નિરોણા (પાવરપટ્ટી), તા. 8 : છેલ્લા ઘણા વર્ષોથી
પાવરપટ્ટીનાં નિરોણા ગામથી દક્ષિણે ફેલાયેલી ડુંગરોની હારમાળમાં વનવિભાગની મોટી રખાલ
આવેલી છે. જે રખાલ સિવાય આગળના ભાગે વનવિભાગે હસ્તગત કરેલ સેંકડો એકર જમીનની માલિકીના
મુદ્દે ચાલતા ભારે વિવાદ વચ્ચે આજે વનવિભાગે આ જમીનમાંથી દબાણ દૂર કરવા પોલીસ વિભાગના
ચુસ્ત બંદોબસ્ત હેઠળ કામગીરહી હાથ ધરી 758 એકર
જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. તંત્રની યાદી અનુસાર પ્રથમ દિવસે 180 હેક્ટર જીમીનમાંથી દબાણો હટાવાયાં હતાં. નિરોણા ગામની
દક્ષિણે ડુંગરાળ વિસ્તાર આસપાસ હજારો એકર જમીન વનવિભાગ અને ગૌચરની આવેલ છે. એ પૈકી
સર્વે નં. 554 પૈકીની જમીન 1963માં
ગ્રામ પંચાયતના નામે નીમ કરવામાં આવી હતી. પાછળથી 1979માં એ જમીન ગેઝેટ દ્વારા સેક્શન 20 હેઠળની જોગવાઈ મુજબ સરકારે વન વિભાગને ફાળવવી દીધી, પરંતુ એ ફાળવાયેલ જમીનની ચોક્કસ હદ-સીમા
નક્કી નથી. એ જમીન પર વર્ષોથી અનેક દબાણકારો કબજો જમાવી ખેતી કરતા થયા હતા. છેલ્લા
થોડાક વર્ષો પહેલાં એ જમીનના વિવાદને લઈ વનવિભાગ અને ગામલોકો વચ્ચે ઘર્ષણ પણ થઈ ચૂક્યા
છે. નખત્રાણા પૂર્વ રેન્જમાં બદલી આવેલા રેન્જ ફોરેસ્ટર ઓફિસર એ.બી. સરવૈયાએ જમીન દબાણમુક્ત
કરવા દબાણકારોને નોટિસ પાઠવી હતી. એટલું જ નહીં ગામમાં એક ખાસ ગામસભા પણ યોજી દબાણકારો
પાસે જમીનની માલિકીના હક-દાવાઓ પણ માગવામાં આવ્યા હતા, પરંતુ
પાછળથી કોઈ આ અંગેના આધાર-પુરાવા ન મળતાં વર્ષોથી ચાલતી આ વિવાદિત જમીન વનવિભાગે હસ્તગત
કરવા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા, વનસંરક્ષક ધીરજ મિત્તલ અને નાયબ વનસંરક્ષક એચ.જે. ઠક્કરની દેખરેખ હેઠળ આજે
વહેલી સવારથી દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નખત્રાણા ડીવાય.એ.સી.
શ્રી ભગોરાની ઉપસ્થિતિમાં ભુજ, મુંદરા મરીન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ- નખત્રાણા તેમજ નિરોણા પોલીસ સ્ટેશનમાંથી 80 જેટલા પોલીસનો કાફલો ઉપરાંત સમગ્ર કચ્છમાંથી 100 જેટલા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં
જોડાયા હતા, જેમાં મહિલા કર્મચારીઓ
પણ સામેલ હતી. કામગીરી દરમ્યાન ગામલોકો સાથે કોઈ સંઘર્ષ ન થાય તે માટે એ વિસ્તારમાં
જતા કાચા રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. 18 જેટલા જેસીબી,
લોડર અને ટ્રેકટરો જેવાં વાહનોએ ખાલી જમીન પર સાફ-સફાઈ સાથે ખાઈ ખોદવાની
કામગીરીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. કાર્યવાહી દરમ્યાન પોલીસ તંત્ર ભારે સતર્ક જણાયું
હતું. વનવિભાગ દ્વારા અનામત જંગલ વિસ્તારમાં વાવેતરની કામગીરી હાથ ધરાશે. કચ્છમિત્રએ
આ કાર્યવાહીની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ગામના તલાટી, સરપંચ
અને એકલ-દોકલ સ્થાનિક લોકો સિવાય કોઈ પણ ગામલોકો કે દબાણકારોની હાજરી જોવા મળી ન હતી.
