• બુધવાર, 10 જૂન, 2026

ગાંધીધામની મુખ્ય બજારમાં કોન્ટ્રાક્ટર લાઈન તોડી નાખતાં પાણીનો વેડફાટ

ગાંધીધામ, તા. 8 : ગાંધીધામની મુખ્ય બજારના જવાહર ચોકમાં વરસાદી નાળાંની કામગીરી દરમિયાન લાઈન તોડી નાખવામાં આવતાં પીવાનાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઠેકેદાર લાઈનની મરંમત કરવામાં ઠાગાઠૈયા કરતાં પાણીનો બગાડ થાય છે અને કોન્ટ્રાક્ટરે કરેલા પીસીસીમાં પાણી જઈ રહ્યું છે, એટલા માટે જ લાઈનની મરંમત કરવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. એક બાજુ પાણીનો બગાડ થાય છે અને બીજી બાજુ પીવાનાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. મહાનગરપાલિકા કચેરી સુધી રજૂઆતો કરવા પહોંચી રહ્યા છે છતાં પાલિકાનો એન્જિનીયારિંગ વિભાગ ઠેકેદાર ઉપર કોઈ પગલાં લેતો નથી, જેનાં પગલે વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થયા છે. મુખ્ય બજારમાં વરસાદીનાળાંનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાના આક્ષેપો છે, થોડા દિવસ પહેલાં જ નાળાંની દીવાલમાંથી પડેલી તિરાડ અને ઉપરથી પડેલાં ગાબડાંઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મહાનગરપાલિકાના એન્જિનીયરો પહોંચ્યા હતા અને ભીનું સંકેલી લીધું હતું. વરસાદીનાળાંની કામગીરી દરમિયાન મુખ્ય બજારમાં પાણીની લાઈન તોડી નાખવામાં આવતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તે પાણી કોન્ટ્રાક્ટરનાં નાળાનાં કામમાં ઉપયોગમાં આવી રહ્યું છે અને એટલા માટે જ ઠેકેદાર લાઈનની મરંમત ન કરતો હોવાનું બહાર આવી રહ્યું છે. વેપારીઓ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પાણી વિભાગના જવાબદારોએ આ બાબતે એન્જિનીયરોનું ધ્યાન દોર્યું છે, પરંતુ મહાનગરપાલિકાની કમનસિબીએ આ વિભાગ સાવ નિષ્ફળ છે, તેનાં કારણે શહેરનાં કામો પણ ગુણવત્તા વગરના થઈ રહ્યા હોવાના અક્ષેપો છે. કોઈ કામ સમયસર થતું નથી અને ઝડપથી કામ પૂરા કરાવવાના ચક્કરમાં ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓએ કોન્ટ્રાક્ટરો લાઈન તોડી નાખે છે, જેનાં કારણે પાણીનો વેડફાટ થાય છે. એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ લાઈન તોડી નાખવામાં આવે છે. ત્યાં હજારો-લાખો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. છતાં પણ તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાંથી બહાર આવતું નથી, જેનાં પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે. કમિશનર મનીષ ગુરુવાણીની બદલી પછી ગાંધીધામ મહાનગરપાલિકાનો વહીવટ ખાડે જઈ રહ્યો છે. ચોમાસાં પહેલાં નેતાઓ અને અધિકારીઓ ઈમાનદારીથી ગુણવત્તાસભર કામો નહીં કરાવે તો ચોમાસાંમાં વરસાદ દરમિયાન મુશ્કેલીઓ વધવાની સંભાવના છે.

કિડાણાના લોકો પાણી માટે પાલિકા પહોંચ્યા

કિડાણાની શ્રીરામ સોસાયટીમાં પીવાનું પાણી મળતું નથી. મહિલાઓ મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને પાણી વિભાગના જવાબદારોને રજૂઆત કરતાં કહ્યું હતું કે, વેરો નથી ભર્યો એટલે  અને અમને મત નથી આપ્યા એટલે પાણી નહીં મળે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા.  મહિલાઓએ મત કોને આપવો તે તેનો સ્વતંત્ર અધિકાર છે એવું કહ્યું હતું, તેના જવાબમાં અધિકારીઓએ બે દિવસમાં પીવાનું પાણી મળી રહેશે, કોઈ પણ વ્યક્તિ રૂપિયા માગે તો આપતા નહીં, લોકોને પાણી મળી રહેશે તેવું કહ્યું હતું.

ગટર અને દબાણો માટે પણ રજૂઆતો થઈ

કિડાણામાં ભયંકર ગટર સમસ્યા છે અને દબાણોને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાં પગલે મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ આવીને ગટર સમસ્યા હલ કરવા અને દબાણો દૂર કરવાની માંગ સાથે અધિકારીઓને રજૂઆત કરી હતી. આ મુદ્દે પણ યોગ્ય પગલાં ભરવાની ખાતરી અપાઈ હતી.

Panchang

dd