• રવિવાર, 17 મે, 2026

મહાકાય જહાજોનું સમારકામ હવે વાડીનારમાં શક્ય

ગાંધીધામ, તા. 5 :  ભારતમાં નાની કક્ષાના શિપયાર્ડ ઘણા, પરંતુ મહાકાય શિપના સમારકામ માટે અત્યાર સુધી  ભારતે વિદેશના શિપયાર્ડ ઉપર જ આધાર રાખવો પડતો હતો, પરંતુ હવે આ પરિસ્થિતિ  ભૂતકાળ બની જશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશના પ્રથમ હરોળના કંડલા મહાબંદર  અને કોચિન શિપયાર્ડના સંયુક્ત રોકાણ સાથેના શિપ રિપેરિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ કેન્દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા  આ અંગે દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં ડીપીએ અને  કોચિન શિપયાર્ડના ઉપક્રમે ડીપીએ કંડલા હસ્તકના વાડીનાર બંદર ખાતે મહાકાય શિપ રિપેરિંગની સુવિધા  વિકસાવવાનું  આયોજન દર્શાવાયું હતું. આ દરખાસ્તે  વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી  આર્થિક બાબતોની કેબિનેટ બેઠકમાં  ગુજરાતને મહત્ત્વપૂર્ણ પ્રકલ્પને ભેટ મળી છે. આ પ્રોજેક્ટ 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લાટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ અને સંબંધિત મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બ્રાઉનફિલ્ડ ફેસિલિટી  વિકસાવાશે. વાડીનારનો કુદરતી ઊંડો ડ્રાફ્ટ  મુખ્ય દરિયાઈ માર્ગો સાથેનું જોડાણ અને મુંદરા તેમજ કંડલા જેવા મુખ્ય બંદરો સાથેની તેની નિકટતા તેને સમારકામની કામગીરી માટે ખાસ કરીને મોટા વ્યાપારી અને વિદેશી ધ્વજવાળા જહાજો માટે એક શ્રેષ્ઠ  સ્થળ રહેશે. આ પ્રકલ્પ થકી કૌશલ્ય વિકાસ માટેની તક ઊભી થશે તેમજ દરિયાઈ આનુષાંગિક સેવાઓ અને લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગનો વિકાસ સક્ષમ બનશે.  વાડીનાર ખાતેની આ સુવિધાથી ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને પશ્ચિમ કિનારે મજબૂત બનેલી સમારકામ ક્ષમતાથી  ભારતીય બંદરોની એકંદર સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. આ પ્રોજેક્ટથી ટકાઉ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જે શિપ રિપેર, લોજિસ્ટિક્સ અને આનુષાંગિક ઉદ્યોગોમાં અંદાજે 290 પ્રત્યક્ષ અને આશરે 1100 પરોક્ષ નોકરીનું સર્જન થશે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દીનદયાળ મહાબંદર દ્વારા હાલ શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ ઉપર પણ વિશેષ કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં જાપાનના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈને વીરા અને મીઠા પોર્ટ ખાતે પ્રોજેક્ટ અંગેની શક્યતા ચકાસી હતી. શિપ રિપેરિંગની કામગીરી, અનુભવ કોચિન શિપયાર્ડ દ્વારા લગાડવામાં આવશે. 

Panchang

dd