દબાણ કામગીરી પર રૂબરૂ નજર રાખી રહેલ જિલ્લાના સહાયક વનસંરક્ષક હસમુખભાઈ ચૌધરીએ જણાવ્યું
હતું કે, ગામલોકો સાથે આ અંગે અગાઉ બેઠક યોજી કોઈ પણ સંઘર્ષ વગર
હકારાત્મક રીતે દબાણ હટાવવાની કામીગીરી શરૂ કરવામાં આવી છે, જે
બે દિવસ સુધી જારી રહેશે. દબાણ દૂર કર્યા પછી એ જમીન પર વનવિભાગની કામગીરી કેવી હશે?
આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર વન્ય
પ્રાણીઓ અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોઈ સારા વરસાદ બાદ એ પહાડી જમીનને કાયમી
હરિયાળી બનાવવા પ્લાન્ટેશન જેવી કામગીરી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું.
વનવિભાગે ડુંગરો
વચ્ચે મંડપ બાંધ્યા
પાવરપટ્ટીના નિરોણા નજીક પહાડી પંથકમાં વનવિભાગ દ્વારા
દબાણ દૂર કરવાની કામગીરીમાં સામેલ વનવિભાગ અને પોલીસ તંત્રના 200 જેટલા કર્મચારીઓ ઉપરાંત વાહનો સાથે સંકળાયેલા ડ્રાઈવરો
અને અન્ય મજૂરો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના માટે ધોમધખતા તાપ વચ્ચે પહાડી પ્રદેશમાં આવેલ લાખા ફકીરની
દરગાહ નજીક મંડપ પણ ઊભો કરાયો હતો.
વનવિભાગ પ્રત્યે
ગ્રામજનોની નારાજગી
વર્ષોથી નિરોણાના ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે ગૌચર
જમીનની માલિકી મુદ્દે ચાલતા વિવાદ બાદ આજે એ જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરીને લઈને
ગામલોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગામના સરપંચ નરોત્તમભાઈ આહીરના કહેવા મુજબ વર્ષોથી
ગ્રામપંચાયતના નામે બોલતી આ જમીનના 7/12 આજે
પણ પંચાયતનાં નામે નીકળે છે. જમીન વિવાદ મુદ્દે ગામમાં યોજાયેલ વનવિભાગ સાથેની બેઠકમાં
એવું પણ નક્કી થયું હતું કે રેવન્યુ વિભાગમાંથી માલિક અંગે સ્પષ્ટતા કરવી. સાથે એ કાર્યવાહી
પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામજનોને સાથે રાખી વિવાદિત જમીનની હદ નક્કી કરી પછી જ દબાણ
અંગેની કાર્યવાહી બાબતે સહમતી સધાઈ હતી. તેમ છતાં પણ પોલીસના ભારે કાફલા અને દાદાગીરી
સાથે થયેલી કામગીરીએ ગ્રામજનોમાં ભારે ડરની લાગણી ઊભી કરી છે, જે અયોગ્ય છે. આગામી સમયમાં આ મુદ્દે
એક ખાસ ગ્રામસભા બોલાવી આગળની કાર્યવાહી બાબતે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.
સાંયરા-શિણાપરમાં
પણ કાર્યવાહી
વનવિભાગે નખત્રાણા તાલુકાના સાંયરામાંથી 20 હેકટર જમીનમાં કરાયેલું ખેતી વિષયક દબાણ દૂર કર્યું
હતું. એ જ રીતે શિણાપર અનામત જંગલ વિસ્તારમાંથી 100 હેકટર વિસ્તારમાંથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ
હતી.