અલી રાયશીપોત્રા દ્વારા : ભીરંડિયારા (તા. ભુજ), તા. 9 : સન 1947માં દેશ આઝાદ થયો જેને 79 વર્ષ વીતી ચૂક્યાં છે, તેમ છતાં આઝાદીના આટલા દાયકાઓ પછી પણ બન્નીની
જરારવાડી ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે. સરહદી વિસ્તાર બન્નીના હોડકો પંચાયત
હેઠળ આવતાં જરારવાડી ગામે વસવાટ કરતાં 25-30 કુટુંબ આજે પણ ઉપર આભ નીચે ધરતી વચ્ચે જીવન વીતાવી રહ્યા છે.
તેજીલા તોફાન હોય, વીજળીના કડાકા
હોય કે કુદરતી આફત હોય ગામમાં વસતા લોકોની ગરીબી અને લાચારી જોઈને એકવાર તો હૃદય ધબકારો
ચૂકી જાય. દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત દેશમાં આજે પણ એવા ગામડાઓ
છે, જ્યાં માત્ર લોકો
પોતાનું તન ઢાંકી શક્યા છે. કાચા મકાનો પર વર્ષોથી નાખેલું ઘાસ પણ હવે સડી ગયું છે.
સરકારની અનેક યોજનાઓ આવી અને ગઈ, પણ જરારવાડી ગામને કોઈ યોજનાનો
લાભ મળ્યો નથી. - જરારવાડી
ગામ સુધી ન કોઈ રાજકીય પક્ષ, રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ ન એનજીઓ પહોંચી,
ન પહોંચી સરકાર : વર્ષોથી પીડાતા આ ગામના લોકોની મીટ મંડાણી
છે કાચા રસ્તાઓ તરફ, જ્યાં કોઈ
આવશે અને અમને પ્રાથમિક સુવિધાઓ અપાવશે, પણ 79 વર્ષના લાંબા સમય બાદ આજ સુધી
કોઈ ત્યાં પહોંચ્યું નથી. 42-44 ડિગ્રી તાપ
વચ્ચે આજે જ્યારે જરારવાડી ગામના લોકો સાથે મુલાકાત કરી, ત્યારે ભલભલા માનવીનું કાળજું કંપી જાય તેવી
વિકટ પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે. ગામના વડીલો સાથે વાત કરતાં પોતાની આપવીતી
કહેતાંની સાથે જ ચોધાર આંસુઓએ રડી પડયા હતા. આજે 79 વર્ષ વીત્યા પણ અમને કોઈ સરકારી
સહાય કે માનવીય દૃષ્ટિકોણથી કોઈ લાભ મળ્યો
નથી. વૃદ્ધો અને નાના ભૂલકાંઓ જ્યારે આવા ધોમધખતા તાપમાં તૂટેલા કાચા મકાનોમાં જોયા
તો રૂંવાડા ઊભા થઈ ગયા. લાકડા કાપી પોતાનું
ગુજરાન ચલાવતા પરિવારમાં સભ્યો માંડ બે વખતનું જમવાનું બનાવે છે. હોડકા પંચાયત હેઠળ
આવતા જરારવાડી ગામમાં નથી કોઈ સરકારી મકાન, નથી આંગણવાડી, નથી રોડ, ન પાકા રસ્તા, લાઈટના
થાંભલા નાખેલા છે, પણ લો વોલ્ટેજને કારણે ન બલ્બ બળે છે ન કોઈ
ઘરમાં લાગેલા પંખા ફરે છે. વર્ષોથી ગરીબીમાં જીવતા આ લોકો સાથે અન્યાય જ થતો હોય તેમ
ગામના ઘણા લોકોનું સરકારી રાશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પંચાયતી રાજ,
ચૂંટણીઓ આવે છે, વસ્તી ગણતરી થાય છે, મત લેવા માટે ઘણી વખત ગાડીઓ પણ આવે છે પણ જો નથી આવતી તો માત્ર એવી યોજનાઓ
કે જેનો લાભ આ ગામમાં વસતા ગરીબ લોકોને મળે. ગામના એક વૃદ્ધાની તબિયત લથડતાં 108 પણ ગામમાં આવી શકી નહોતી. એ
વૃદ્ધાને નજીકના ગામના લોકોએ મુશ્કેલીથી સાડઈ ગામના રોડ સુધી પહોંચાડતાં હોસ્પિટલ ખસેડી
શકાયા હતા. ચોમાસું હોય, ધોમધખતો તાપ
હોય કે હાડ થિજવતી ઠંડી હોય. આ ગામના લોકો કુદરતના ભરોસે જીવી રહ્યા છે. વર્ષોથી બન્નીમાં
કામ કરતી અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ થકી બન્નીનું મોડેલ રજૂ કરતી આ એનજીઓ પણ જરારવાડી
ગામ સુધી પહોંચી નથી જે એક રહસ્ય છે. 28-30 વર્ષ પહેલાં સાડઈ ગામ પાસેથી માટી પાથરીને રોડ બનશે એ આશા હવે
ઠગારી નીવડી છે. ગામના ભૂલકાંઓ માટે શાળા નથી, રોડ નથી, આંગણવાડી કે સરકારી યોજનાનું કોઈ મકાન નથી.
ગામમાં લગ્ન-મરણ જેવો પ્રસંગ હોય તો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા નથી. વિકાસની રાહ
પર આવતા અને નાના લોકો સુધી વિકાસની નેમ ધરાવતા વિસ્તાર બન્નીની સાચી હકીકત જ્યારે
જરારવાડી ગામે પહોંચ્યા ત્યારે જોવા મળી. ઘણી
વખતની રજૂઆતો છતાં પાયાની સુવિધાઓ પણ આ ગામમાં ઊભી કરવામાં આવી નથી. માનવીય દૃષ્ટિકોણથી
વિચારીએ કે સભ્ય સમાજની સ્થાપના તો થઇ પણ આ સભ્ય સમાજમાં આવા લાચાર અને ગરીબ લોકોની
મદદે કોઇ પહોંચ્યું નથી. 450-500 ઘરની
વચ્ચે માત્ર એક ડીપી લાગેલી છે, જ્યાંથી
વીજળી પુરવઠો આ ગામ સુધી પહોંચતાં-પહોંચતાં ચીમની સળગાવીએ એટલી વીજળી માંડ પહોંચે છે.
વિકાસની વાટે દોડતા રાજ્યના કચ્છના છેવાડાના
જરારવાડી ગામે સરકારી સુવિધાઓ પહોંચે તેવી લોક માંગ છે. વર્ષોથી અહીં લોકો ચૂંટાય છે
પણ આજ દિન સુધી આ ગામમાં કોઇ પહોંચ્યું નથી. કાચી માટીથી બનેલા ભૂંગા, તાડપત્રીથી કવર કરવામાં આવેલી લાકડાથી બનેલી ચોકીઓ જાણે લોકોની આપવીતી કહેતી
હોય તેમ ખંડેર ભાસી રહી છે. સૂરવાણીના કલાકાર સામત સાજનનો પરિવાર તૂટેલી તાડપત્રી સાથેના
લાકડાંની ચોકીમાં વસવાટ કરે છે. દુર્ભાગ્ય કહેવાય કે પછી આંખ આડા કાન. અનેક સરકારી
યોજનાઓ ચાલતી હોવા છતાં પણ જરારવાડી ગામ આજે પણ રાહ જોઇ રહ્યું છે વિકાસની. વર્ષોથી
પોતાની સંસ્કૃતિ અને મહેમાનગતિને સાચવી બેઠેલા
જરારવાડી ગામમાં દરેક રણોત્સવ ટાણે યુરોપિયન લોકો આ ગામમાં આવે અને એકાદ રાત્રિ રોકાણ
કરે અને જ્યારે વિદાય લે ત્યારે રડતી આંખે જરારવાડીના લોકોને અલવિદા કરે છે. બન્નીમાં
વર્ષોથી કાર્યરત સેવાભાવી સંસ્થાઓએ જંગલો અને
પશુઓ માટે કરોડો રૂપિયાનું આંધણ કર્યું, તો શું આ સંસ્થાઓએ કદી
જરારવાડી ગામના લોકોને સહાય કરી કે એ લોકોના દુ:ખમાં ભાગીદાર બન્યા ? જવાબ માત્ર ના છે. 79 વર્ષના લાંબા અંતરાલ બાદ પણ એક જીવતી જાગતી તસવીર જે કાચા-પોચા
માનવીનું કાળજું કંપાવી દે છે.