કુલદીપ
દવે દ્વારા : ગાંધીધામ, તા. 5 : કચ્છનાં પ્રથમ મહાનગર ગાંધીધામમાં વિકાસનાં
કામોના ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજવી ફાટક પાસે ઓવરબ્રિજનો પ્રકલ્પ છેલ્લા કેટલાય
મહિનાઓથી જમીન સંપાદન અને ગ્રાન્ટના અભાવે ખોરંભે ચડયો છે. વહીવટીતંત્ર દ્વારા એકમેક
ઉપર જવાબદારીની ફેકાફેકનાં કારણે આ કામ આગળ વધતું નથી. અટકેલાં આ કામથી રાજ્ય સરકાર
અને વહીવટીતંત્ર જાણે નાગરિકોની સહનશીલતાની પરીક્ષા લેતું હોવાનું હાલના સંજોગો ચાડી ખાઈ રહ્યા છે. - ફાટકમુકત કરવા બ્રિજની મંજૂરી અપાઈ : રાજ્ય સરકાર દ્વારા મોટાભાગના શહેરો રેલવે ફાટકમુક્ત બને અને
લોકોના સમયનો બચાવ થાય,
તે માટે ગાંધીધામના રાજવી ફાટક
પાસે ઓવરબ્રિજ બાંધવા માટે મંજૂરી અપાઈ હતી. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે તે સમયે
ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. અબલત્ત સુધરાઈ પાસે બ્રિજ નિર્માણ માટે સક્ષમ ટીમ ન હોવાના
કારણે આ બ્રિજનું કામ માર્ગ અને મકાન વિભાગને સોંપાયું હતું. - 43.92 કરોડના ખર્ચે નિર્માણ : આ બ્રિજ રેલવે વિભાગ અને શહેરી વિકાસ મંત્રાલયની ભાગીદારીથી બાંધવા તૈયારીઓ
થઈ હતી. અનેક ઉતાર ચડાવ વચ્ચે રેલવે વિભાગ દ્વારા પોતાના ભાગમાં આવતા ઓવરબ્રિજનું કામ
પૂર્ણ કરી દેવાયુ છે,
તો બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2023માં અંદાજિત 43.92 કરોડના ખર્ચે ઓવબ્રિજ બાંધવા માટેની કામગીરીનો
આરંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું.
- ભારે વાહનો માટે રસ્તો મહત્ત્વનો : અંજાર, વરસામેડી, ગળપાદર સહિતના વિસ્તારમાંથી
ગાંધીધામ શહેરમાં આવવા-જવા માટે આ રોડ મહત્ત્વનો
છે. આ ઉપરાંત આ માર્ગ એરપોર્ટને જોડતો હોવાથી શહેરની મોટાભાગની
વી.વી.આઈ.પી. મૂવમેન્ટ અહીંથી જ થાય છે,
આ ફાટક પાસેથી અંદાજિત 80 કરતાં વધુ ટેન પસાર થાય છે, જેને કારણે ફાટક વારંવાર બંધ થાય છે. એવુ કયારેક જ બન્યું હશે કે, અહીંથી પસાર થતા વાહનચાલકો
ફાટક પાસે અટકયા વિના નીકળી શકયા હશે. દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ
વારંવાર ફાટક બંધની સમસ્યાથી પીડાય છે. - જમીન સંપાદનનાં કારણે કામ બાકી : હાલમાં
ઓવરબ્રિજનું મોટાભાગનુ કામ પૂર્ણ થયું છે. આ ઓવરબ્રિજમાં 350 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ માટે બીએસએફની 3130 ચો.મી. જમીન સંપાદન મુદ્દે મહિનાઓથી કામ બંધ
પડયું હતું. ધારાસભ્ય માલતીબેન અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા આ અંગે દિલ્હી સુધી રજૂઆતો
કરી હતી. ત્યારબાદ સુરક્ષાદળ દ્વારા હકારાત્મક અભિગમ સાથે જમીન સંપાદન માટે જરૂરી મંજૂરી
આપી હતી. - ગ્રાન્ટના અભાવે બીએસએફને ચુકવણું બાકી : આ મંજૂરી બાદ સુરક્ષાદળ દ્વારા જમીન કબજે લેતાં પહેલાં દીવાલ બાંધી આપવા અને તૂટતાં બાંધકામને ફરી બાંધવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે તે પહેલાં
