• રવિવાર, 17 મે, 2026

રામપરમાં ગેરકાયદેસર વૃક્ષો કાપનારાઓ સામે કાર્યવાહીની માંગ

રામપર (વેકરા), તા. 6 : અહીં સરકારી સાર્વજનિક જમીનમાં આવેલા વડના વર્ષો જૂના બે ઝાડ થડમાંથી કાપનારા સામે કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગણી કરી હતી. ગ્ર્રામ પંચાયતની પૂર્વ બાજુએ રામપર દહીંસરા મેઇન રોડથી દક્ષિણ બાજુએ આવેલા વડ ઓટલા તરીકે ઓળખાતી જગ્યાએ સરકારી સાર્વજનિક જમીન પર આવેલાં વર્ષો જૂના બે વડના ઝાડ અજાણ્યા લોકોએ ઇલેકટ્રીક કટર અને કુહાડીઓથી કાપી નાખ્યા હતા. વડ કપાયાની જાણ ગ્રામજનોને થતાં તેમણે આ બાબતે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અને ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરી ત્યાં પડેલા બે કપાયેલા વડ જેના ફોટોગ્રાફ લઇ આ બાબતે મામલતદારને અરજી કરવા માટે જણાવ્યું હતું. તે રાત્રે નીચે પડેલા વડનું લાકડું ફરીથી કટર અને કુહાડીઓથી કાપી વાહનોમાં ભરીને ગેરકાયદેસર રીતે અજાણ્યા લોકો લઇ ગયા હતા. અગાઉ પણ આ વડ કાપવાના પ્રયત્નો થયા હતા. વૃક્ષની ડાળીઓ કાપી નાખી તેનું થડ કાપતા હતા ત્યારે જાગૃત નાગરિકોએ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને મામલતદારને ધ્યાન દોરતાં મામલતદારે જે-તે વખતે વડ કાપનારાની સામે કામ ચલાવી, દંડ કરી ફરી આ વડ ન કાપવાનો હુકમ કર્યો હતો. હાલે તંત્ર દ્વારા વધુને વધુ વૃક્ષ વાવવામાં આવે તેવી અપીલ કરાઇ રહી છે. ત્યારે સેંકડો પક્ષીઓના આશ્રયસ્થાન સમા આ વડની નીચે રામપર ગ્રામ પંચાયતે સરકારી ખર્ચે બનાવેલા ઓટલાનો ઉપયોગ ગ્રામજનો તથા બપોરના સમયે બહારગામથી આવતા લોકો કરતા હતા. તે વડના ઝાડ ગેરકાયદેસર રીતે કાપી નખાતાં આ બાબતે ફોરેસ્ટ ખાતું તથા પોલીસ ટુકડી તપાસ કરી ઝાડનું લાકડું તથા કાપવામાં વપરાયેલાં સાધનો તથા વાહનો કબજે કરી સંડોવાયેલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માગણી કરી હતી. 

Panchang

dd