• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ભુજનાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં વધુ બે આકર્ષણનો થશે તરતમાં ઉમેરો

ભુજ, તા. 20 : અહીં ભુજિયાની તળેટીમાં આવેલાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની તાજેતરમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રવાસીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લઇને વિજ્ઞાનની અદ્ભુત સફરને માણી હતી. આ કેન્દ્રમાં આવેલી ફિલ્ડસ મેડલ ગેલેરી તથા નેનો ટેકનોલોજી ગેલેરી દેશમાં બીજે કયાંય નથી. તેમાં હવે પબ્લીક સ્પેસ ઓબ્ઝર્વેટરી તથા ફલાઇટ સીમ્યુલેટરના સ્વરૂપમાં તરતમાં વધુ બે આકર્ષણોનો ઉમેરો થશે. વિજ્ઞાન કેન્દ્રની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્પેસ ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર જનતાને ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો, ઉપગ્રહો તેમજ નક્ષત્રોને ખૂબ નજીકથી નિહાળવાનો લ્હાવો મળશે. ઉપરાંત સ્પેસ શટલ જેવા આકારના 24 બેઠકો ધરાવતા ફલાઇટ સીમ્યુલેટરમાં લોકો સ્પેસ ટ્રાવેલ, અન્ડર વોટર વર્લ્ડ, જંગલ સફારી, વર્લ્ડ ઓફ ડાયનોસોર, પિરામીડસ ઓફ ઇજીપ્ત, રોલર કોસ્ટર જેવી રાઇડસ વગેરેનો રોમાંચક અનુભવ મેળવી શકશે. ખાસ તો આગામી રણોત્સવમાં કચ્છ આવતા પ્રવાસીઓને આ નવા આકર્ષણોનો લાભ મળી શકશે. ગુજરાત તેમજ દેશની પ્રવાસપ્રિય જનતા માટે ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતાં કચ્છમાં જોવાલાયક અનેક સ્થળોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વિશિષ્ટ રીતે ઉભરી આવ્યું છે, હવે તે ફરવાના સ્થળ તરીકે લોકપ્રિય બની રહ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલેજી વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરાયું છે. જેમાં અત્યારે મરીન નેવીગેશન, એનર્જી સાયન્સ, ફિલ્ડસ મેડલ (મિથેમેટીક્સ), બોન્સાઇ, નેનો ટેકનોલોજી ગેલેરીઓ કાર્યરત છે. તાજેતરમાં દિવાળીના તહેવારોમાં આ કેન્દ્રની 3 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તમામે વિજ્ઞાનની અદ્ભુત સફરને માણી હતી. આ વિજ્ઞાન કેન્દ્રનો જોવાનો સમય સવારે 10થી રાત્રે 8 સુધીનો છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાય છે. સામાન્ય લોકો માટે મંગળવારથી શુક્રવાર સુધી શુલ્ક રૂા. 20, શનિ-રવિ તથા જાહેર રજાના દિવસોએ રૂા. 50 છે. વિદ્યાર્થીઓ માટે મંગળથી શુક્ર રૂા. 10 અને શનિ-રવિ તથા જાહેર રજાના દિવસોમાં રૂા. 20 શુલ્ક રહે છે. વધુ માહિતી માટે મો.નં. 99784 36030નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang