ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 9 : મુખ્યમંત્રીના કાર્યક્રમમાં
રોજ-બરોજના પ્રશ્નોની યાદી વધતી જતી હોવાથી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા
જતાવી છે ને દરેક જિલ્લાના અધિકારીઓને અરજદારોનાં કામો સમયસર પૂરા કરવાં અને ખોટા ધક્કા
નહીં ખવડાવવા સૂચના આપી છે ત્યારે કચ્છની વાત કરીએ તો રાજ્ય કરતાં કચ્છમાં મહેસૂલી
સમસ્યાઓ અન્ય જિલ્લા કરતાં અલગ અને અટપટી હોવાથી પ્રશ્નો ખતમ થવાનું નામ નથી લેતા અને
જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીમાં સોમ અને ગુરુવારે તો લાઇનો લાગે છે. આ સંજોગોમાં નવા
આવેલા કલેક્ટર અનિલ રાણાવસિયાએ પણ ઉકેલ માટે નવતર અભિગમ અપનાવ્યો છે. - કચ્છના પ્રશ્નો જુદા : કચ્છમાં રાજાશાહી વખતના અને ત્યાર પછીના
પ્રશ્નો એવા જટિલ હોવાથી વર્ષોથી ઉકેલ લાવવામાં ખુદ વહીવટી તંત્રને નાકે દમ આવી જાય
છે. જિલ્લા-તાલુકા સ્વાગતમાં પણ પ્રશ્નોની વણઝાર આવતી હોય છે, છતાં કોઇ સપ્તાહ નથી કે અરજદારોની સંખ્યા ઓછી
થઇ હોય. - નિયમો અટપટા
: મહેસૂલી નિયમો એવા અટપટા હોવાથી કચ્છના
અરજદારોને તેનો સામનો કરવો પડે છે. કચ્છમાં ઇનામ નાબૂદી ધારો હોય કે માપણી વધારો, સ્ટેમ્પ ડયૂટીની અપૂરતી રકમ, વારસાઇ નોંધો આવા હજારો પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે, જેના
લીધે અંત આવતો નથી ને ઘણી વખત તો અધિકારીઓને થોડા વિવાદની શંકા જાય છે તો નિર્ણય લેવામાં
અથવા તો જવાબદારી નક્કી કરવામાં જ સમય વીતી જાય છે ને અંતે અધિકારીની બદલી થઇ જતાં
પ્રશ્નો ત્યાં જ રહી જાય છે. - અરજદારો શું કહે છે
? : કચ્છમાં સામાન્ય પ્લોટધારકો કે બિલ્ડરોની એક મોટી ફરિયાદ છે
કે જમીનની માપણીમાં કોઇ ભૂતકાળમાં ચૂક રહી ગઇ હોય તો પાછળથી માપણી વધારાના નામનો ભૂત
ધૂણે છે. આ નિયમ માત્ર કચ્છમાં જ છે અને આ માપણીવધારાની રકમ ભરવા પણ ત્રણ-ચાર કચેરીઓમાં
ફાઇલો ફરે છે પછી ઉકેલ આવે છે. આ વિષયમાં સરળતા લાવવા અનેક સ્તરેથી રજૂઆતો થઇ છતાં
સમસ્યા યથાવત્ છે. - અમલવારી થતી
નથી : એક વખત વારસાઇના કિસ્સામાં મામલતદાર કે
પ્રાંત કક્ષાએ વારસદારોને ન્યાય આપવાનો એક વખત હુકમ થઇ ગયો હોય ને નીચે તેની અમલવારી
ન થાય તો અરજદારને કસૂરવાર ઠેરવી સમયમર્યાદા વીતી ગઇ હોવાના જવાબ સાથે અરજદારોને આગળ
અપીલમાં જવાની સલાહ અપાતી હોય છે. આવા કિસ્સામાં કચ્છના હજારો કિસ્સા છે જેમાં સમયસર
નિર્ણય નહીં લેવાયો હોય ને પછી અંતે અરજદારો કચેરીઓમાં ધક્કા ખાતા રહેતા હોય ને વકીલો
રાખી મોટી ફી ચૂકવતા હોય છે તેવી ફરિયાદો આવી હતી. - રોજ 80 અરજદાર : કલેક્ટરને મળવું હોય તો દર સોમવાર અને ગુરુવાર અરજદારો માટે
વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ બંને દિવસે સવારથી સાંજ સુધી કચ્છના દૂર-દૂરના છેવાડેથી
80 જેટલા અરજદારો કલેક્ટરને રજૂઆત
કરવા આવતા હોય છે. યોગ્ય પ્રત્યુત્તર અપાયા પછી પણ જો કામ નહીં થતાં અંતે ફરીથી ધક્કા
તો પડતા હોય છે એવું કેટલાક અરજદારોએ જણાવ્યું હતું. - ધક્કા શા માટે ? : અરજદારો કહે છે કે, મુખ્યમંત્રી તરફથી સૂચના મળી છે કે,
નાગરિકોનાં કામો નિયત સમયમર્યાદામાં થવા જોઇએ અને જો એ મામલાતદાર કે
પ્રાંત કક્ષાનાં કામો ત્યાં જ પૂર્ણ થઇ જાય તો લોકોને કલેકટર સુધી આવવાની જરૂર ન પડે
પરંતુ આવું થતું નથી એટલે જિલ્લા કક્ષાએ નાગરિકોને જવું પડે છે. અઠવાડિયામાં બે દિવસ
રજૂઆત કરવા ઉપરાંત તાલુકા, જિલ્લ કક્ષાએ સ્વાગત માટે પણ અરજદારોને
બોલાવી પ્રશ્નો સાંભળવામાં આવતા હોય છે પરંતુ અફસોસ કે રજૂઆતોની યાદી ખતમ થતી જ નથી.
- નવા કલેકટરે શું કર્યું ? : મુખ્યમંત્રીની
સૂચનાનું પાલન કેટલા અંશે થશે આ મુદ્દે કલેકટર અનિલ રાણાવસિયાને પૂછયું તો એક તબક્કે
તેમણે પણ કબૂલ્યું કે, જો નીચેની કચેરીઓમાં લોકોના કામ થઇ જાય તો અહીં
સુધી આવવાની જરૂર ન પડે. છતાં તેઓ આવ્યા પછી
એક નવતર પદ્ધતિ અપનાવી છે અને કહ્યું કે, અરજદારને જે ચિઠ્ઠી
આપવામાં આવે છે તેમાં નામ ઉપરાંત કામની વિગતો લખવામાં આવે છે, તેના આધારે પોતે ચિઠ્ઠીની એક કોલમમાં સૂચના લખી જે-તે વિભાગને મોકલી મારી પાસે
તેની વિગતો કોમ્પ્યુટરમાં સાચવવામાં આવે છે અને અરજદારનું અગર સાચું કામ હોય તો થઇ
જાય એ રીતે સતત ફોલોઅપ લઇ યોગ્ય ન્યાય મળે તેવો મારો અભિગમ છે એમ કલેકટરે કહ્યું હતું.
રોજેરોજ જેટલી પણ રજૂઆતો આવે છે તેની તમામ વિગતો એકઠી કરવામાં આવે છે અને તાલુકા કક્ષાએ
પણ આ જ સૂચના આપવામાં આવશે કે સમયસર કામ કરો, અગર સરકારની નીતિમાં
થઇ શકે એમ નથી તો સ્પષ્ટ ના પાડો, ધક્કા ન ખવડાવો એવું તેમણે
કહ્યું હતું.