• રવિવાર, 17 મે, 2026

કચ્છમાં અમુક સ્થળે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડતાં મચી રાડ

ભુજ, તા. 5 : અમેરિકા- ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલતાં યુદ્ધનાં કારણે ઇંધણની તંગી સમયાંતરે સર્જાતી હોવાનું સામે આવે છે. ખાસ કરીને અફવાઓનું બજાર ગરમ બનતાં લોકો ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ઇંધણ પુરાવતા હોવાથી કૃત્રિમ તંગી ઊભી રહી છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના મોટા ભાગના વિસ્તારમાં પેટ્રોલ -ડીઝલની તંગી સર્જાતાં પંપો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પુરવઠા તંત્રે ખાસ તપાસ ટીમો ઉતારી સ્થિતિને થાળે પાડવા કમર કસી છે. કચ્છમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘણાખરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો ન હોવાથી લોકોમાં રાડ ઊઠવા પામી છે. કચ્છ સિવાયના જિલ્લામાં પૂરતો જથ્થો મળે છે. માત્ર કચ્છમાં જ તંગી શા માટે તેવો વેધક સવાલ ઊઠી રહ્યો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યાનુસાર છેલ્લા ચાર દિવસથી ગાડી  જ  ન આવતાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય લગભગ બંધ થઇ ગયો છે. જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીને પૂછતાં તેમણે કહ્યું કે, કચ્છમાં જરૂરિયાત અનુસાર ઇંધણનો જથ્થો મળી રહ્યો છે, પણ કયાંક ને કયાંક બલ્કમાં ઇંધણ આપી દેવાનું હોવાથી આ સમસ્યા ઉદ્ભવી છે. અમને મુંદરા, અબડાસા વિસ્તારમાંથી ફરિયાદ મળી છે તેને આધારે ખાસ તપાસ ટીમો ઇન્સ્પેકશન માટે મોકલી છે. અમને એવી આશા છે કે, એક-બે દિવસમાં સ્થિતિ થાળે પડી જશે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છ ઓઇલ કંપનીના 346 જેટલા પંપ કાર્યરત છે. તેમાં પેટ્રોલની સંગ્રહ ક્ષમતા 57.78 લાખ અને ડીઝલની 1.38 કરોડ  લિટર છે. મુંદરાના અહેવાલ અનુસાર મુંદરામાં પેટ્રોલનો સ્ટોક ઓછો હોવાની રાડ તો વધી ગઈ હતી અને લાંબી લાઈનો પણ લાગી હતી, પરંતુ મંગળવાર સવારથી તો પેટ્રોલ ડિઝલના પંપો ઉપર  વિતરણ બંધ થઈ ગયું હતું. મોટાભાગના પેટ્રોલ પંપ બંધ કરી નાખવામાં આવ્યા છે અને છૂટક એકાદ બે પેટ્રોલ પંપ પર ઇમર્જન્સી પેટ્રોલ રખાયું છે, જેથી ઇમર્જન્સી સેવાઓમાં વપરાશ થઈ શકે. પેટ્રોલ પંપ સંચાલકોનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ ટર્મિનલમાંથી જ અમને જથ્થો મળતો નથી. અમારાં વાહનો  ગઈકાલથી મૂકેલાં છે, પણ એ લોડ કરવામાં નથી આવતાં. કંપનીવાળાને વારંવાર કોલ કરવા છતાં દાદ નથી મળતી. શું કારણ છે એ  જણાવાતું નથી. અન્ય કેટલાકે જણાવ્યું કેરિફાઇનરી ઉપરથી જ તંગી વધી ગઈ છે અને આજે તો મુંદરામાં પરિસ્થિતિ એવી આવી હતી કે, પંપ ના છૂટકે બંધ કરવા પડયા હતા. આ તકનો લાભ ઉઠાવીને ગેરકાયદે છૂટક વેચાણ કરનારાઓએ પણ  રૂ. 110 થી 120 લિટરના ભાવે પેટ્રોલનું વિતરણ શરૂ કરી દીધું હતું.  તો નલિયાના અહેવાલ અનુસાર કપાસની વાવણીની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે અબડાસાના ખેડૂતો ડીઝલ માટે વલખા મારી રહ્યા છે. સરકારી પરિપત્ર હોવા છતાં, ડીઝલ પંપ સંચાલકો 200 લિટર ડિઝલ બેરલમાં આપવાનો ઇન્કાર કરતા હોવાથી ખેડૂતોને 30-35 કિલો મીટર દૂર સુધી ટ્રેકટર લઇને જવું પડે છે. ડીઝલની કૃત્રિમ અછતને કારણે કોઠારા ડીઝલ પંપ પર વહેલી સવારથી જ ટ્રેકટરોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. 

Panchang

dd