દયાપર (તા. લખપત), તા. 5 : પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર ખાતે પ્રવાસન નિગમ દ્વારા કરોડો રૂપિયાના
કામો થયાં, પરંતુ મોટાભાગે `પથ્થર' ખવાઈ જતાં બાંધકામ જર્જરિત
બન્યાં છે. નારાયણ સરોવરમાં પ્રવેશતાં જ આવતું પ્રથમ દ્વાર (નલિયા રોડ પાસે) પાયામાંથી
હલબલી ગયું છ જે ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. પ્રવેશદ્વારના નીચેના ભાગમાં
પથ્થર ખવાઈ ગયા છે. વર્ષ 2011માં
પ્રવાસન નિગમ દ્વારા નારાયણ સરોવર -કોટેશ્વર ખાતે વિવિધ વિકાસકામો થયાં પણ સ્થાનિક
આગેવાનોને વિશ્વાસમાં જ ન લેવાયા. ગામના અનુભવી જાણકાર ગ્રા.પં.ના પૂર્વ હોદ્દેદારો
વિગેરેને સાથે લઈને કામ થાય તો બરોબર થઈ શકે. - પ્રવેશદ્વાર પડું પડું...! : નલિયા ફાટક પાસે નારાયણ સરોવર પહેલાં 1 કિ.મી. ભવ્ય પ્રવેશદ્વાર બનાવાયું છે, જેના પિલર નીચે પથ્થરો ખવાઈ
ગયા છે. લોકો અહીં આવી ફોટોગ્રાફી, સેલ્ફી લેતાં હોય છે,
પણ તળિયાં નબળાં છે તે કોઈને ખબર હોતી નથી. પ્રવેશદ્વારના ડાબી બાજુના
થાંભલા નીચે પથ્થરો ખારાપાણીના મારના લીધે ખવાઈ ગયા છે અને બહાર નીકળી આવ્યા છે. 15 વર્ષ પહેલાં થયેલાં બાંધકામ પાછળ લાખો રૂપિયા
વપરાયા છે જે એળે જાય તેવી ભીતિ પ્રવાસીઓને દેખાય છે. - કોટેશ્વર મંદિર પાસે પાળ જર્જરિત : ઐતિહાસિક કોટેશ્વર મંદિર પાસે જે પથ્થરની પાળ
અને સનસેટ પોઈન્ટ બનાવાયા છે તે જર્જરિત થઈ ગયા છે. કોટેશ્વર મંદિરની લિફ્ટ પણ ઘણાં
સમયથી બંધ છે. રૂમોમાં પાણી આવે છે. જ્યાં જરૂર નથી ત્યાં બારી નખાતાં વરસાદમાં તકલીફ પડે છે. દરિયાની ખારી હવાથી મોટાભાગે પથ્થરોમાં
કાણાં પડી ગયા છે. અહીં ખરેખર આરસ કે મારબલ પથ્થરનો ઉપયોગ કરાય તો વર્ષો સુધી વાંધો
ન આવે તેવું કોટેશ્વર મંદિરના દિનેશગિરિજી મહારાજએ જણાવ્યું હતું. કોટેશ્વર મંદિરનો
જીર્ણોદ્ધાર સુંદરજી સોદાગરે કરાવ્યો હતો. દરિયાઈ પાણીમાં બાંધકામ કરતી વખતે `સ્લોપ' રાખવામાં આવ્યો હોત તો દરિયાનાં મોજાંથી આટલું નુકસાન ન થયું
હોત. પાળીના પથ્થર મોટા ભાગે ખવાઈ ગયા છે.
- ચાર સંપ્રદાય મંદિર અતિ જર્જરિત : પવિત્ર સરોવર કિનારે આવેલા ચાર સંપ્રદાય મંદિરના
દક્ષિણે આવેલો ઓરડો પડી ગયો છે. સામેના ઓરડાઓમાં ગાંડો બાવળિયો ઊગી નીકળ્યો છે. પં.પૂ.
ડોંગરેજી મહારાજનો જ્યાં ઉતારો રહેતો તે પણ ઓરડી જર્જરિત બની ગઈ છે. હવે જ્યારે 100 કરોડ જેટલી માતબર રકમ સરકાર દ્વારા મંજુર કરાઈ
છે ત્યારે જર્જરિત મંદિરોનાં બાંધકામ થાય, કલરકામ થાય તે જરૂરી છે. પ્રસિદ્ધ કોટેશ્વર મંદિર હોય કે
અન્ય ઘણાં મંદિરોમાં ત્રણ દાયકાથી કલરકામ નથી થયાં. કોટેશ્વર મંદિરનું કલરકામ 1993માં થયું હતું. દિવ્યાંગો માટે સરકાર દ્વારા
લિફ્ટનું કામ થયું,
પણ નીચેના વિસ્તારમાં બાંધકામ વ્યવસ્થિત ન થતાં ઉંદરડાઓ દર બનાવીને રહે
છે જે દોરડાંને કાપી જતાં લિફ્ટ બંધ થઈ ગઈ છે. અહીં રેમ્પ બનાવાય તો વ્હીલચેરથી દર્શન
કરી શકાય તેમ છે. - સ્થાનિક
આગેવાનોને વિકાસકામમાં જોડાવાય : નારાયણ સરોવર વિકાસકામોમાં સ્થાનિક અગ્રણીઓ જે જાણકાર હોય તેમજ ગ્રા.પં.ના
પૂર્વ સરપંચો, હોદ્દેદારો, જાણકાર અગ્રણીઓનો સમાવેશ થાય તો કામ ચોક્કસપણે
સારું થાય. હાલમાં ગ્રા.પં.માં સરપંચ પદ જ ખાલી છે. રોટેશન મુજબ સરપંચ ઉમેદવાર ન મળતાં
ઉપસરપંચ સંચાલન કરે છે. 100 કરોડ
જેટલી રકમ જ્યારે મંજૂર થઈ છે ત્યારે કામો ગુણવત્તાસભર થાય તેવી માગણી કરતાં પૂર્વ
સરપંચ સુરૂભા એસ. જાડેજાએ કહ્યું હતું કે, અહીં રાજસ્થાની કે હળવદનો પથ્થર નહીં પણ કાળો પથ્થર વપરાય
તો ક્ષાર અને દરિયાઈ હવાથી બાંધકામ બચી શકે છે. સ્થાનિક લોકોને સાથે રાખવાથી કામ વ્યવસ્થિત
થઈ શકે. - પગાર
850, ફૂલનો ખર્ચ 10,000 : અહીં મંદિરો સરકારી જાગીર હસ્તક છે. પૂજારીઓના પગાર
રૂા.850 છે અને મહિને ફૂલોનો ખર્ચ 10 હજાર થઈ જાય છે. ત્યારે જાગૃત લોકો કહે છે સરકારી
જાગીર હસ્તકના મંદિરોની આવી સ્થિતિ છે તો સરકારી બંધનમાંથી દેવમંદિરો મુક્ત કરવા જોઈએ.
લખપત ખાતે પણ મંદિરોની આવી સ્થિતિ છે. નજીવા પગારમાં પૂજારીઓ પોતાનું ગુજરાન કેમ ચલાવી
શકે? કોરોનાકાળમાં
સ્વ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે દરેક વિસ્તારના મંદિરો અને પૂજારીઓની માહિતી
મગાવાઈ હતી, પણ કોઈ સહાય ચૂકવાઈ નહીં. લખપત તાલુકા મામલતદાર કચેરીએ
પણ માહિતી માગી હતી, પરંતુ કોઈ પૂજારીને સહાય હજુ સુધી મળી નથી.