અહીં કામ ન કરવા સુરક્ષા એજન્સીએ હઠાગ્રહતા પકડી છે. બીજી બાજુ સ્થાનિક વહીવટીતંત્ર
દ્વારા આ જમીન સંપાદન માટે મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટના
અભાવે સુરક્ષાને ચુકવણુ થઈ શકયુ નથી. - વધારાનાં કામ માટે 30 કરોડની દરખાસ્ત અટકેલી : માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરક્ષાદળની જમીનમાં
વધારાનાં કામ તથા સર્વિસ રોડ, જુદાં-જુદાં કામો કરવા માટે શહેરી વિકાસ મંત્રાલય સમક્ષ વધારાની
30.63 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે દરખાસ્ત કરવામાં
આવી છે, જે આવ્યા
બાદ જ આગળનું કામ આગળ ધપી શકશે તેવુ જાણકારોએ કહ્યં હતું. - તંત્રને આશાવાદ વિઘ્ન ન આવે, તો પાંચેક મહિનામાં કામ પૂર્ણ થાય : માર્ગ અને મકાન વિભાગના ઈજનેર પ્રવીણ મારવાડાનો સંપર્ક કરતા તેમણે કહ્યંy હતું કે,
વધારાની ગ્રાન્ટ મેળવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. આગામી થોડા દિવસોમાં
અટકેલું કામ પણ શરૂ થશે. અન્ય કોઈ વિધ્ન ન નડે, તો સંભવત પાંચ
મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ તેમણે
વ્યક્ત કર્યો હતો. - પ્રશ્ન
ઉકેલવામાં તંત્રની નીરસતા : નોંધપાત્ર છે કે, છેલ્લા લાંબા સમયથી આ કામ ખોરભે
ચડયું છે. સરકાર અને વહીવટી તંત્ર ધારે, તો ગણતરીના કલાકોમાં
અનેક પ્રશ્નો ઉકેલી શકે છે. અબલત્ત નાગરિકોને
માટે પીડાદાયક બનેલા આ પ્રશ્ન ઉકેલવામાં સરકારી બાબુઓને ખાસ રસ નથી તેવા વર્તમાન
સંજોગો ચાડી ખાઈ રહ્યા છે. - જમીન સંપાદન માટે નોંધપાત્ર પ્રયાસનો અભાવ : તંત્ર ધારે, તો જમીન સંપાદનનો પ્રશ્ન જૂજ દિવસોમાં
ઉકેલી શકી હોત આ દિશામાં નોંધપાત્ર પ્રયાસ કરાયા જ નથી. તેના કારણે કામ ખોરભે ચડયું
છે. સુરક્ષાદળ દ્વારા સુરક્ષાનાં નામે હઠાગ્રહ
જમીન આપવા તૈયાર થતું નથી. અટકેલા પ્રશ્નોને જોઈને કામ કરનારી એજન્સીએ એક તબક્કે
કામ પડતું હોવાનું પણ મન બનાવી લીધુ હતું, પરંતુ પ્રશ્નો ઉકેલવાની આશા સાથે કામ પૂર્ણ કરવાની તૈયારી
દર્શાવી છે. નોંધપાત્ર છે કે, આ અટકેલા બ્રિજ મુદ્દે સતાપક્ષ અને પ્રજાકીય પ્રતિનિધિઓ વારંવારની ધારદાર રજૂઆત
બાદ ઉકેલ આવતો નથી. નાગરિકોને રોજિંદી મુશ્કેલી સહન કરવાની ટેવ પડી ગઈ છે, તો બીજી બાજુ પ્રજાનો અવાજ ઉપાડવા
માટે જેની જવાબદારી છે, એવા વિરોધપક્ષ પણ પ્રજાનો અવાજ બનવા તૈયાર થયા હોય તેવું ઉડી આંખે
વળગે તેવુ કયાંય જોવા મળ્યું નથી, પંરતુ લોકો બધું જોવે છે, જાણે છે.
આ સહશીલતાનાં પરિણામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યાં છે. પરિણામે સતાપક્ષ ભાજપે
બેઠકો ગુમાવાનો વારો આવ્યો હતો. બ્રિજ નિર્માણ અટકેલાં કામ માટે તંત્ર દ્વારા સકારાત્મક અભિગમ સાથે આગળ વધી સમસ્યા ઉકેલી ઝડપીભેર કામ પૂર્ણ કરવું
જોઈએ તેવા સમયની માંગ છે.