• બુધવાર, 10 જૂન, 2026

ભૂખી નદી નવસર્જન અભિયાન : 30,000 વૃક્ષના સંકલ્પ સાથે 10 મિયાવાંકી વનોનું નિર્માણ શરૂ

મુંદરા, તા. 9 : મુંદરા પંથકની જીવનરેખા સમાન ભૂખી નદીના પુનર્જીવન માટે ચાલી રહેલું `ભૂખી નદી નવસર્જન અભિયાન' તબક્કાવાર એક પછી એક પડાવ પાર કરતાં હવે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ જળસંચય, પર્યાવરણ સંવર્ધન અને જનભાગીદારીના અનોખા મોડલ તરીકે વિકસી રહ્યું છે. વિરાણિયાથી લાખાપર સુધીના વિસ્તારમાં અત્યાર સુધીમાં 1,02,182  ઘનમીટર જેટલું ડિસિલ્ટિંગ પૂર્ણ થયું છે, તો નદી કિનારાઓ અને આસપાસમાં 9 કિલોમીટર જેટલી જંગલ સફાઈ પૂર્ણ કરાઇ છે. હવે પ્રોજેક્ટના નવા અને મહત્ત્વપૂર્ણ તબક્કા તરીકે મિયાવાંકી પાર્કના વિકાસકાર્યનો આરંભ થયો છે. - વીરાણિયાથી લાખાપર ડિસિલ્ટિંગ પૂર્ણ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ)ના સી.એસ.આર.ના સહયોગથી ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્રના સહિયારા ઉપક્રમે હાથ ધરવામાં આવી રહેલું આ મહત્ત્વાકાંક્ષી અભિયાન કચ્છમાં જળક્રાંતિના નવા અધ્યાયનું સર્જન કરી રહ્યું છે. નદી નવસર્જન કાર્ય અંતર્ગત વીરાણિયાથી લાખાપર સુધીના વિસ્તારમાં અત્યાર સુધીમાં 1,02,182  ઘનમીટર જેટલું ડિસિલ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વર્ષોથી નદીના પટમાં જમા થયેલ કાંપ અને માટી દૂર થતાં નદીની જળસંગ્રહ ક્ષમતા વધવાના કારણે વરસાદી પાણીનો પ્રવાહ વધુ સુગમ બનશે અને ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે નદીના બંને કિનારાઓ અને આસપાસના વિસ્તારમાંથી લગભગ 9 કિલોમીટર જેટલી જંગલ સફાઈ પૂર્ણ કરવામાં આવી છે. વર્ષોથી ફેલાયેલા ગાંડા બાવળ અને અન્ય અવરોધરૂપ વનસ્પતિઓ દૂર થતાં ભૂખી નદીનો મૂળ પ્રવાહ વિસ્તાર ફરીથી સ્પષ્ટ બનવા લાગ્યો છે. નદીના કુદરતી વહેણને પુન:સ્થાપિત કરવાનો આ પ્રયાસ આવનારા વર્ષોમાં સમગ્ર વિસ્તારના જળચક્રને નવી દિશા આપશે. ભૂખી નદી નવસર્જન અભિયાનની વિશેષતા એ છે કે, તેને માત્ર નદી સફાઈ અથવા ડિસિલ્ટિંગ સુધી મર્યાદિત નથી રખાયું. બલકે, આ અભિયાનને પર્યાવરણ સંવર્ધન અને ટકાઉ વિકાસ સાથે જોડવામાં આવ્યું છે. આ દિશામાં હવે પ્રોજેક્ટના નવા અને મહત્ત્વપૂર્ણ તબક્કા તરીકે મિયાવાંકી પાર્કના વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. - 30,000 વૃક્ષનાં વાવેતરનો સંકલ્પ : નદીકાંઠાના વિવિધ ગામોમાં કુલ 30,000 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. મિયાવાંકી પદ્ધતિ દ્વારા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોને ઘનતાપૂર્વક વાવી ટૂંકા સમયમાં કુદરતી જંગલ જેવો વિકાસ કરવામાં આવશે. આ હરિયાળો પટ્ટો માત્ર વૃક્ષારોપણ પૂરતો નહીં રહે, પરંતુ જૈવિક વૈવિધ્ય, કાર્બન શોષણ, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિના નિવાસસ્થાન તેમજ પાણી સંરક્ષણ માટે જીવંત કેન્દ્ર તરીકે વિકસશે. પ્રોજેક્ટના આગામી તબક્કામાં નદીકાંઠાના વિસ્તારોમાં વોક-વે, ગાઝેબો, આરામદાયક બેસવાની વ્યવસ્થા, બાળકો માટેના ઝોન અને હરિયાળા જાહેર સ્થળોના વિકાસની પણ યોજના છે, જેથી ભૂખી નદી માત્ર જળસંચયનું કેન્દ્ર નહીં, પરંતુ પર્યાવરણ શિક્ષણ અને જનજાગૃતિનું પ્રતીક બની શકે. સ્થાનિક લોકોના સહયોગ અને જનભાગીદારીથી આ અભિયાન સતત આગળ વધી રહ્યું છે અને આ નદી કચ્છ માટે જળસંચય આધારિત વિકાસનું એક પ્રેરણાદાયક મોડલ બની રહી છે. નદીમાં સંગ્રહિત થતું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે, હરિયાળી વધશે અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે. - માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જ નહીં, પાણી, પર્યાવરણ અને સમાજના પુનર્જીવનનો સંકલ્પ : હાર્દિકભાઈ મામણિયા : ગ્લોબલ કચ્છના પ્રમુખ અને સહયોગી અખબાર ગ્રુપ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, `ભૂખી નદી નવસર્જન અભિયાન એ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી; તે પાણી, પર્યાવરણ અને સમાજના પુનર્જીવનનો સંકલ્પ છે. આ કાર્ય શરૂ થયું છે, એ  આવનારી પેઢીઓને જળસુરક્ષા અને હરિયાળું ભવિષ્ય આપશે.' સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર નદીના પુનર્જીવન પૂરતો મર્યાદિત ન રહેતા, સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના મોડલ તરીકે વિકસાવવાનો છે. - આ ગામોમાં નિર્માણ પામશે મિયાવાંકી વન : વિરાણિયા, વાંકી,પત્રી, નાના કાંડાગરા, લાખાપર, ટોડા, મંગરા, પ્રાગપર, મોટા કપાયા, ભોરારા  

Panchang

dd