• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ભેડ માતાના મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિ ઝળકી

કોટડા (ચ.) (તા. ભુજ), તા. 28 : રબારી સમાજના પશુપાલકોનો પરંપરાગત સરાણવાળી માતા મોમાય માતાજીનો મેળો આજે ભરાતાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. ભેડ માતાજીના આ મેળામાં આરાધીવાણી, ભોપાઓના ડાકલા સહિતના કાર્યક્રમોની વચ્ચે ખીરનો મહાપ્રસાદ ભાવિકોને પીરસાયો હતો. કોટડા (ચ.) - મોટા બંદરાના સીમાડે આવેલા ભેડ માતાજી (મોમાયમા)નો મેળો આજે એક  જ દિવસે યોજાયો હતો. ભૂખી નદી પાસે આવેલી ડુંગરોની હારમાળા પર બિરાજમાન અને જાડેજા પરિવાર સહિત અનેક સમાજની કુળદેવી મોમાય માતાજીના અને પશુપાલકોના રબારી સમાજના સરાણવાળી માતાજીના (મોમાયમા)નો મેળો ઘેટાં, બકરાં, ગાયો, ઊંટો સાથે મોટી સંખ્યામાં પશુઓ સાથે માલધારીઓ માણવા આવ્યા હતા. આ વર્ષે પડેલા વરસાદ થકી ડુંગર વિસ્તાર રમણીય બન્યો છે. હરિયાળી અને અલૌકિક નદી, નાળાં, ઝરણા અને છેલાઓથી ડુંગરો પર મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા. મુંદરા, ભુજ અને અંજાર સહિત તાલુકાઓ તેમજ શહેરોથી સ્થાનિક ગામડાંના લોકો ઊમટી પડયા હતા. જેમાં ગ્રામ્ય સંસ્કૃતિ ઝળકી હતી. એક દિવસ સાથે મેળો હોવાથી મેળાની શરૂઆતમાં લોકોએ મન ભરીને હરિયાળી સાથે મેળો માણ્યો હતો. ભેડિયા ડુંગર પર બિરાજતા ભેડમાતા (મોમાય માતાજી)નાં મંદિરે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ગુરુવારે ભરાયેલા મેળામાં આસપાસના, તો દૂરદૂરથી ગામના ભાવિકો, સહેલાણીઓએ ચકડોળ, ખાણી-પીણીની મોજ લોકોએ માણી હતી. રમકડાં અને અનેક વસ્તુઓની ખરીદી સાથે લોકોએ મોજ કરી હતી. અનરાધાર વરસાદ વરસતાં અહીંનું વાતાવરણ હરિયાળું બની ગયું હતું. સારાં ચોમાસાંને પગલે મેળાના મુલાકાતીઓ વધતાં નાના ધંધાર્થીઓને તડાકો પડયો હતો. અહીં આવતાં પશુઓમાં ઊંટો માતાજીનાં મંદિરની જાણે પ્રદક્ષિણા કરતા હોય તેમ ચારે તરફ ફરતા હોય છે. પરંપરાગત પહેરવેશવાળા રબારી મહિલાઓ અને પુરુષોને જોવા અત્યારના અતિ આધુનિક યુગમાં આવા મર્યાદાભર્યા દર્શન બહુ ઓછી જગ્યાએ થાય છે. રબારી સમાજનો આ સ્થાનિક મેળો વરસોથી થઇ રહ્યો છે. જેમાં અહીં આવતા ઊંટડીઓ, બકરીઓ, ગાયો, ઘેટાં-બકરાંઓનું સાંજે દોહન કરી દૂધ એકઠું કરવામાં આવે છે, પછી તે તમામ દૂધ ભેગું કરી મોટા કડાયામાં દૂધની તરબતર ખીરનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે જે ભાવિકો સમૂહમાં લે છે. આ સરાણવાળી માતાજીની મોટી જાતર - મેળો કહેવાય છે. તેમાં માલધારીઓ પોતાના પશુઓ લઇને વર્ષમાં એકવાર મેળામાં અચૂક હાજરી આપવા આવે?છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિ ઝળકતી હોય છે.

Janmadin Vishesh Purti

Panchang