• બુધવાર, 10 જૂન, 2026

ઉનાળામાં નર્મદા લાઇનમાં ભંગાણની પીડા ભુજના લલાટે કાયમ...!

ભુજ, તા. 8 : ઉનાળામાં નર્મદા લાઇનમાં વારંવાર ભંગાણની સ્થિતિ આ વર્ષે પણ કાયમ રહેતાં સમગ્ર કચ્છની સાથે ભુજના અનેક વિસ્તારોમાં દિવસો સુધી પાણી વિતરણ ઠપ થતાં રહેવાસીઓની હાલત દયનીય બની ગઇ છે. અનેક લોકોને ખાનગી ટેન્કરોના સહારો રહેવું પડતું હોવા સાથે આર્થિક ભારણ પણ વધતું હોવાની ફરિયાદ ઊઠી છે. જો કે, સુધરાઇ દ્વારા જે વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી પાણી નથી આવ્યું ત્યાં નિ:શુલ્ક ટેન્કર વાટે પાણી પહોંચાડાતું હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. ઉનાળાનો પ્રારંભ થાય ત્યારથી અંત સુધી ભુજવાસીઓ સતત અપૂરતાં પાણીની સ્થિતિથી ત્રસ્ત બનતા રહે છે. આ સ્થિતિ માત્ર આ વર્ષે જ નહીં પણ છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવે છે. ભુજમાં બોરમાંથી પાણી ઓછું મળી રહ્યું છે અને હજુ સુધી અમુક ટાંકા સિવાય પાણી સ્ટોરેજની ખાસ કોઇ વ્યવસ્થા નથી. જો કે, મોટા સ્ટોરેજ માટે ધારાસભ્ય કેશુભાઇ પટેલ લેર ડેમ માટે પ્રયત્નશીલ છે, પણ તે જ્યારે થાય ત્યારે. હાલમાં ભુજ શહેર સંપૂર્ણપણે નર્મદા લાઇન પર આધારિત છે, જે દર ઉનાળે વારંવાર ભંગાણનો સામનો કરતી રહે છે. થોડા દિવસો અગાઉ નર્મદા લાઇનમાં સર્જાયેલા ભંગાણે ભુજની પાણી વિતરણ વ્યવસ્થાને રફેદફે કરી નાખી હતી. યેનકેન કારણોસર જોઇએ તેનાથી અડધા પ્રેશરથી નર્મદા નીર મળતાં ભુજના અનેક વિસ્તારો અનેક દિવસો સુધી પાણીથી વંચિત રહેતાં હોવાની લોકફરિયાદ ઊઠી છે. આ અંગે સુધરાઇમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે, દરરોજ 35થી 40 ટેન્કરની અરજી ઓનલાઈન નોંધાય છે. નગરપાલિકા કચેરી ખાતે રૂપિયા ભરીને નોંધાવાતાં ટેન્કર હાલમાં બંધ કરી દેવાયાં છે અને જે વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી પાણી ન પહોંચ્યું હોય ત્યાં ટેન્કર મારફત પાણી પૂરું પડાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ઉનાળાની સિઝનમાં પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકા વચ્ચે ફાળવાતાં પાણીના આંક વચ્ચે તફાવત, નર્મદા લાઇનોમાં ગાબડાં-મરંમત અને ત્યારબાદ બેઠકોના દોર જાણે ભુજના લલાટે કાયમી ધોરણે લખાયા હોય તેવી ટિપ્પણી જાગૃત નાગરિકો કરી રહ્યા છે. સરવાળે તો ભુજવાસીઓ ખાનગી ટેન્કરોના આધારે જ રહે છે અને ખર્ચના ખાડામાં ઊતરે છે. પાણી જેવી જીવનજરૂરી વસ્તુ માટે ભુજના રહીશોને વલખાં ન મારવા પડે તેવું આયોજન યુદ્ધના ધોરણે થાય તેવી લાગણી વ્યક્ત થઇ રહી છે.

બગડેલી પાણી વિતરણની સ્થિતિ થાળે પડી રહી છે

ભુજની કથડેલી પાણી વિતરણ સ્થિતિ અંગે સુધરાઇ પ્રમુખ શીતલ શાહનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં નર્મદા લાઇનમાં ક્ષતિ સર્જાતાં સમગ્ર કચ્છને અસર પહોંચી હતી. એ દરમ્યાન ભુજને જોઇએ તેનાથી અડધા પ્રેશરથી નર્મદા નીર ફાળવાતાં વિતરણને અસર પહોંચી હતી. જો કે, હવે સ્થિતિ સુધરી રહી છે અને પ્રેશર ધીરે ધીરે વધી રહ્યું છે, જેથી વિતરણ વ્યવસ્થામાં સુધારો થતો હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ભુજના જે વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી પાણી નથી પહોંચ્યું ત્યાં નિ:શુલ્ક ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે.

Panchang

dd