિના બહાર નીકળવાની હિંમત ન કરે તેવો ઠાર શિયાળાની અસલ અસર બતાવી રહ્યો છે.